13 September, 2025 06:10 PM IST | Mumbai | Darshini Vashi
ચાલો, આ વીક-એન્ડમાં રોમન પીત્ઝા થઈ જાય
પીત્ઝા પણ વડાપાંઉ જેવા બની ગયા છે. દરેક જગ્યાએ કંઈક ને કંઈક અલગ વરાઇટી અને નવીનતા જોવા મળે. અત્યાર સુધીમાં અલગ-અલગ દેશના પીત્ઝા વિશે સાંભળ્યું હતું પણ આજે રોમન પીત્ઝા વિશે જાણવા મળ્યું જે સાઇઝમાં તો કૉમ્પૅક્ટ આવે જ છે અને સાથે એની બ્રેડ પણ અલગ હોય છે. આ પીત્ઝા ખાવા માટે ફોર્ટની ગલીમાં ફરવું પડશે.
પીત્ઝા ડૂડ નામની કાલા ઘોડા ખાતે આવેલી એક કૅફે એના રોમન સ્ટાઇલના પીત્ઝાને લઈને ફેમસ છે. પીત્ઝા ડૂડ એક ઓપન કૅફે ટાઇપ રેસ્ટોરાં છે જ્યાં રોમન સ્ટાઇલના ટ્રેડિશનલ પીત્ઝાની સાથે ઘણા યુનિક અને નવી વરાઇટીના પીત્ઝા પણ મળે છે. બીજી અહીંની ખાસિયત એ છે કે અહીંની બ્રેડ અન્ય બ્રેડ કરતાં અલગ છે, જેનું કારણ છે તેઓ સારડોનો ઉપયોગ કરીને પીત્ઝા બનાવે છે. સારડો પીત્ઝા એટલે કુદરતી રીતે આથો લાવેલા લોટમાંથી બનતો પીત્ઝા. એના માટે એમ કહેવાય છે કે આવી પદ્ધતિથી બનતા ડોમાં આથો આવતાં સમય લાગે છે, જેને લીધે એની બ્રેડ ખાધા બાદ સરળતાથી પચી જાય છે. આમ આ પીત્ઝા અન્ય કરતાં ઘણીબધી રીતે અલગ લાગે છે. લંબચોરસ આકારના અને લગભગ એક નોટબુકની સાઇઝના આ પીત્ઝા લુકમાં પણ ડિફરન્ટ છે. નવીન પ્રકારની બ્રેડના લીધે અહીંની સૅન્ડવિચ પણ કંઈક અલગ જ હોય છે. આ ઉપરાંત અહીં બ્રાઉની, કૉફી, ગ્રિલ્ડ સૅન્ડવિચ, ચીઝી ગાર્લિક બાઇટ્સ વગેરે મળે છે. અહીં અત્યારે ઘણા યુનિક પીત્ઝા સર્વ કરવામાં આવી રહ્યા છે જેમાંનો એક છે ઍમા દાતશી પીત્ઝા. ઍમા દાતશી ભુતાન દેશની નૅશનલ ડિશ છે જે લીલાં મરચાં અને લસણમાંથી બનાવવામાં આવે છે જે હવે પીત્ઝા સ્વરૂપે અહીં મળી રહ્યા છે. પીત્ઝા ડૂડ સોમવારે બંધ હોય છે. બાકીના દિવસોમાં બપોરે ૧૨ વાગ્યાથી લઈને રાત્રે ૧ વાગ્યા સુધી ખુલ્લી રહે છે.
ક્યાં છે?
પીત્ઝા ડૂડ, ફૉર્બ્સ સ્ટ્રીટ, કાલા ઘોડા, ફોર્ટ