ભાતની કાંજી એકદમ પોષણયુક્ત છે એવું હવે સાયન્સે પણ સ્વીકારી લીધું

22 January, 2026 02:18 PM IST  |  Mumbai | Jigisha Jain

ચેન્નઈની એક મેડિકલ કૉલેજે રિસર્ચ દ્વારા સાબિત કર્યું છે કે ભાતની કાંજી બીમાર લોકોને ઠીક કરવામાં ઘણી મદદરૂપ છે

પ્રતીકાત્મક તસવીર

ઓડિશા અને દક્ષિણ ભારતમાં જાણીતી પરંપરાગત વાનગી એટલે ભાતની કાંજી. વર્ષોથી લોકો માનતા આવ્યા છે કે એ ખૂબ પોષણયુક્ત ખોરાક છે. અમુક પ્રાંતમાં તો સવારના નાસ્તામાં આજે પણ ભાતની કાંજી જ ખવાય છે. ચેન્નઈની એક મેડિકલ કૉલેજે રિસર્ચ દ્વારા સાબિત કર્યું છે કે ભાતની કાંજી બીમાર લોકોને ઠીક કરવામાં ઘણી મદદરૂપ છે. આ રિસર્ચે એ પણ સાબિત કર્યું કે પારંપરિક માન્યતાઓ મુજબ એ પાચન સંબંધિત તકલીફોમાં તો ઉપયોગી છે જ, પણ એની સાથે-સાથે એમાં આયર્નની માત્રા ઘણી વધુ હોવાથી એની ઊણપ જેવી તકલીફોમાં ઇલાજરૂપે એનો ઉપયોગ થવો જોઈએ

ઓડિશા અને દક્ષિણ ભારતમાં ભાતની કાંજી ખાવાનો રિવાજ જોવા મળે છે જેમાં રાત્રે બનાવેલા ભાતને છાસમાં પલાળીને આખી રાત રહેવા દેવામાં આવે છે અને એને સવારે વઘારીને બ્રેકફાસ્ટમાં ખાવામાં આવે છે. આ ભાતની કાંજી હજારો વર્ષો જૂની ભારતની પારંપરિક રેસિપી છે. આમ પણ નાસ્તામાં આથાવાળી વસ્તુઓ ખાવાનો રિવાજ ભારતમાં ઘણાં વર્ષો જૂનો રિવાજ છે. ગુજરાતમાં ઢોકળાં તો દક્ષિણમાં ઇડલી-ઢોસા વર્ષોથી નાસ્તામાં ખવાતાં આવ્યા છે. કોઈ પણ ધાનને પીસવાનું, એમાં આથો લાવવાનો અને પછી એને ફુલાવવાની આ પ્રોસેસ થોડી પેચીદી અને અઘરી ખરી પણ ભાતની કાંજી જેટલી સરળ અને છતાં પણ અતિ ઉપયોગી ગણાતી ડિશ ભાગ્યે જ કોઈ હશે. સામાન્ય રીતે પેટ ખરાબ થાય તો દહીં-ભાત ખાવાની પરંપરા પણ આવી જ કંઈક છે. એ પણ દક્ષિણ ભારતથી જ આવેલી છે જે લગભગ સમગ્ર ભારતે અપનાવેલી છે. મહત્ત્વનું એ છે કે આપણી પારંપરિક રેસિપીઝમાં ઘણું સત્ત્વ છુપાયેલું છે એ આપણે બધા જાણીએ અને માનીએ છીએ, પણ આ વાતને સાયન્સનો થપ્પો લાગી જાય તો એનાથી વધુ રૂડું શું? દુનિયાભરમાં આપણી પરપરાગત ખાનપાન પદ્ધતિઓ કેટલી શ્રેષ્ઠ છે એ જતાવવા માટે પણ સાયન્સનો થપ્પો જરૂરી છે. ધીમે-ધીમે આરુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ અમુક પ્રકારનાં જરૂરી રિસર્ચ ઠેકઠેકાણે થઈ રહ્યાં છે જેનાં પરિણામો ખૂબ આશાસ્પદ આવી રહ્યાં છે. હાલમાં આ ભાતની કાંજી પર થયેલા સ્ટડી દ્વારા ઘણાં સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે જેને લીધે આપણી આ પરંપરાગત રેસિપીને સાયન્સનો થપ્પો મળી ગયો.

પ્રયોગ

હાલમાં સ્ટૅન્લી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ, ચેન્નઈ દ્વારા આ વર્ષો જૂની રાઇસ કાંજીની રેસિપીને વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે સાબિતી આપવામાં આવી છે. અહીં રાઇસની કાંજી પર પ્રયોગો થયા અને એનાં પરિણામો હાલમાં જ બધા સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યાં. આ પ્રયોગ જુદા-જુદા ભાત સાથે કરવામાં આવ્યો હતો જેમાં એક પારબૉઇલ્ડ રાઇસ, એક કાચા ચોખા, PDS રાઇસ એટલે કે સરકાર તરફથી લોકોમાં વહેંચવામાં આવતા ચોખાનો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત મપ્પીલ્લાઈ સાંબા, જે પરંપરાગત રીતે તામિલનાડુમાં જ ઊગતા ચોખા છે જેની કાંજી તામિલનાડુની પરંપરાગત રેસિપી ગણાય છે, એનો પણ ઉપયોગ થયો હતો. એને માટીના ઘડામાં અડધો કપ છાસ સાથે પલાળીને ગરમીમાં ૮-૧૦ કલાક અને ઠંડીમાં ૧૪ કલાક રાખવામાં આવ્યા હતા. પ્રયોગ જણાવે છે કે દરેક પ્રકારના ભાતની કાંજી ગુણકારી હતી.

સ્ટડી

હૉસ્પિટલમાં થયેલા આ સ્ટડીમાં ૫૫ દરદીઓ સામેલ થયા હતા. એ બધામાં જ ઘણું સારું ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળ્યું હતું જ્યારે તેમણે ૬ મહિના માટે ખાલી પેટે ભાતની કાંજી ખાધી હતી. એમાં ૧૩ ટકા એવા દરદીઓ હતા જે એકદમ સિરિયસ રોગ ધરાવતા હતા જેમનાં લક્ષણોમાં ઘણી રાહત મળી હતી. એટલે કે રોગ હતો પણ રોગની તકલીફ નહોતી. ૪૯ ટકા મધ્યમ પ્રકારના કેસ હતા જેમાંથી ફક્ત ૯ ટકા લોકોને રોગ રહ્યો, બાકી બધાને રાહત થઈ ગઈ. લગભગ ૩૦ ટકા લોકો જેમને ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમની તકલીફ હતી એ સંપૂર્ણ રીતે ક્યૉર થઈ ગઈ એટલે કે રોગ જતો રહ્યો. 

લૅબ રિપોર્ટ

હૉસ્પિટલની લૅબમાં જે પરિણામો સામે મળ્યાં હતાં એ મુજબ ૧૦૦ ગ્રામ રાંધેલા ભાતમાં ૩.૪ મિલીગ્રામ આયર્ન રહેલું હોય છે એ જોવામાં આવ્યું, પરંતુ રાત આખી ફર્મેન્ટ થયા પછી આ ભાતમાં ૭૩.૯૧ મિલીગ્રામ જેટલું આયર્ન રહેલું હોય છે જે ૨૧ ગણું વધારે છે અને ગર્ભવતી મહિલાની દરરોજની જરૂરિયાત કરતાં બમણું છે. એમાં આથો આવે એટલે લૅક્ટિક ઍસિડ રિલીઝ થાય છે જે બ્રેકડાઉન થઈને ફાયટિક ઍસિડમાં પરિણમે છે. આ ફાયટિક ઍસિડ આયર્ન, કૅલ્શિયમ અને પોટૅશિયમના ઍબ્સૉર્પ્શન માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે જેને લીધે એ પણ વાત સાબિત થાય કે પોષક તત્ત્વો ફક્ત એમાં છે એટલું જ નહીં, શરીરને એ પૂરી રીતે મળશે. આ કાંજીની જ તપાસ લૅબોરેટરીમાંથી હતી એમાં જોવા મળ્યું કે એમાં લૅક્ટોબેસિલસ, લૅક્ટોકોકસ લૅક્ટિસ, વેઇસેલ્લા, પેડીઓ કોકસ જેવાં ૨૦૦થી વધુ મેટાબોલિઝમને એટલે કે ચયાપચયની ક્રિયાને બળ આપનારાં ઑર્ગેનિઝમ્સ એમાં રહેલાં છે જે એમની ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી, ઍન્ટિ-ઑક્સિડન્ટ, ન્યુરોપ્રોટેક્ટિવ અને કાર્ડિયો પ્રોટેક્ટિવ પ્રૉપર્ટીઝ માટે જાણીતાં છે.    

ફાયદો

હૉસ્પિટલના ડૉક્ટર્સનું કહેવું હતું કે આ રીતે બનેલી કાંજીમાં ઉપયોગી એવાં માઇક્રો ઑર્ગેનિઝમ હોય છે જેમાં પ્રી-બાયોટિક અને પોસ્ટ-બાયોટિક બન્ને આવી જાય. આ માઇક્રોબ્સ પેટ કે પાચન માટે જ નહીં, ઘણા રોગના ઇલાજ તરીકે કારગર નીવડે છે. જેમ કે અલ્સરેટિવ કોલાઇટિસ અને કૉન્સ ડિસીઝ. એટલું જ નહીં, આ કાંજી શરીરમાં દરરોજના લોહતત્ત્વ એટલે કે આયર્નની જરૂરતને પૂરી કરી નાખે છે. આ પરિણામોને કારણે તામિલનાડુના હેલ્થ મિનિસ્ટરે ઘોષણા કરી હતી કે રાજ્યમાં છોકરીઓ અને સ્ત્રીઓમાં એનીમિયા જેવા રોગોની તકલીફને દૂર કરવા માટે રાઇસની કાંજી ખાવાની પ્રૅક્ટિસ શરૂ કરવામાં આવે. ખાસ કરીને ટીનેજ છોકરીઓ અને પ્રેગ્નન્ટ સ્ત્રીઓ માટે તેમણે ખાસ અપીલ કરી હતી કે તેમણે તો આ કાંજી ખાવી જ જોઈએ.

રાઇસ કાંજી અપનાવો એ પહેલાં આટલું સમજી લો

રાઇસ કાંજીના ફાયદા ઘણા છે પણ એ ખાવાની શરૂઆત કરો ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ જાણીએ ન્યુટ્રિશનિસ્ટ મીનલ ભાનુશાલી પાસેથી.

રાઇસ કાંજી બનાવતી વખતે એક ધ્યાન રાખો. આ કાંજીમાં ભાત તમારા પ્રદેશમાં ઊગતા ચોખાના બનાવો. તામિલનાડુની રાઇસ કાંજી ખૂબ ગુણકારી ત્યાં રહેતા લોકો માટે છે. તમે મુંબઈ રહેતા હો તો ઇન્દ્રાયની કે આંબેમોર ચોખા લેવા કે ગુજરાત રહેતા હો કે મૂળ ત્યાંના જ છો એટલે કોલમ કે જીરાસર જેવા ચોખાનો ઉપયોગ કરવો.

બીજી એ વાત ધ્યાનમાં રાખવી કે રાત્રે જે ભાત બનાવ્યા હોય એ જ ભાત વાપરવા. મોટા ભાગે ગુજરાતી ઘરોમાં રાત્રે ભાત બનતા નથી, બપોરે જમવામાં ભાત હોય છે. પણ એ સવારે બનાવેલો ભાત ફ્રિજમાં મૂક્યા પછી રાત્રે બહાર રાખવા નહીં. આ રીતે એ ખરાબ થઈ શકે છે. એની પ્રૉપર્ટી પણ ચેન્જ થઈ શકે છે. એટલે જો કાંજી બનાવવી હોય તો ભાત રાત્રે બનાવવા.

એ એક વાટકો ભાતમાં અડધો વાટકો પાતળી છાસ ઉમેરવી અને ભાતને ઢાંકીને રાખી દેવા. એ પછી સવારે ડુંગળી સુધારવી અને અને એ ભાતમાં મિક્સ કરી દેવી. જે ડુંગળી નથી ખાતા એ સ્કિપ કરી શકે છે. એના ઉપર રાઈ, જીરું, હિંગ અને લીલાં મરચાંનો વઘાર એમાં ઉમેરવો. એમાં મીઠો લીમડો પણ નાખી શકાય. આ તડકો ઘી કે તેલ બન્નેમાંથી તમને જેનો ભાવે એ કરી શકાય છે. ઉપરથી કોથમીર છાંટીને ખાઓ. ભાતની કાંજી થોડી પાતળી જ હોય છે. એવી જ રીતે ખાવામાં આવે છે. તમે જો ક્યારેય ન ખાધી હોય તો એક વાટકાથી શરૂ કરવી.

પાચનમાં એકદમ હળવી હોવાથી આ કાંજી કોઈ પણ ઉંમરની વ્યક્તિને ફાયદાકારક છે. શરત એ છે કે તમે એ ખાઈને જુઓ કે એ તમને કેટલી માફક આવે  છે. આમ તો એમાં એવી કોઈ પ્રૉપર્ટી રહેલી નથી જેને કારણે એ માફક ન આવે છતાં કોઈ દિવસ ખાધી ન હોય તો એકાદ દિવસ ટ્રાય કરી શકાય.

દરેક વ્યક્તિને એ ઉપયોગી છે પણ ખાસ કરીને જેને પાચન સંબંધિત તકલીફો હોય તેણે ખાવી જોઈએ. એમાં એ ઘણી મદદરૂપ છે. જે બીમાર છે તે પણ અને જે એકદમ સ્વસ્થ છે તે પણ આ ખાઈ શકે છે.

indian food food news Gujarati food life and style lifestyle news columnists Jigisha Jain