20 September, 2026 01:10 AM IST | Mumbai | Sanjay Goradia
અડધો કિલોમીટર ચાલ્યાનો થાક પણ ઉતારી નાખે એવી પાણીપૂરી મુંબઈમાં ક્યાં મળે છે?
હમણાં લાંબો સમય હું સુરેન્દ્રનગર અને એની પાસે આવેલા મુળી ગામે રહ્યો. ત્યાર પછી પાછો રાજકોટ ગયો એની વચ્ચે થોડા દિવસ મુંબઈ આવ્યો. મુંબઈ પહોંચીને સૌથી પહેલાં બેસ્ટ પાણીપૂરી ખાવાનું નક્કી કર્યું એટલે હું તો પહોંચ્યો કિશન પાણીપૂરીમાં. કિશન પાણીપૂરી એટલે મુંબાદેવી મંદિર છે ત્યાં આગળ તમે ઊભા રહો અને પછી ગૂગલ કરો અને લખો મહાજન ગલી, કિશન ભેલપૂરી હાઉસ એટલે ગૂગલબાબા તમને એક નાનકડી પાતળી ગલીમાં લઈ જાય. એ ગલીમાં એક નાનકડી એટલે કે સાવ નાનકડી, જો ફોટો જોશો તો તમને સમજાઈ જશે કે માંડ ૪૦ સ્ક્વેરફીટની જગ્યામાં કિશન પાણીપૂરી છે. પણ સાહેબ, તમે માનશો નહીં. એમ જ માનો કે સ્વાદની આખી દુનિયા આ ૪૦ ફુટમાં જ છે. ભલભલા ચમરબંધી અહીં ખાવા માટે આવે, લાઇનમાં ઊભા રહે અને પોતાનો ટર્ન આવે એની રાહ જુએ. મારે રાહ નહોતી જોવી એટલે હું તો બપોરે જ ત્યાં પહોંચી ગયો.
પાણીપૂરી ખાવાનો ટાઇમ સાંજનો, પણ મારે ગિરદીમાં પિસાવું નહોતું એટલે હું બપોરે ગયો અને નક્કી કર્યું કે શાંતિથી ઊભા-ઊભા પાણીપૂરી જમવી.
હું ત્યાં ગયો અને મેં પહેલાં પાણીપૂરીનો ઑર્ડર આપ્યો કે તરત મને એક પડિયો આપ્યો અને બાજુમાં ઊભો રાખ્યો. પછી તેણે ૬ સરસ વીણેલી, થોડી ઓવરફ્રાઇડ થયેલી પૂરી કાઢી કે તરત મેં તેને કહી દીધું કે ભાઈ, તીખા પાની થોડા હિલાકે દેના ઔર લાસ્ટ મેં મીઠા પાની ડાલકે એક ખિલા દેના.
તેણે મારી સૂચના મુજબ પાણીમાં ચમચો બરાબરનો મસ્ત હલાવ્યો, પૂરીમાં પાણી ભર્યું અને મને આપ્યું. અને સાહેબ, મેં એ પાણીપૂરી ખાધી. એક તો આખું મોઢું ભરાઈ જાય એવડી મોટી પૂરી, બીજું એકદમ કડક અને કરકરી પૂરી. આવી જ પૂરીમાં પાણીપૂરી ખાવાની મજા આવે. અરે હા, કહેવાનું ભૂલી ગયો. અહીં પેલા ગરમ રગડાવાળી પાણીપૂરીનો રિવાજ નથી. કિશનમાં બુંદી નાખીને આપે અથવા તો તમને કાળા ચણા અને ફણગાવેલા બાફેલા મગ નાખીને તમને આપે. મેં તો મગ અને ચણા નાખવાનું કહ્યું હતું. શું છે, બુંદી મને બહુ ભાવતી નથી. પહેલી પૂરીએ જ મારું દિલ જીતી લીધું એટલે મેં તો કહી દીધું કે કર ભાઈ કન્ટિન્યુ.
પાણીપૂરી ઉપરાંત ત્યાંની બીજી બે આઇટમ ફેમસ છે. એક તો દહીંવડાં અને બીજી રગડા-પૅટીસ. રગડા-પૅટીસ પણ અદ્ભુત મળે છે. ગરમાગરમ, પેલું કહેને, પાઇપિંગ હૉટ. હા, એવા જ ધુમાડા નીકળતાં રગડા-પૅટીસ તમને આપે. જોકે દહીંવડાં અને અહીં મળતાં કાંજીવડાં તો માશાલ્લાહ. ખાસ કરીને કાંજીવડાં. કાંજીવડાંમાં તો કિશનવાળાની સ્પેશ્યલિટી છે. ખરું કહું તો કાંજીવડાંની સાચી મજા કઈ એની ખબર તો મુંબઈના C અને D વૉર્ડમાં રહ્યા હોય તેને જ ખબર હોય. સબર્બવાળાને બહુ ખબર નહીં હોય એવું મારું માનવું છે. આ જે કાંજીવડાં છે એમાં મેથીના કુરિયા નાખેલું પાણી હોય, સહેજ ખટાશ હોય અને એમાં દહીંવડાંનું એક વડું હોય. આ જે વડું હોય એ પહેલેથી જ પલાળેલું હોય એટલે ખાવામાં એકદમ સૉફ્ટ થઈ ગયું હોય.
કાંજીવડાંની ખબર પડી એટલે મેં તો એ પણ ઑર્ડર કર્યું. કિશનમાં કાંજીવડાંમાં મેં એક જ વડું મગાવ્યું અને તેણે આપ્યું, જે બહુ સારી વાત કહેવાય. એક જમાનો હતો કે જ્યારે ત્રણ-ચાર ભેળ-સેવપૂરી કે બબ્બે કાંજીવડાંની પ્લેટ આમ ઊભા-ઊભા ખાઈ જતો, પણ હવે ખોરાક એટલો રહ્યો નથી. હા, ખાવાનો શોખ હજી એવો ને એવો એટલે જીભ લબકારા માર્યા કરે અને એ લબકારાને કિશન ભેલપૂરી હાઉસ જેવી જગ્યા અમૃત બનાવ્યા કરે. હા, એક વાત ખાસ. આ કિશનવાળા સુધી પહોંચવું એ એક ટાસ્ક છે. આપણું જે કૉટન એક્સચેન્જ બિલ્ડિંગ છે, તમારે ત્યાં ઊતરી જવાનું અને પછી ચાલીને જવાનું.
લગભગ પ૦૦ મીટર ચાલવાનું હશે. પછી આવે મુંબાદેવી મંદિર અને ત્યાંથી ૧૦૦ મીટર થાય આ કિશન ભેલપૂરી હાઉસ. જો કાલબાદેવી જવાનું બને તો-તો અચૂક આ જગ્યાએ જવું અને જો મારી જેમ જીભ લબકારા મારતી હોય તો-તો ભૂલ્યા વિના આ જગ્યાએ લટાર મારી આવવી. સાતેય કોઠે દીવા થઈ જાય એ ગૅરન્ટી મારી.