આમ દુકાન અને એમ છતાં રેંકડી

28 February, 2026 02:32 PM IST  |  Mumbai | Sanjay Goradia

પનવેલમાં સંજય ભેળપૂરીવાળાએ દુકાન કર્યા પછી આખેઆખી રેંકડી દુકાનમાં ચડાવી દીધી છે અને એમાં જ હજી બધું બનાવે છે. રેંકડી પ્રત્યેનો આદર ગણો તો આદર અને રેંકડીને લકી માનવાની ભાવના ગણો તો ભાવના

સંજય ગોરડિયા

હમણાં બે દિવસ પહેલાં અમારા નાટકનો શો પનવેલમાં હતો અને પનવેલ જવાનું બને એટલે મારું મન તરત જ વડાપાંઉ તરફ ખેંચાય. પનવેલમાં વડાપાંઉ બહુ પૉપ્યુલર છે પણ તમને યાદ હોય તો પનવેલના વડાપાંઉનો આસ્વાદ મેં તમારા સુધી પહોંચાડી દીધો છે એટલે આ વખતે મેં મારા મન પર કન્ટ્રોલ કર્યો અને નક્કી કર્યું કે પનવેલમાં કંઈક નવી વરાઇટી શોધવી અને તમારા સુધી લઈ આવવી. વાત આગળ વધારતાં પહેલાં એક ચોખવટ કરું. જરૂરી નથી કે હું દર વખતે મારા પ્રયાસમાં સફળ જ રહું. ઘણી વાર એવું બન્યું છે કે બબ્બે-ત્રણ-ત્રણ દિવસ ભટક્યા પછી પણ મને યોગ્ય આઇટમ ન મળી હોય અને હું હેરાન થયો હોઉં પણ ઍનીવેઝ, આ તો મારું ગમતું કામ છે એમાં વળી કંટાળો અને હેરાનગતિ શાની?

પનવેલમાં વાસુદેવ બળવંત ફડકે ઑડિટોરિયમ છે. ત્યાંથી તમે બહાર નીકળી ડાબી બાજુએ જાઓ તો એક ચોક આવે જ્યાં ઘણીબધી નાસ્તાની દુકાનો છે. શ્યામ ભેળપૂરી અને ગુપ્તા સૅન્ડવિચ અને સંજય ભેળપૂરી અને બીજી ઘણી. જ્યારે નાસ્તાની બહુ બધી દુકાનો હોય ત્યારે એમાંથી બેસ્ટ દુકાન કઈ એ જાણવાનો સરળ રસ્તો છે. જેને ત્યાં વધારે ગિરદી તેને ત્યાં પહોંચી જવાનું. હું અને મારા સાથી કલાકાર નીલેશ પંડ્યાએ જોયું કે સંજય ભેળપૂરીવાળાને ત્યાં અઢળક લોકો હતા એટલે અમે તો ગયા સીધા ત્યાં. આમ તો આ એક દુકાન છે જેમાં એ ભાઈએ દુકાનમાં પોતાની રેંકડી ચડાવી દીધી હતી.

ત્યાં જે હાજર હતા એ લોકોને પૂછ્યું તો ખબર પડી કે સંજય એ ભાઈના દીકરાનું નામ છે પણ મોટા ભાગના લોકલ લોકો તો મિશ્રાની ભેળપૂરી તરીકે જ એને ઓળખે છે. ચાલીસ વર્ષથી એ ભાઈ રેંકડી લઈને વેપાર કરતા અને પછી તેમણે દુકાન કરી પણ રેંકડી પ્રત્યેનો પ્રેમ કે પછી લકી રેંકડી ધારીને તેમણે રેંકડી કાઢી નાખવાને બદલે દુકાનમાં જ રેંકડી ચડાવી દીધી અને એમાંથી વેપાર કરવાનું શરૂ કર્યું.

અમે સૌથી પહેલો ઑર્ડર આપ્યો પાણીપૂરીનો. આપણી મુંબઈની જે પાણીપૂરી છે એના ઑથેન્ટિક ટેસ્ટની ખબર પહેલી જ પાણીપૂરીમાં પડી જાય. પાણીની જે તીખાશ હોય છે એ જ એની ઓળખ છે. પાણીપૂરીના પાણીમાં લીલાં મરચાંની તીખાશ હોવી જોઈએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે લાલ મરચાનાં બિયાં પણ ઘણા આ પાણીમાં નાખતા હોય છે, પણ જો તમે સાચા સ્વાદપ્રેમી હોય તો તમને ખબર પડી જાય કે એ તીખું પાણી કયાં મરચાંથી બન્યું છે. તીખાશ માટે બીજો કોઈ શૉર્ટકટ હોય તો એ રાઈ એટલે કે મસ્ટર્ડ છે. ફૉરેનમાં તો રાઈનો સૉસ પણ મળે છે, જેને વસાબી સૉસ કહે છે. સહેજ ટપકું લો ત્યાં તમારા મગજમાં ઝણઝણાટી જન્માવી દે પણ આ રાઈનો એક દુર્ગુણ એ છે કે એને વાટી નાખો એટલે એની સુગંધ વધે.

પાણીપૂરીમાં મજા આવી એટલે અમે ઑર્ડર કર્યો ભેળપૂરીનો. અહીં એક બીજી વાત પણ કહું. બે જણ ખાવા જાઓ એનો મોટો ફાયદો એ કે તમે અલગ–અલગ વરાઇટીઓ ટ્રાય કરી શકો અને તમને તો ખબર જ છે કે મારે ક્યાં મારા માટે ખાવાનું હોય છે, મારે તો ખાવાનું હોય છે તમારા માટે.

પાણીપૂરી, ભેળપૂરી, સેવપૂરી, દહીંપૂરી ટ્રાય કર્યા પછી અમે છેલ્લી આઇટમ મગાવી ચીઝ મસાલા પૂરી. આ જે મસાલા પૂરી છે એ આપણે ત્યાં પાણીપૂરી ખાધા પછી આપે એવી ચપટી પૂરીમાં નથી હોતી, એ પાણીપૂરીની પૂરીમાં જ બનાવે. એમાં કાંદા-બટાટાનું પૂરણ ભર્યું હોય, સહેજ તીખી-મીઠી ચટણી અને એના પર ચીઝ ભભરાવેલું હોય. આ અદ્ભુત કૉમ્બિનેશન હતું, મને તો મજા પડી ગઈ અને માંહ્યલા એવા બકાસુરને પણ જલસો પડી ગયો. મસ્ત મજાનો ઓડકાર ખાઈ લીધા પછી નક્કી કર્યું કે હવે તમને પનવેલ કોઈને ત્યાં જાઓ ત્યારે તેને ખાસ કહેજો કે તમને મિશ્રા કે સંજય ભેળપૂરીમાં લઈ જાય અને ધારો કે કહી ન શકતા હો તો તમે પોતે ત્યાં જઈને ટ્રાય કરજો.

મજા પડશે એની ખાતરી રાખજો.

food and drink food news street food Gujarati food mumbai food indian food Sanjay Goradia columnists lifestyle news life and style