13 September, 2025 05:45 PM IST | Mumbai | Sanjay Goradia
કરોડપતિને રસ્તા પર પૂરી-શાક ખાતાં જોવા હોય તો ઝૂલેલાલમાં જાઓ
આમ તો હું અત્યારે હૉસ્પિટલમાં છું મારી ઍન્જિયોપ્લાસ્ટી માટે, પણ મને ખબર હતી કે મારે હૉસ્પિટલાઇઝ થવું પડશે એટલે થયું કે ચાલો હું મારી આ કૉલમ માટે એકાદ-બે પીસની ઍડ્વાન્સ વ્યવસ્થા કરી લઉં જેથી રજા લેવી ન પડે અને મારે તમારો અહંગરો સહન ન કરવો પડે.
આ ફૂડ-ડ્રાઇવ રાજકોટની છે. થોડા સમય પહેલાં હું મારી એક ફિલ્મના શૂટિંગ માટે રાજકોટ ગયો. રાજકોટમાં મેં એક પૂરી-શાકવાળાની બહુ વાતો સાંભળી હતી એટલે મેં નક્કી રાખ્યું હતું કે આપણે ત્યાં પૂરી-શાક ટ્રાય કરવા જવું. શૂટિંગમાં એક દિવસ બ્રેક આવ્યો અને હું તો રવાના થયો એ પૂરી-શાકની જ્યાફત માણવા. એ જગ્યા એટલે રાજકોટની લૉટરી બજાર. હવે તો લૉટરી પર બૅન છે, પણ એક સમયે એ આખી માર્કેટમાં લૉટરીઓની જ દુકાન હતી પણ હવે ત્યાં શાકભાજીના હોલસેલ વેપારીઓની દુકાન થઈ ગઈ છે. આ માર્કેટમાં એક નાનકડી લારીમાં પૂરી-શાક મળે. નામ એનું ઝૂલેલાલ.
લૉટરી બજારમાં દાખલ થતાં ઓવરબ્રિજની નીચે ઝૂલેલાલની લારી ઊભી હોય છે. બે જ વરાઇટી અહીં મળે. પૂરી-શાક અને દાળ-પકવાન.
ઝુલેલાલમાં જઈને મેં પૂરી-શાકનો ઑર્ડર આપ્યો. માત્ર ત્રીસ રૂપિયાનાં પૂરી-શાક. શાકમાં ત્રણ વરાઇટી અને સાથે દસ પૂરી. જમવાનું પૂરું થતું હોય અને એકાદ-બે પૂરી તમારી વધી હોય અને તમે થોડું શાક માગો તો એમ જ પ્રેમથી આપી દે અને ધારો કે જરાક શાક વધ્યું હોય અને એકાદ-બે પૂરી માગો તો એ પણ એમ જ આપી દે. જે ત્રણ શાક હતાં એમાં એક બટાટાની સૂકી ભાજી જેમાં લાલ મરચું નામપૂરતું પણ નહીં. બીજું શાક રસાવાળા બટાટા. દરરોજ આ બન્ને શાક હોય અને ત્રીજું શાક બદલાયા કરે. કોઈ વાર સેવ-ટમેટા તો કોઈ વાર છોલે તો કોઈ વાર કંઈ. હું ગયો એ દિવસે છોલે હતા. શાક સાથે ગરમાગરમ પૂરીઓ ઊતરતી જાય અને ગરમ જ પીરસાતી જાય. પૂરી મોળી, જે આપણે કેરીના રસ સાથે ખાઈએ એ.
મોળી પૂરી હોવાને લીધે શાકનો ટેસ્ટ બરાબર જળવાતો હતો. શાકની વાત કરીએ તો છોલે બહુ જ સરસ હતા. એને સહેજ વધારે બાફ્યા હતા જેને લીધે જેમ-જેમ તમે છોલે ખાતા જાઓ એમ-એમ એની ગ્રેવી પણ ભરાવદાર બનતી જતી હતી. બટાટાનું જે રસાવાળું શાક હતું એ કાઠિયાવાડમાં બનતું હોય છે એવું ગળાશવાળું નહોતું, જેને લીધે એની તીખાશ ઊભરીને આવતી હતી.
વાત કરતાં મને ખબર પડી કે સવારના દસ વાગ્યાથી ઝૂલેલાલની લારી ચાલુ થઈ જાય અને બપોરે ત્રણ વાગ્યા સુધી ત્યાં પૂરી-શાક મળે. ભાવ રીઝનેબલ હોવાને લીધે મજૂર અને કારીગર વર્ગને પણ એ પોસાય અને એ પણ ખાવા આવે તો નાના વેપારીથી માંડીને સેલ્સમૅન પણ ખાય. પૂરી-શાકની સાથે કોબીજ, કાંદા અને ટમેટાનું સૅલડ પણ હોય અને લાલ મરચાં-લસણની તીખી તમતમતી ચટણી પણ હોય. ઘણા તો સૂકી ભાજી પર એ તીખી તમતમતી મરચાં-લસણની ચટણી ગાર્નિશ કરીને પણ ખાતા હતા પણ મેં એવી ટ્રાય નથી કરી. પણ હા, હું તમને કહીશ કે રાજકોટ જવાનું બને તો ઝૂલેલાલમાં અચૂક જઈને પૂરી-શાક ખાજો. ફાઇવસ્ટારમાં મળતાં પાંચ હજારનાં પૂરી-શાક કરતાં સ્વાદ ક્યાંય ચડિયાતો અને ખવડાવતી વખતે તેના માલિકની આંખોમાં પ્રેમભાવ પણ વેંત ઊંચો.