અમદાવાદમાં મળી મુંબઈની વેજિટેબલ સૅન્ડવિચ

13 June, 2026 04:59 PM IST  |  Ahmedabad | Sanjay Goradia

અમદાવાદ પાસે પોતાની વેજિટેબલ સૅન્ડવિચ છે, પણ એને એ લોકો વેજિટેબલ સૅન્ડવિચ કેમ કહે છે એ આજ સુધી મને સમજાયું નથી, અમદાવાદમાં વેજિટેબલ સૅન્ડવિચમાં એ લોકો આલૂ-વટાણાનું પૂરણ નાખે છે. હવે આને કેવી રીતે વેજિટેબલ સૅન્ડવિચ કહેવાય?

અમદાવાદમાં મળી મુંબઈની વેજિટેબલ સૅન્ડવિચ

હમણાં મારો અમદાવાદમાં શો હતો. રાતે ૯ વાગ્યાનો શો એટલે ૭ વાગ્યે અમે ઑડિટોરિયમ પર જવા માટે નીકળ્યા તો મને થયું કે ચાલો, રસ્તામાં કંઈક નાસ્તો કરી લઉં. મારે ખાવી હતી સૅન્ડવિચ. મિત્રો, અમદાવાદમાં સૅન્ડવિચ ખાવી એ એક રીતે જોવા જઈએ તો બહુ મોટા દુખની વાત છે. શું કામ, તમને સમજાવું.

અમદાવાદમાં વેજિટેબલ સૅન્ડવિચમાં એ લોકો આલૂ-વટાણાનું પૂરણ નાખે છે. હવે આને કેવી રીતે વેજિટેબલ સૅન્ડવિચ કહેવાય? આ આલૂ-વટાણાના પૂરણવાળી વેજિટેબલ સૅન્ડવિચની શરૂઆત અમદાવાદમાં લગભગ પચાસેક વર્ષ પહેલાં શરૂ થઈ. બટાટા હોય એમાં બધા મસાલા નાખે અને પછી એમાં વટાણા નાખે અને પછી એ પૂરણ બ્રેડ પર લગાડીને તમને આપે. આ પૂરણમાં સહેજ સ્વીટનેસ હતી. આ સૅન્ડવિચ બહુ જ પૉપ્યુલર થઈ એટલે એ જોઈને બધા બનાવવા માંડ્યા અને સમય જતાં પૂરણમાં ગળપણ વધતું ગયું. આવી સૅન્ડવિચ મને ભાવે નહીં. કેટલાક તો વળી આલૂ-વટાણાના પૂરણવાળી સૅન્ડવિચમાં ઉપર બહુબધું ચીઝ પણ નાખે. એ પણ મને ભાવે નહીં. હું કહીશ કે આ વેજિટેબલ સૅન્ડવિચ નથી જ નથી. હું શું, મુંબઈની કોઈ પણ વ્યક્તિ આને વેજિટેબલ સૅન્ડવિચ કહે નહીં અને કદાચ દુનિયાના બીજા શહેરવાળો પણ આને વેજિટેબલ સૅન્ડવિચ નહીં કહે. વેજિટેબલ ટોસ્ટ સૅન્ડવિચ એટલે એમાં બ્રેડ હોય, બ્રેડ પર બટર અને લીલી ચટણી લગાડવામાં આવે અને પછી એમાં કાકડી, ટમેટાં, બટાટા, બીટ અને કાંદા નાખે. આનાથી વધારે કંઈ હોય નહીં. હા, અમદાવાદમાં તમે આવી સૅન્ડવિચ માગો તો એમાં બટાટાના પતાકા નાખે નહીં. શું કામ નથી નાખતા એ રામ જાણે. 

આપણે ત્યાં મુંબઈની વેજિટેબલ સૅન્ડવિચમાં બ્રેડ પર બટર અને લીલી ચટણી લગાડી એના પર કાકડીના ટુકડા પાથરી એના પર મસાલો નાખે. પછી ટમેટાંની લાઇન આવે અને ફરી પાછો મસાલો આવે. આ રીતે એક પછી એક વેજિટેબલની લાઇન અને એના પર મસાલો છાંટવામાં આવે. મુંબઈમાં ક્યાંય પણ જાઓ તમને આ જ પ્રકારની વેજિટેબલ સૅન્ડવિચ મળે. જોકે અમદાવાદમાં આ પ્રકારની સૅન્ડવિચ બહુ ઓછી જગ્યાએ મળે એટલે હું અમદાવાદમાં સૅન્ડવિચ ખાવાનું ટાળું. જોકે આ વખતે મને એક ઍડ્રેસ મળ્યું કે અહીં મુંબઈ જેવા રિયલ સ્વાદની સૅન્ડવિચ મળે છે.

અજિત સૅન્ડવિચ નામની એ દુકાન. પચાસેક વર્ષ એને થઈ ગયાં. શરૂઆતમાં બાંકડો કે ખૂમચો લઈને તે બેસતા. હવે અજિત સૅન્ડવિચના માલિક રાકેશભાઈની દુકાન છે. હું તો ઊપડ્યો મારા સાથી કલાકાર નીલેશ પંડ્યા સાથે અજિત સૅન્ડવિચ પર. આશ્રમ રોડ પર વલ્લભ સદન નામનું મંદિર છે. એની સામે આ દુકાન છે. હું એટલું કહીશ કે આ જે ભાઈ છે તેમનામાં સૅન્ડવિચ બનાવવાની કુનેહ હતી. 

સૅન્ડવિચમાં સૌથી મહત્ત્વનું કંઈ હોય તો એ છે ગ્રીન ચટણી. એમાં તીખાશ તો હોવી જોઈએ, પણ એવી નહીં કે ૪ ગ્લાસ પાણી પી જાઓ તો પણ મોઢામાંથી એ તીખાશ જાય નહીં. રાકેશભાઈની સૅન્ડવિચમાં સહેજ તીખાશ હતી, પણ સ્વાદ ડિટ્ટો આપણી મુંબઈની સૅન્ડવિચ જેવો હતો. મને ખરેખર થયું કે વર્ષો પછી અમદાવાદમાં મેં આપણા મુંબઈ જેવી સૅન્ડવિચ ખાધી. એ પછી તો અમે આલૂ-મટર વેજિટેબલ સૅન્ડવિચ પણ મગાવી. એની પણ મજા એ હતી કે એમાં ગળપણ નામ પૂરતું જ હતું. ત્યાર પછી તો અમે બીજી બે-ત્રણ સૅન્ડવિચ ટ્રાય કરી. મારી તો આટલું ખાવાની ત્રેવડ નથી; પણ શું છે, એક કરતાં વધારે લોકો ગયા હોઈએ ત્યારે વધુ વરાયટી ટેસ્ટ કરવાનો મોકો મળી જાય.

અજિત સૅન્ડવિચની બીજી સૅન્ડવિચ‌ો પણ સારી હતી. સારી વાત એ હતી કે એના મેનુમાં જૈન સૅન્ડવિચ પણ હતી, જેમાં એ કાચાં કેળાંનું પૂરણ વાપરે છે. એ અમદાવાદની ઓળખ જેવી છે. એવી બીજી પણ ટિપિકલ સૅન્ડવિચ હતી તો મેનુમાં બૉમ્બે ‌વેજિટેબલ ટોસ્ટ સૅન્ડવિચ પણ હતી, જે મેં સૌથી પહેલાં ટ્રાય કરી અને એને ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ આપ્યા; પણ હા, આ સૅન્ડવિચનો ભાવ ૧૩૦ રૂપિયા હતો. આપણા મુંબઈમાં એ સૅન્ડવિચ આરામથી પચાસ રૂપિયામાં મળી જાય એટલે મુંબઈની સરખામણીએ આ ભાવ બહુ વધારે કહેવાય, પરંતુ હું એ પણ સ્વીકારીશ કે અમદાવાદમાં સ્ટ્રીટ-ફૂડ સામાન્ય કરતાં વધારે મોંઘું છે અને અમદાવાદીઓને એની સામે વાંધો પણ નથી!

food and drink food news street food Gujarati food mumbai food indian food Sanjay Goradia columnists ahmedabad