અન્ન બચાવો, અન્ન તમને બચાવશે

16 October, 2021 07:47 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પબ્લિક ઇવેન્ટ્સમાં થતા ફૂડના વેડફાટને અટકાવી, એને કલેક્ટ કરીને ગરીબોના પેટની આગ ઠારવાનું કાર્ય કરે છે. આજે વર્લ્ડ ફૂડ ડે પ્રસંગે તેમના ભગીરથ કાર્યને બિરદાવીએ

મીરા રોડ-ભાઇંદરમાં વધેલા ફૂડની વહેંચણી કરી રહેલા નીલમ તેલી અને વૉલન્ટિયર્સ.

ભૂખ્યાને ભોજન આપવું અને તરસ્યાને પાણી પાવું એ મહાદાન છે એવું માનનારા ભારતીયો અન્નનો બગાડ કરવામાં પણ મોખરે છે. યુએનના રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે અંદાજે ૪૦ ટકા ભોજન કચરાપેટીમાં ઠલવાય છે. જોકે આપણી આસપાસ એવા સેવાભાવીઓ છે જે પબ્લિક ઇવેન્ટ્સમાં થતા ફૂડના વેડફાટને અટકાવી, એને કલેક્ટ કરીને ગરીબોના પેટની આગ ઠારવાનું કાર્ય કરે છે. આજે વર્લ્ડ ફૂડ ડે પ્રસંગે તેમના ભગીરથ કાર્યને બિરદાવીએ

અન્નનો બગાડ અટકાવવા બાબતે જનજાગૃતિ ફેલાવવા તાજેતરમાં નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને વાશીસ્થિત બિનસરકારી સંસ્થા સાથે મળીને ફૂડ બૅન્ક શરૂ કરી છે. વાશી ડેપો પાસે ઇન્સ્ટૉલ કરવામાં આવેલા ફ્રિજમાં શહેરીજનો વધેલું ભોજન મૂકી જાય પછી એનજીઓના કાર્યકરો આહારની ગુણવત્તાની ચકાસણી કરી એનું વ્યવસ્થિત પૅકિંગ કરી જરૂરતમંદ લોકો સુધી પહોંચાડે છે. જોકે ભૂખ્યાને ભોજન આપવું અને તરસ્યાને પાણી પાવું એ મહાદાન છે એવું માનનારા ભારતીયો અન્નનો બગાડ કરવામાં પણ મોખરે છે. યુએનના રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે અંદાજે ૪૦ ટકા ભોજન કચરાપેટીમાં ઠલવાય છે. ઘરની અંદર બગાડ ન થાય એનું ધ્યાન આપણે રાખીએ છીએ, પણ ફંક્શન્સમાં રાંધેલું ભોજન વધી પડે ત્યારે શું? એનો જવાબ આવી સંસ્થાઓ પાસે છે. મુંબઈમાં કાર્યરત જુદી-જુદી સંસ્થાઓ આ નેક કામ કરી રહી છે. આજે વર્લ્ડ ફૂડ ડે પ્રસંગે તેમના ભગીરથ કાર્યને બિદરાવીએ. 
બગાડનાં કારણો
લગ્નપ્રસંગોમાં ઘણીબધી ફૂડ-આઇટમ રાખવાનો ટ્રેન્ડ અને એક વારમાં થાળી ભરીને ભોજન પીરસી લેવાની કુટેવના કારણે અન્નનો ખૂબ વ્યય થાય છે. મીરા-ભાઈંદર વિસ્તારમાંથી વધેલું ફૂડ એકઠું કરીને ગરીબોના પેટની આગ ઠારવાનું કાર્ય કરતા શાંતિ સેવા ફાઉન્ડેશનનાં સંસ્થાપક નીલમ તેલી લોકોની આવી માનસિકતા પ્રત્યે અણગમો વ્યક્ત કરતાં કહે છે, ‘આજે કોઈ પણ પ્રસંગમાં જાઓ, તમને ઢગલાબંધ ખાણી-પીણીનાં કાઉન્ટર જોવા મળશે. વેલકમ ડ્રિન્ક અને સ્ટાર્ટર ઉપરાંત પાણીપૂરી, ચાટ, મિની ઢોસા જેવું ફાસ્ટ ફૂડ ખાધા પછી મેઇન કોર્સ માટે પેટમાં જગ્યા રહેતી નથી તોય દરેક વાનગી ચાખવાના ચક્કરમાં થાળી ભરીને પીરસો છો. ખવાય નહીં એટલે ડસ્ટબિનમાં જાય. આ માનસિકતા ફૂડ-વેસ્ટેજનું મુખ્ય કારણ છે.’
પબ્લિક ઇવેન્ટ્સમાં ભોજનનો બગાડ મોટી સમસ્યા છે. પૅન ઇન્ડિયા અને વર્લ્ડના અનેક દેશોમાં કાર્યરત રૉબિનહૂડ આર્મી ફાઉન્ડેશનના વૉલન્ટિયર મિતુલ જૈન કહે છે, ‘મોટા પાયે થતાં આયોજનોમાં ગેસ્ટના લિસ્ટ પ્રમાણે કેટરર્સને ઑર્ડર આપી દેવામાં આવે છે. ગેસ્ટની સંખ્યા ઘટી જાય તો જમવાનું વધી પડે. અઢળક વાનગીઓ પણ ફૂડ વેસ્ટનું કારણ છે. મારો અનુભવ કહે છે કે કોઈ પણ ઇવેન્ટ્સમાં ૪૦ માણસ જમી શકે એટલું એક્સ્ટ્રા હોય છે.’
આ રીતે કામ થાય
વેસ્ટ ફૂડ કલેક્ટ કરવાથી લઈને ભૂખ્યા સુધી પહોંચાડવાનું કામ સ્ટેપ વાઇઝ કઈ રીતે થાય છે એની જાણકારી આપતાં મિતુલ કહે છે, ‘કૉર્પોરેટ પ્રોગ્રામ અને લગ્નસમારંભ જેવી પબ્લિક ઇવેન્ટ્સને અમે ધ્યાનમાં રાખીએ છીએ, કારણ કે આવી જગ્યાએ જમવાનું ખૂબ વધી પડે છે. સામાન્ય રીતે સામેથી ફોન આવે છે. કૉલ રિસીવ કરનાર મેમ્બર કેટલા માણસોનું જમવાનું વધ્યું છે એ જાણી લોકેશન પ્રમાણે ટીમમેટ્સ સાથે કો-ઑર્ડિનેટ કરી ફૂડ લાવવાની વ્યવસ્થા કરે છે. ભોજન ગરીબોને આપવાનું છે એનો અર્થ એ નથી કે કંઈ પણ ખવડાવો. લોકેશન પર પહોંચ્યા પછી ફૂડની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી ચેક કરવામાં આવે છે. ત્યાર બાદ કન્ટેનરમાં ભરીને સ્લમ એરિયામાં આપી આવીએ. ફૂડ ભરવા માટેનાં કન્ટેનર મોટા ભાગે લોકેશન પરથી મળી જાય છે. કોઈક વાર પ્લાસ્ટિકના ડબ્બા માટેના ડોનરો મળી રહે તો કોઈક વાર આ ખર્ચ અમે ઉપાડી લઈએ. છેલ્લાં બે વર્ષથી મોટી ઇવેન્ટ્સ થઈ નથી તોય ગરીબોનું પેટ ભરવામાં અમે સફળ રહ્યા છીએ. લૉકડાઉનમાં અનેક જાણીતી કંપનીઓએ એક્સપાયરી ડેટ્સ નજીક હોય એવાં ડ્રાય નાસ્તાનાં પૅકેટ્સ લઈ જવા અમારો કૉન્ટૅક્ટ કર્યો હતો. બિસ્કિટ્સ, ચૉકલેટ્સ, ચિપ્સ, કૉફી શેક જેવી વસ્તુઓ બનાવતી કંપનીઓએ હવે કાયમ માટે અમારી સાથે ટાઇ-અપ કર્યું છે.’
અમારી પાસે સ્વયંસેવકોની સંખ્યા મર્યાદિત છે તેથી મીરા-ભાઈંદર માંડ કવર કરી શકીએ છીએ એમ જણાવતાં નીલમબહેન કહે છે, ‘મારું ફોકસ આસપાસમાં આવેલા હૉલમાં યોજાતા કાર્યક્રમો પર હોય છે. લગ્નપ્રસંગમાં વધેલા ભોજનને લઈ જવા ઉપરાંત જૈન લોકોના વરસીતપનું આયોજન કરતી સંસ્થા સાથે વાત કરી રાખું. અમારા વિસ્તારમાં જૈનોની સંખ્યા ઘણી છે તેથી સંસ્થા દ્વારા ત્રણસો માણસની રસોઈ બને એમાંથી ત્રીસેક જણ જમી શકે એટલું વધે. શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટ્સમાંથી બનાવેલી વાનગીઓ ગરીબોના પેટમાં જાય તો તેઓ રાજી થાય એવો મારો હેતુ છે. કાશીમીરામાં મેઇન બ્રિજની નીચે સૂતા ગરીબોને આ ભોજન આપી આવીએ. હા, વીસ માણસથી ઓછું હોય તો સ્પષ્ટ ના પાડી દઉં, કારણ કે ઓછું ખાવાનું લઈ જઈએ તો પડાપડી થાય અને કોઈના ભાગમાં પેટ ભરાય એટલું ન આવે.’
સોલ્યુશન શું? 
વેસ્ટેજ ફૂડને ભૂખ્યા સુધી પહોંચાડવું એ સારી પહેલ છે, પરંતુ અન્નનો વ્યય થવા ન દેવો એને શ્રેષ્ઠ કાર્ય કહેવાય. દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે તો અમારું કામ અડધું થઈ જાય એમ જણાવતાં નીલમબહેન કહે છે, ‘સૌથી પહેલાં તો બુફે સિસ્ટમ બંધ કરીને પંગત જમાડવાની પ્રથા ફરી શરૂ કરવી જોઈએ. જમણવારમાં મર્યાદિત વાનગીઓ રાખવાની. અમે કેટલાંક સૂચનો તૈયાર કર્યાં છે. કેટરર્સવાળાના માણસોની સાથે કાઉન્ટર પાસે પરિવારના યુવાનોને ઊભા રાખો જેથી પીરસવામાં ધ્યાન રહે. જમી લીધા પછી ડિશ મૂકવાની હોય ત્યાં કડક હાથે કામ લઈ શકે એવી વ્યક્તિની હાજરી અનિવાર્ય છે. થાળીમાં એઠું પડ્યું હોય તો ફરજિયાત પૂરું કરવાનો આદેશ આપો. ગરીબોને એઠું કદાપિ ન ખવડાવવું જોઈએ, પરંતુ ભોજનનો વ્યય જોઈને મારો જીવ બળે છે તેથી થાળીમાં પૂરી અથવા ફરસાણ પડ્યું હોય તો થેલીમાં ભરી લઉં છું.’
ફૂડ વેસ્ટેજને કન્ટ્રોલમાં કરવા સમયાંતરે વર્કશૉપનું આયોજન થાય છે. અમે પર્સનલ લેવલ પર પણ આ કામ કરીએ છીએ એમ જણાવતાં મિતુલ કહે છે, ‘રેસ્ટોરાંના ઓનરને વેસ્ટ ફૂડનો ઉપયોગ કરવાના તરીકાઓ સમજાવીએ છીએ. જોકે પહેલાં હાથ જોડીને અન્નનો બગાડ ન કરવાની વિનંતી કરીએ. જો વ્યય થાય છે તો એને ગટરમાં કે કચરાપેટીમાં ઠાલવવાની જગ્યાએ ગરીબોના પેટ સુધી પહોંચે એની દરકાર કરવી જોઈએ.’

વધેલું બગડે નહીં ને ભૂખ્યાનું ભોજન થાય

ફૂડ વેસ્ટેજને ગરીબો સુધી પહોંચાડવાનું કામ એનજીઓના કાર્યકરો કરી જ રહ્યા છે. આ સાથે વ્યક્તિગત સભાનતા અનિવાર્ય છે. રાતના સમયે હાથમાં ઘણીબધી થેલીઓ લઈને આવતા હર્ષ વ્યાસ અને હાર્દિક વાઘેલાને જોઈને રેલવે સ્ટેશન પાસે ભટકતા તેમ જ પુલ નીચે સૂઈ રહેતા ભિક્ષુકો દોટ મૂકે છે. હજી એક વર્ષ પહેલાં બોરીવલી (ઈસ્ટ)માં અંબાજી મંદિર પાસે મહાલક્ષ્મી ફૂડ કૉર્નર સ્ટાર્ટ કરનારા આ મિત્રો અઠવાડિયામાં ત્રણેક દિવસ ભિખારીઓને ભોજન આપવા આવે છે. હર્ષ કહે છે, ‘અમે પાંઉભાજી, સૅન્ડવિચ, ચાઇનીઝ ફૂડ બનાવીએ છીએ. આ બિઝનેસમાં નવું-નવું ઝંપલાવ્યું ત્યારે ક્વૉન્ટિટીનો આઇડિયા નહોતો આવતો. કસ્ટમરોએ રાહ ન જોવી પડે એવું વિચારી વીસેક કિલો બટાટા બાફી નાખતા. ચાઇનીઝ રાઇસ અને તવા પુલાવ માટે મોટા પ્રમાણમાં ચોખા રાંધી રાખતા. એક વાર પાંચેક કિલો બટાટા વધી જતાં જીવ બળી ગયો. દુનિયામાં લાખો લોકોને બે ટંકનું ખાવા નથી મળતું ત્યારે આપણાથી અન્નનો વ્યય થાય એ કેમ ચાલે. ફૂડ કૉર્નરમાં કટ ટુ કટ સામગ્રી ન રાખી શકાય તેથી એનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનું નક્કી કર્યું. રાતના દસેક વાગ્યા પછી જેટલા બટાટા વધ્યા હોય એમાંથી સબ્જી બનાવી નાખીએ. અનુકૂળ હોય તો પૂરી કે ચપાતી બનાવીએ. અન્યથા રાઇસ સાથે પૅક કરીને જરૂરિયાતમંદોમાં વહેંચી દઈએ. રેસ્ટોરાં, ફૂડ કૉર્નર કે ગલીના નાકે ઊભો રહેતો સૅન્ડવિચવાળો પણ જો થોડી મહેનત કરે તો ભૂખ્યાનું પેટ ભરાય અને વધેલી સામગ્રી કચરામાં ન જાય.’

 યુનાઇટેડ નેશન્સના આંકડાઓ મુજબ દર વર્ષે ૧.૩ અબજ ટન જેટલો ખોરાક વેડફાય છે.

Gujarati food mumbai food indian food Varsha Chitaliya columnists