29 June, 2025 06:37 AM IST | Mumbai | Darshini Vashi
રૉક્સીવાલા અન્ના
જેમ વડાપાંઉ વગર મુંબઈગરાની સાંજ નથી પડતી એમ ઇડલી-ચટણી વગર તેમની સવાર પડતી નથી એમ કહેવામાં અતિશયોક્તિ લાગતી નથી. એટલે જ વહેલી સવારે તમે કોઈ પણ રસ્તા પર નીકળશો તો એકાદ ઇડલીવાળા અન્ના તો ચોક્કસ જોવા મળી જ જશે. ખાસ કરીને ઑફિસ એરિયામાં તો દરેક ગલીએ ઇડલી-વડાં વેચતા અન્ના જોવા મળશે એટલું જ નહીં, તેની ફરતે મોટી સંખ્યામાં લોકો પણ ઊભા-ઊભા ખાતાં દેખાશે. આવી જ એક જગ્યા છે રૉક્સી થિયેટરની બહાર.
ચર્ની રોડમાં આવેલા રૉક્સી થિયેટરની બહાર ઘણાં વર્ષોથી એક અન્ના ઇડલી-ચટણી લઈને ઊભો રહે છે. એ તો ઠીક પણ તેની ઇડલી-ચટણી ખાવા માટે જે લાઇન લાગે છે અને ગિરદી થાય છે એ જોઈને એમ જ થશે કે શું અહીં કશે આસપાસ બીજું કંઈ મળતું હશે કે નહીં? પ્રશાંત નામનો આ અન્ના મોટો પ્લાસ્ટિકનો કોથળો ભરીને મેદુવડાં અને ઇડલી લઈને આવે છે અને મોટા-મોટા ડબ્બામાં બે જાતની ચટણીઓ ભરીને લાવે છે. તે સવારે જેવો તેનો સ્ટૉલ શરૂ કરે કે તરત લોકોનો જમાવડો થવાનો શરૂ થઈ જાય છે. એક પ્લેટની અંદર ચાર નંગ આવે છે. કાં તો બે ઇડલી અને બે મેદુવડાં લેવાનાં હોય અથવા તો ચાર ઇડલી અથવા તો ચાર મેદુવડાં. કાગળની ડિશમાં ઇડલી-વડાં મૂકી ઉપર લાલ ચટણી અને ઇડલીની ચટણી નાખીને આપવામાં આવે છે. જોકે ચટણી જ અહીંનું મુખ્ય આકર્ષણ છે. આ સ્ટૉલ ચર્ની રોડ પર ઑપેરા હાઉસ ખાતે બૉશ શોરૂમ પાસે આવેલો છે. આ અન્નાને ઘણા લોકો રૉક્સીવાલા અન્ના તરીકે ઓળખે છે.
ક્યાં મળશે? : રૉક્સીવાલા અન્ના, રૉક્સી થિયેટરની બહાર, ચર્ની રોડ.