12 May, 2025 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડેસ્ક-વર્કની જૉબ કરતા નોકિરયાત લોકો અને બેઠાડુ જીવન જીવતી વ્યક્તિમાં બેલી ફૅટ વધવાની સમસ્યા બહુ કૉમન થઈ ગઈ છે. જો આ મામલે ધ્યાન આપવામાં ન આવે તો મેદસ્વીપણાની સમસ્યા ઉદ્ભવે છે અને એને કારણે હાઈ બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ અને હૃદય સંબંધિત બીમારીઓ થાય છે. શરીરને ફૅટ-ફ્રી રાખવું હોય તો રૂટીનમાં વ્યાયામ અથવા કસરતને ઍડ કરવી બહુ જરૂરી છે. જો સમય ન મળતો હોય તો ૧૦ મિનિટની કસરત તમારા બેલી ફૅટને ઘટાડવામાં મદદ કરશે. પલાટેઝ કરવાથી પેટની ચરબી ઝડપી ગતિથી ઓગળે છે. પલાટેઝ ખાસ કરીને કોર (પેટ)ના મસલ્સને ટાર્ગેટ કરે છે અને મેટાબોલિઝમ વધારવા માટે મદદરૂપ થાય છે જેથી પેટની આસપાસની ચરબી ઘટાડવામાં સહાય મળે છે. આમ તો શરીરના કોઈ એક ભાગની ચરબી ઘટાડવી શક્ય નથી, પરંતુ પલાટેઝ જેવી કસરતો દ્વારા પેટના મસલ્સ મજબૂત થાય છે અને પોશ્ચર સુધરે છે.
કસરત પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો
સ્પૉટ-રિડક્શન મિથ છે : કોઈ એક ચોક્કસ ભાગની ચરબી ઘટાડવી શક્ય નથી, પરંતુ પલાટેઝ દ્વારા એ ભાગ ટોન થાય છે અને આખું શરીર સુડોળ લાગે છે.
કોર મજબૂત બનાવો : પલાટેઝ કરવાથી ટ્રાન્સવર્સ ઍબ્ડોમિનિસ જેવા ઊંડા મસલ્સ સક્રિય થાય છે, જે ફ્લૅટ પેટ માટે મહત્ત્વપૂર્ણ છે.
નિયમિતતા મહત્ત્વપૂર્ણ છે : નિયમિત અભ્યાસ અને સંતુલિત આહાર સાથે પલાટેઝ કસરત ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
આ રીતે કરો ૧૦ મિનિટના પલાટેઝ
હન્ડ્રેડ
પીઠ પર સૂઈ જાઓ અને પગને જમીનથી થોડા ઊંચા ઉઠાવો, પીઠને મેટ પર દબાવી રાખો. માથું, ગળું અને ખભા ઉઠાવો. હાથને સીધા રાખીને ઉપર-નીચે પમ્પ કરો, પાંચ ગણતરી સુધી શ્વાસ લો અને પાંચ ગણતરી સુધી બહાર કાઢો. કોરને સક્રિય રાખો.
ક્રિસક્રૉસ
સૂઈ જઈને હાથને માથાની પાછળ રાખો, કોણીને પહોળી રાખો. માથું અને ખભા ઉઠાવો. એક ઘૂંટણને છાતી તરફ વાળો અને વિપરીત કોણીને ઘૂંટણ તરફ લાવો. બાજુઓ બદલો અને પેટથી સ્ટ્રેચ કરો.
પ્લૅન્ક ટુ પાઇક
પ્લૅન્ક ટુ પાઇક કરવા માટે સીધા ઊભા રહીને હાથને જમીન પર રાખો અને પગના સપોર્ટની મદદથી હિપ્સ ઉઠાવો અને પાઇક પોઝિશન બનાવો. પછી ધીમે-ધીમે પગને પાછળ ખસેડો અને કોણીના બળ પર પ્લેન્ક પોઝિશનમાં આવો. થોડી વાર આમ કરવાથી મેટાબૉલિઝમ ઝડપી બને છે અને ફૅટ બર્ન થાય છે.
સિંગલ-લેગ સ્ટ્રેચ
સિંગલ લેગ સ્ટ્રેચ કરવા માટે સૌથી પહેલાં સૂઈ જઈને ઘૂંટણને છાતી તરફ લઈ જાઓ. માથું અને ખભા ઉઠાવો. એક પગને સીધો કરો અને બીજાને છાતી તરફ ખેંચો, બન્ને હાથથી પકડો અને એને સ્ટ્રેચ કરો.
સાઇડ કિક
સાઇડ કિક એક્સરસાઇઝમાં એક બાજુ સૂઈ જાઓ, પગને એકબીજા પર રાખો અને થોડા આગળ લાવો. કોણી પર ટેકો લો અથવા હાથ પર માથું રાખો. ઉપરના પગને હિપની ઊંચાઈએ ઉઠાવો, પછી આગળ અને પાછળ કિક કરો. ૪૫ સેકન્ડ પછી બાજુ બદલો, પણ આ કસરત દરમ્યાન હિપ્સને સ્થિર રાખો.