નાનપણમાં હું મલાઈચોર તરીકે કુખ્યાત હતો!

26 February, 2024 09:03 AM IST  |  Mumbai | Rashmin Shah

મને એક કિસ્સો યાદ આવે છે જે સાંભળીને તમને થશે કે હું કયા લેવલનો ખાઉધરો હતો. 

મેહમૂદ હાશ્મી

એન્ડ ટીવીના શો ‘અટલ’માં તોમરની ભૂમિકા ભજવતા અને અગાઉ ‘ગબ્બર ઇઝ બૅક’, ‘સિટી લાઇટ્સ’, ‘જગ્ગા જાસૂસ’ જેવી ફિલ્મો કરી ચૂકેલા ઍક્ટર મહમૂદ હાશમી નાનપણમાં પાડોશીઓના ઘરે જઈ દૂધ પર જામેલી મલાઈ ખાઈને ભાગી જતો, જેને કારણે બધા તેને મલાઈચોર તરીકે ઓળખતા થઈ ગયા હતા

ફૂડી? અરે માત્ર ફૂડી નહીં પણ મહાફૂડી કહો મને. ખાવાની વાત આવે ત્યારે બધી શરમ નેવે મૂકતાં મને શીખવવું નથી પડતું. મને એક કિસ્સો યાદ આવે છે જે સાંભળીને તમને થશે કે હું કયા લેવલનો ખાઉધરો હતો. 

હું ટ્રેનમાં ટ્રાવેલ કરતો હતો. ઘરે મમ્મી નહોતાં એટલે મેં ખાવાનું સાથે લીધું નહોતું પણ તકલીફ એ કે ટ્રેનનું ફૂડ મને ભાવે નહીં. મારી નીચેની બર્થ હતી. મારી સામેની સીટ પર અંકલ-આન્ટી હતાં. થોડી વારમાં એ લોકોએ પોતાનું ટિફિન બૉક્સ ખોલ્યું અને મારું ધ્યાન એમાંથી આવતી સુગંધ પર ગયું. એ લોકો બિહારી હતા એટલે ઘીથી લથબથ લિટ્ટી ચોખા અને સાથે ફ્રાઇડ બૈંગન હતાં. મને ખાવાનું મન થઈ ગયું. સામેથી મગાય નહીં એટલે હું તાકી-તાકીને એ લિટ્ટી ચોખા સામે જોવા માંડ્યો. અંકલનું ધ્યાન ગયું એટલે તેમણે મને પૂછ્યું, ‘તુમ ભી ખાઓગે?’ 

મેં તો ફટાક કરતાં હા પાડી દીધી. તેમણે એક લિટ્ટી આપી, પણ મને તો વધારે ભૂખ હતી એટલે મેં સામેથી જ અંકલને કહી દીધું કે ‘અંકલજી, ઔર એક દે દો.’ તેમણે બે આપી અને હું મસ્ત તૃપ્ત થઈને સૂઈ ગયો. બીજા દિવસે સવારે ઊઠ્યો તો પૂરી અને આલૂ-મેથીની સબ્ઝીની સુગંધ આવી. ક્યાંથી આવે છે આ સુગંધ એ શોધવા આજુબાજુ નજર ફેરવી તો છેક દરવાજા પાસે એક દાદી દેખાયાં, જે એ ખાતાં હતાં. તેમની બાજુમાં ઊભા રહીને હું ખાવાનું જોવા માંડ્યો એટલે દાદીનું ધ્યાન જતાં તેમણે પણ પૂછ્યું, ‘ખાઓગે?’ ના પાડવાનો પ્રશ્ન જ નહોતો. પાંચેક પૂરી અને આલૂ-મેથીની સબ્ઝી મેં તો લઈ લીધાં. આજે પણ મને આ વાત યાદ આવે ત્યારે એકલાં-એકલાં પણ હસવું આવે.

છું સારામાં સારો કુક| મને કોઈએ ક્યારેય કુકિંગ શીખવ્યું નથી, પણ જાતે અખતરા કરીને સારામાં સારા મટર પુલાવ અને એક ખાસ પ્રકારના લાડુ બનાવતાં હું શીખી ગયો છું. એક વાર મેં ચોખાના પૌંઆમાંથી સ્વીટ બનાવવાની કોશિશ કરેલી. એને ઘીમાં શેક્યા પછી એમાં મધ નાખી દીધું. દૂધ નાખ્યું. લકીલી એ દિવસે મારા ફ્રેન્ડનો ફોન આવ્યો અને તેને મેં આખી સ્ટોરી કહી તો તેણે મને એ ખાતાં અટકાવી દીધો. મધ અને ઘી સાથે ભેગાં થાય તો પૉઇઝન જેવી અસર કરે એ ખબર પડી એટલે મેં એ બહાર ફેંકી દીધું. એવી જ રીતે મટર પુલાવ બનાવવામાં પણ એક વાર જબરો ગોટાળો કરેલો.  

મને મારાં મમ્મી મેથીની ખીચડી, કોથમીરની ચટણી બનાવીને ખવડાવતાં એ મારી ફેવરિટ હતી. જનરલી મને બધી જ ટ્રેડિશનલ આઇટમો ભાવે. જીવનની યાદગાર પળો| લખનઉમાં અમારો પરિવાર ખૂબ મોટો. મારાં મમ્મી સહિત બધાંને ખબર કે મને શું ભાવે એટલે સુધી કે મારા મહોલ્લામાં રહેતા લોકોને પણ ખબર કે હું તેમને ત્યાં જઈને શું ખાઈશ. જોકે એક કામમાં મને ખૂબ મજા આવતી. હું અમારા વિસ્તારની આજુબાજુમાં રહેતા લોકોના ઘરે ચોરીછૂપીથી જતો અને તેમને ત્યાં દૂધની તપેલીમાં જામેલી મલાઈ ખાઈને ભાગી જતો. એમાં મને ખૂબ જ મજા પણ આવતી અને મલાઈ ભાવે પણ ખરી. ગુજરાતી ફૂડની વાત કરું તો ગુજરાતીઓનો રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો મારાં ફેવરિટ છે. 

હેલ્ધી અને સ્વાદિષ્ટ
દુનિયાની દરેકેદરેક આઇટમ હેલ્ધી અને ટેસ્ટી બની શકે બસ, તમને એને બનાવવાની રાઇટ મેથડ ખબર હોવી જોઈએ. હું એક લાડુ બનાવું છું જેમાં ઘઉંના લોટને શેકું. પછી એમાં નાખવાનાં હોય એ ડ્રાયફ્રૂટ્સને શેકીને ક્રશ કરું અને પછી ખડી સાકર કે ગોળ અને ઘી સાથે એલચી નાખી એને મિક્સ કરું. આ તમે એક વાર ખાઓ તો તમે આંગળાં ચાટતા રહી જાઓ એવો એનો સ્વાદ અને હેલ્ધી પણ એટલા જ.

columnists Gujarati food mumbai food indian food Rashmin Shah celeb health talk