18 October, 2025 07:42 PM IST | Mumbai | Sanjay Goradia
મિસળમાં કઠોળ અકબંધ રહે એ જ એની સાચી મજા
આજે મારે વાત કરવાની છે મિસળની. આપણા બોરીવલીમાં જે પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમ છે એની બહાર આ મિસળ મળે છે. વાત આગળ વધારતાં પહેલાં તમને એક વાત ક્લિયર કરું કે ઠાકરે ઑડિટોરિયમમાં એન્ટર થવાના બે રસ્તા છે. એક પાછળની સાઇડ પર અને બીજો મેઇન રોડ પર, જ્યાંથી ગાડી પાર્ક કરવા માટે જઈએ ત્યાંનો ગેટ. હું આ ફ્રન્ટવાળા ગેટની વાત કરું છું.
ગેટની બિલકુલ બાજુમાં જમણી બાજુએ શિવાય નામનો એક નાનકડો ફૂડ-સ્ટૉલ છે. આ શિવાયમાં મેં અગાઉ ક્યારેય કંઈ ખાધું નહોતું પણ મારા નવા નાટકનાં રિહર્સલ્સ ઠાકરે ઑડિટોરિયમમાં ચાલતાં હોવાથી થોડા સમયથી રોજ જોઉં કે બપોરે ખાસ ભીડ હોય અને લોકો વેઇટિંગમાં ઊભા હોય. મને નવીન લાગે કે આડા દિવસે પણ આ માણસને ત્યાં આટલી ભીડ છે તો નક્કી તેના ફૂડમાં કંઈક હશે.
બહારનું મર્યાદિત માત્રામાં ખાવાની પરમિશન મળ્યા પછી મેં નક્કી કર્યું છે કે હવે મારે કોઈ પણ જગ્યાએ જતાં પહેલાં એ જગ્યા માટેનો ઓપિનિયન લઈ લેવો. મેં ટીમમાં બધાને એ શિવાય વિશે પૂછ્યું તો મારા અસિસ્ટન્ટ ડિરેક્ટર ચિંતન મહેતાએ મને કહ્યું કે શિવાયનું મિસળ બહુ સરસ હોય છે એટલે મેં તો નક્કી કર્યું કે આપણે શિવાયમાં જઈને મિસળ ટ્રાય કરવું.
બીજા દિવસે બપોરે બે વાગ્યાનાં રિહર્સલ એટલે હું તો લંચ કર્યા વિના જ શિવાય જવા માટે નીકળી ગયો અને સીધો પહોંચ્યો ઠાકરે ઑડિટોરિયમ પર. મારી સાથે ચિંતન અને મારા સાથી કલાકાર નીલેશ પંડ્યા પણ જોડાયા. અમે તો મગાવ્યું મિસળ. વાત આગળ વધારતાં પહેલાં કહું કે હાર્ટ-સર્જરી પછી મારે તબિયતનું ધ્યાન રાખવાનું છે એની મને ખબર છે અને હું ધ્યાન રાખું જ છું એટલે તમે એ વાતની ફિકર કરતા નહીં. ગયા શનિવારની મારી ફૂડ-ડ્રાઇવ વાંચીને મારા કેટલાક હિતેચ્છુ મિત્રોએ મને ફોન કરીને ડૉક્ટર આપે એનાથી પણ ઘણીબધી વધારે સૂચનાઓ આપી, જેની માટે તેમનો આભાર. પણ હું એક વાત કહીશ. ચોવટ અને પરેજી બન્ને મર્યાદામાં સારાં લાગે. વધારે પડતી ચોવટ કરીએ તો જિંદગી ખરાબ થઈ જાય અને વધારે પડતી પરેજી પાળીએ તો પણ એવું જ થાય.
હવે વાત કરીએ મિસળની.
ગરમાગરમ મિસળ આવ્યું ને એની સાથે એકદમ નરમ એવાં બે પાઉં. સાથે કાંદા-લીંબુ અને સહેજ પીળાશ પડતી ચટણી. એ જે ચટણી હતી એ ચટણીનો સ્વાદ અને કલર જોઈને મને ટ્રેનમાં મળતી ઇડલી યાદ આવી ગઈ. ડિટ્ટો એવી જ એ ચટણી હતી.
મિસળ ખાવાની મારી એક રીત છે. હું પાંઉ નામપૂરતું ખાઉં પણ મિસળ ખૂબ ખાઉં, પાંઉભાજીમાં પણ એવું જ એટલે મને એ બધી વરાઇટીનો સાચો સ્વાદ ખબર પડે. શિવાયમાં પણ મેં એ જ કર્યું અને એક પાંઉ સાથે મિસળ પૂરું કર્યું. મિસળ બહુ એટલે બહુ સરસ હતું. એકદમ ઑથેન્ટિક ટેસ્ટ. મિસળમાં જે કઠોળ હતું એ એકદમ પાણીપચું નહોતું પણ સાથોસાથ એવું પણ નહીં કે એ બરાબર બફાયું ન હોય. મિસળ બનાવવાની આ જ ખાસિયત છે. ઘણા ગુજરાતીઓના ઘરમાં મિસળ અને રગડો એકસમાન લાગતા હોય છે. સ્વાદ મિસળનો જ હોય પણ એનાં રંગરૂપ અને એમાં રહેલું કઠોળ રગડાની જેમ એકદમ ઓગળી ગયું હોય. એ ખોટી રીત છે. કઠોળ અકબંધ રહેવું જોઈએ. શિવાયના મિસળમાં એ હતું. કઠોળનો પોતાનો સ્વાદ પણ અકબંધ હતો તો સાથોસાથ એનો જે રસો હતો એ પણ અદ્ભુત હતો. તમને આછા સિસકારા બોલાવી દે.
મિસળ સાથે હું વડું પણ મંગાવું જ. મેં વડું પણ મગાવ્યું હતું. આ જે વડું હતું એ પણ ત્યારે જ ઉતારીને મને આપ્યું હતું. વડાનો પણ સ્વાદ એકદમ ઑથેન્ટિક હતો. ભાવ પણ એકદમ રીઝનેબલ. તમે એક મિસળ પ્લેટ જમો એટલે આરામથી તમારું પેટ ભરાઈ જાય. મને મજા આવી ગઈ અને મને થયું કે ચાલો, તમારા સુધી પણ મિસળનો આસ્વાદ પહોંચાડી દઉં. મિત્રો, રવિવારે બે કામ અચૂક કરવાં. ઠાકરેમાં નાટક જોવું અને શિવાયનું મિસળ ખાવું. નાટક કોઈનું પણ જોશો તો મને ગમશે પણ મિસળ શિવાયનું જ ટ્રાય કરજો. સાચે જ મજા આવશે.