બે મિનિટમાં બનતા નૂડલ્સ બનાવતાં મને એક કલાક થયો

30 January, 2024 08:29 AM IST  |  Mumbai | Rashmin Shah

મારી એ બે વીકનેસમાં પહેલી છે સાઉથ ઇન્ડિયન ફૂડ અને બીજી વીકનેસ એટલે સ્વીટ્સ.

શ્રુતિ આનંદ

અગાઉ ફિલ્મ ‘નિકમ્મા’, ‘ધ મૅરિડ વુમન’ વેબ સિરીઝ અને ‘તેરી લાડલી મૈં’ ટીવી સિરિયલ કરી ચૂકેલી અને અત્યારે સોની ટીવીની સિરિયલ ‘મેહંદીવાલા ઘર’માં લીડ કૅરૅક્ટર કરતી ઍક્ટ્રેસ શ્રુતિ આનંદને નૂડલ્સ બનાવવામાં એક કલાક થયો અને એ પછી પણ તેણે કુકિંગમાં હાથ અજમાવવાનું છોડ્યું નહીં અને એને લીધે ઘણા એક્સપરિમેન્ટે તેને સક્સેસ પણ આપી

આમ તો હું બહુ જ ડાયટ કૉન્શિયસ પર્સન અને કૅલરી કૅલ્ક્યુલેટ કરી કરીને મારે ફૂડ લેવું પડે. તમને વાંચીને હસવું આવે તો પણ મારી આ જ હાલત છે. શું કરું હું, જે ઇન્ડસ્ટ્રીમાં છું ત્યાં લુક સાથે કૉમ્પ્રોમાઇઝ થાય એવું હું ખાઈ શકું નહીં અને એટલે જ ફૂડી હોવા છતાં પણ મારામાં માની ન શકાય એ લેવલનો સેલ્ફ-કન્ટ્રોલ ડેવલપ થયો છે. અફકોર્સ, એ પણ એટલું જ સાચું કે આ સેલ્ફ-કન્ટ્રોલ અમુક ક્વિઝીનમાં નથી રહેતો. બે આઇટમ એવી છે જે મારી સૌથી મોટી નબળાઈ છે. એ બે આઇટમ થકી હું કોઈ પણ લેવલના ગુસ્સામાં હોઉં તો પણ મને પટાવી શકાય, મનાવી શકાય, હસાવી શકાય અને ફરીથી મારામાં હૅપી-હૉર્મોન્સ પણ જન્માવી શકાય. 

મારી એ બે વીકનેસમાં પહેલી છે સાઉથ ઇન્ડિયન ફૂડ અને બીજી વીકનેસ એટલે સ્વીટ્સ. હા, મને મીઠાઈઓ અનહદ ભાવે તો સાથોસાથ મને કોઈ પણ સમયે ઇડલી, ઢોસા, મેદુવડાં, ઉત્તપમ, પાયસમ, રસમ-રાઇસ જેવી આઇટમ પણ એ જ લેવલ સુધી ભાવે. હું ક્યારે પણ આ બધી વરાઇટીઓ હોંશે-હોંશે ખાઈ શકું. જનરલી હું કૉન્ટિનેન્ટલ ફૂડની સામે ઇન્ડિયન ક્વિઝીન પસંદ કરું, કારણ કે મને લાગે છે કે ટેસ્ટ અને ન્યુટ્રિશનની બાબતમાં આપણું ઇન્ડિયન ક્વિઝીન કમ્પ્લીટ ફૂડ છે. 

મારે મન સાઉથ છે બેસ્ટ
મારા ફાધરને કારણે સાઉથ ઇન્ડિયન ફૂડ પાછળનું સાયન્સ મને સમજાયું છે તો સાઉથ ઇન્ડિયન ફૂડ અપ્રિશિએટ કરતાં પણ તેમણે જ મને શીખવ્યું. સાઉથ ઇન્ડિયન વરાઇટીમાં જો મારું કોઈ મોસ્ટ ફેવરિટ હોય તો એ છે ઢોસા. ઢોસામાં મેં એક વાત નોટિસ કરી છે કે આપણે ત્યાં એટલે કે સાઉથ સિવાયના ભારતમાં જે ઢોસા મળે છે એ ઢોસા સાઉથના ઑથેન્ટિક ઢોસા કરતાં ઘણા જુદા હોય છે. આપણે ત્યાં ઢોસા સાથે સાંભાર આપવાની પ્રથા છે પણ સાઉથમાં મોટા ભાગે તમને સાંભાર ન આપે, બે ચટણી મળે અને તમારે એ ચટણી સાથે ઢોસા ખાવાના. બીજી વાત, આપણા ઢોસા બધા પાતળા હોય છે પણ સાઉથમાં ઢોસા પાતળા નથી હોતા, એ ઉત્તપમ જેવા જાડા હોય છે અને એ ખાવાની મજા સાવ જ અલગ પ્રકારની છે.અત્યારે મને મારી લાઇફના પહેલાં કુકિંગ બ્લન્ડરની પણ યાદ આવે છે જે હું તમારી સાથે શૅર કરવા માગીશ.

હું હૉસ્ટેલમાં ભણતી ત્યારની વાત છે. મેં પહેલી વાર મૅગી બનાવી હતી. અગાઉ મેં ક્યારેય કિચનમાં પગ પણ નહોતો મૂક્યો. તમે માનશો, મેં મૅગી બનાવવામાં પણ દુનિયાભરની રેસિપી સાઇટ્સ પરથી રેસિપી વાંચી, યુટ્યુબ પર રિસર્ચ કર્યું અને પછી એક કલાકે મારા મૅગી નૂડલ્સ બનીને તૈયાર થયા! એવી જ રીતે મારા એક રિલેટિવ ઘરે આવ્યા અને ઘરે કોઈ નહોતું. મારે તેમને કંઈક બનાવીને ખવડાવવાનું હતું એટલે સરળ ડિશ તરીકે મેં ઉપમા બનાવવાનું નક્કી કર્યુ પણ એમાં ગોટાળો એ થયો કે મેં મીઠું નાખવાને બદલે ઉપમામાં સાકર નાખી દીધી. લકીલી સાકરનું પ્રમાણ ઓછું હતું અને પહેલો ટેસ્ટ મેં જ કર્યો એટલે મને ખબર પડી ગઈ અને મેં એમાં મીઠું ઉમેરીને ઉપમા બનાવી લીધો, જેનો ટેસ્ટ જુદો હતો પણ એ ખાઈ શકાય એ લેવલનો તો હતો જ હતો.

મારી મમ્મી છે સ્પેશ્યલ
મારાં મમ્મી પાસે મેં એક વાત બહુ સાંભળી છે, જે કામ તમે દિલ લગાડીને કરો એ કામ સારું જ થાય. કુકિંગની બાબતમાં આ વાત સાવ બહુ સાચી છે. મમ્મી રસોઈ બનાવતાં હોય ત્યારે એમ જ લાગે કે એ કોઈ સાધના કરે છે, હા એમનું ઇન્વૉલ્વમેન્ટ એ લેવલ પર હોય. તેમના હાથનું સાદું કે રેગ્યુલર ફૂડ પણ મને તો પ્રસાદ જેવું લાગે. મમ્મીના હાથે બનતો ઘઉંના લોટનો શીરો એટલો ટેસ્ટી હોય છે કે તમે આંગળાં ચાટતા રહી જાઓ. મારું ચાલે તો હું મમ્મી પાસે એ રોજ બનાવડાવું.ગુજરાતી થાળીની પણ હું ફૅન છું. મારા ઘણા ફ્રેન્ડ્સ ગુજરાતી છે એટલે મને રેગ્યુલરલી ગુજરાતી આઇટમો ખાવા મળતી હોય છે. હું હેલ્થ કૉન્શિયસ છું એટલે ખાવાની બાબતમાં હું કાળજી રાખું અને વહેલું જમી લેવાનું પ્રિફર કરું. હું એક ઍડ્વાઇઝ પણ આપીશ કે જો તમે ખાવાના શોખીન હો તો તમારી ડાયટમાં દિવસમાં બે ટાઇમ ગ્રીન ટી ઉમેરી દો અને મૅક્સિમમ પાણી પીઓ જેથી ટૉક્સિન્સ તમારા શરીરમાંથી બહાર નીકળે. દેશી ઘી પણ તમારા રેગ્યુલર ફૂડમાં સામેલ કરો, એ જૉઇન્ટ્સને બહુ હેલ્પફુલ બનશે.

ગોલ્ડન વર્ડ્‍સ
પરેજી ન પાળી શકો તો એક વાર ચાલે, પણ સાંજે સાત પહેલાં જમવાની આદત કેળવવી જોઈએ. સૂર્યાસ્ત પહેલાં જમવાની આદત ડાયટ, હેલ્થ અને વેઇટલૉસની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની છે તો મોડેથી જમવાની આદત આ ત્રણેત્રણ બાબતમાં એટલી જ નુકસાનકર્તા છે.

columnists Gujarati food mumbai food Rashmin Shah