04 July, 2026 09:05 PM IST | Mumbai | Sanjay Goradia
માંડવો લગ્નનો હોય, પાપડનો માંડવો થોડો હોય?
અત્યારે મારી ફિલ્મનું શૂટિંગ બારડોલીમાં ચાલે છે જેનું ટાઇટલ છે સૂડી વચ્ચે સોપારી. સુરતથી એકાદ કલાક દૂર બારડોલી છે. આ બારડોલીની આજુબાજુમાં ઘણાં નાનાં-નાનાં ગામડાં છે. આવું જ એક ગામડું છે નિઝર. અમારું શૂટ ત્યાં ચાલે છે અને અમારે રહેવાનું બારડોલીમાં. રોજ સવારે શૂટિંગમાં જવાનું હોય ત્યારે રોજ જતી વખતે બ્રિજ આવે. બ્રિજની નીચે જમણી બાજુએ હું રોજ વાંચું કે ‘સાનવી પાપડનો માંડવો અને પાપડીનો લોટ’. આ જે પાપડીનો લોટ છે એને સૌરાષ્ટ્રમાં ખીચું કહે. અમદાવાદથી સાઉથ ગુજરાતના વિસ્તારમાં એને પાપડીનો લોટ કહે. પાપડીનો લોટ એટલે મારી ભાવતી ડિશ.
હું જો સાંજે ઘરે હોઉં તો નવાણું ટકા મારા સાંજના નાસ્તામાં મારી વાઇફ ખીચું જ બનાવે. ખીચું ચોખાના લોટનું પણ બને અને ઘઉંના લોટ અને બાજરાના લોટનું પણ બને. ત્રણેયના સ્વાદ સરસ. ઘઉંના લોટનું ખીચું બનાવો ત્યારે એમાં સહેજ મીઠું, લાલ મરચું, અજમો નાખવાનો અને પછી ઉપર અમૂલ બટર નાખવાનું. બટરની ખારાશ અને સોડમ ઉમેરાઈ જાય એટલે આખો સ્વાદ બદલાઈ જાય. હું કહીશ કે ખીચું બનાવતી વખતે તમે જ્યારે મસાલો કરો ત્યારે એમાં મીઠું થોડું ઓછું નાખવાનું. અમૂલ બટરમાં ઑલરેડી ખારાશ હોય જ છે એટલે ખારાશ સરભર થઈ જશે.
પેલા બ્રિજની નીચે પાપડીનો લોટ વાંચ્યું ત્યારે મને એમાં કંઈ બહુ રસ નહોતો પડ્યો, પણ જ્યારે મેં પાપડનો માંડવો વાંચ્યું ત્યારે મનમાં નક્કી કર્યું કે અહીં તો જવું પડે. આપણે લગ્નનો માંડવો સાંભળ્યો હોય, પણ પાપડનો માંડવો કેવી રીતે હોય?
એક દિવસ શૂટિંગ પતાવીને હું અને મારો સાથી કલાકાર અર્ચન ત્રિવેદી તો પહોંચ્યા એ જગ્યાએ. જઈને મેં સૌથી પહેલાં તો ખીચુંનો ઑર્ડર આપ્યો એટલે એ જે બેન હતાં તેમણે ડબ્બો કાઢ્યો. એમાંથી ગરમાગરમ વરાળ આવતી હતી. એ ડબ્બામાંથી પાપડીનો લોટ કાઢીને તેમણે લાંબા પાઇપ જેવો શેપ બનાવી એના ટુકડા કર્યા અને પછી ઉપરથી તલ નાખ્યા. અમે ક્યારેય તલ નાખીને નથી ખાતા. આ મારા માટે નવો સ્વાદ હતો. તલ નાખીને તેમણે મેથીનો સંભારો અને સહેજ તેલ નાખ્યું અને પછી ઉપર ગ્રીન ચટણી નાખી. સ્વાદમાં મને મજા આવી, પણ માંહ્યલો બકાસુર તો પાપડના માંડવા માટે તત્પર હતો એટલે મેં તરત ઑર્ડર કર્યો પાપડના માંડવાનો. પેલાં બહેન મને કહે કે તમે બેસો, હું તમને આપું છું; પણ મેં તો ના પાડી અને કહ્યું કે મારે આ માંડવો કેવી રીતે બાંધો છો, સૉરી બનાવો છો એ જોવું છે.
બહેને અડદના પાપડનું એક ગુલ્લું લીધું અને પાટલા પર એને વણીને પાપડની સાઇઝનું કર્યું અને પછી એના પર અડદનો બીજો શેકેલો પાપડ મૂક્યો અને પછી તલ અને સાકર નાખીને ફરી એ પાપડને વણી નાખ્યો અને રોલ બનાવી દીધો. આ જે રોલ હતો એના નાના ટુકડા કરીને તેમણે મને ટૂથપિક સાથે આપ્યો
શું અદ્ભુત આઇટમ. અડદની દાળનું સૉફ્ટ ગુલ્લું, એના પર શેકેલા પાપડનું કરકરાપણું, તલ પણ શેકેલા એટલે એ પણ કરકરા અને અડદના પાપડની સહેજ તીખાશની સાથે નાખવામાં આવેલી સાકરનો સ્વાદ. પાપડીનો લોટ તો આજે ઘણીબધી જગ્યાએ મળે છે, પણ આ પાપડનો માંડવો માત્ર આ બાજુના જ વિસ્તારમાં મળે છે એટલે એ ખાવા માટે તો તમારે ત્યાં જ જવું પડે. જો તમે બારડોલી ન જવાના હો તો આ જ વસ્તુને ઘરે પણ બનાવી શકો છો. આજે પણ ઘણા લોકોના ઘરમાં અડદના પાપડ બને જ છે. એ બનતા હોય ત્યારે તમને ઉપર જે રેસિપી કહી એ રીતે પાપડનો માંડવો બનાવીને ખાઈ શકશો. તમને જલસો પડશે એની ગૅરન્ટી અને નવો સ્વાદ પણ ટ્રાય કરવા મળશે.