15 March, 2025 04:44 PM IST | Mumbai | Darshini Vashi
રામસુખ ભેલપૂરી
પાણીપૂરી એક એવી ચાટ છે જેના માટે માત્ર મહિલાઓને જ નહીં પણ પુરુષોને પણ સૉફ્ટ કૉર્નર હોય છે. એમાં પણ જો મજેદાર અને ચટાકેદાર પાણીપૂરી ખાવા મળી જાય તો ક્યાં બેચાર પ્લેટ પેટમાં સ્વાહા થઈ જાય એની ખબર પણ પડતી નથી. ઘણી જગ્યાએ માત્ર પાણીપૂરી જ ખૂબ સરસ મળતી હોય છે, બાકીની આઇટમો ખાવાની ઇચ્છા થતી નથી. પણ અમુક ચાટ કૉર્નર એવા પણ હોય છે જ્યાં દરેક ચાટ આઇટમ એટલી જ ટેસ્ટી મળતી હોય છે. આવી જ એક ચાટ આઇટમ પીરસતી દુકાન-કમ-સ્ટૉલ મલાડમાં છે.
મલાડના આદર્શ વિસ્તારમાં રામસુખ ભેલપૂરી નામનો એક ચાટ કૉર્નર છે જે લગભગ ૨૨ વર્ષથી પાણીપૂરી સહિત અલગ-અલગ ચાટ આઇટમ વેચી રહ્યો છે. એની પાણીપૂરી તો સુપર હોય છે જ અને સાથે સેવપૂરી અને ટોસ્ટ સૅન્ડવિચ પણ એટલાં જ પ્રખ્યાત છે. અહીંની ચાટ આઇટમ ફેમસ બનવા પાછળનું એક કારણ તેમની ચટણી છે. તેઓ તીખી, મીઠી અને લસણની ચટણી જાતે બનાવે છે અને લોકોને એ એટલી ભાવે છે કે હવે તેઓ એનું પ્લાસ્ટિકની ડબ્બીમાં છૂટક વેચાણ પણ કરે છે. અહીંની સેવપૂરીમાં પણ અનેક વરાઇટી છે. જેમાં પૂરી ટોસ્ટ સૅન્ડવિચ, સેવપૂરી સૅન્ડવિચ વગેરે કંઈક અલગ છે.
સેવપૂરી ટોસ્ટ સૅન્ડવિચ
સૅન્ડવિચની બ્રેડની ઉપર વેજિટેબલ્સની સાથે સેવપૂરીની પૂરીઓ મૂકે છે અને ઉપર સેવપૂરીની ચટણીઓ અને સેવ ભભરાવી સર્વ કરવામાં આવે છે, જે કંઈક નવું લાગ્યું. આ સિવાય ગોલ્ડન ભેળ, પાપડી ચાટ પણ એટલાં જ ટેસ્ટી હોય છે. તેમનું કહેવું છે કે પૂરી પણ તેઓ જ બનાવે છે.
છેલ્લા થોડા વખતથી ખૂબ ગાજી રહેલી એવી પનિની પણ અહીં મળે છે. એવું પણ કહેવાય છે કે આ ચાટ કૉર્નર વચ્ચે થોડા સમય માટે કાંદિવલી શિફ્ટ થયો હતો. અહીં જોવા મળતી ભીડ અને સ્પીડથી થતા કામને જોતાં તમને અંદાજ આવી જ જશે કે અહીંની આઇટમો ચોક્કસ મજેદાર હશે જ.
ક્યાં મળશે? : રામસુખ ભેલપૂરી, આદર્શ અપાર્ટમેન્ટ, કાર્મેલ સ્કૂલની સામે, મલાડ (વેસ્ટ)