કલ ભી, આજ ભી, આજ ભી, કલ ભી

22 February, 2024 08:37 AM IST  |  Mumbai | Sanjay Goradia

સરદાર પાંઉભાજીનો જે સ્વાદ મેં ૧‍૯૭૮માં પહેલી વાર માણ્યો હતો એ જ સ્વાદ એમને ત્યાં આજે પણ અકબંધ છે અને આવતી કાલે પણ એમાં કોઈ ફરક નહીં આવે એની મને ખાતરી છે

સંજય ગોરડિયા

આજની આપણે જે ફૂડ ડ્રાઇવ છે એમાં તમને જે જગ્યાની વરાઇટીનો આસ્વાદ કરવા મળવાનો છે એ હકીકતમાં તો બહુ સમય પહેલાં આવી જોઈતી હતી પણ સંજોગ આવતો નહોતો એટલે વાત ખેંચાતી ગઈ. ભાગ્યે જ કોઈ ફૂડ શોખીન એવો હશે જે મુંબઈની આ જગ્યાએ નહીં ગયો હોય, પણ આપણે નવી જનરેશનને ધ્યાનમાં રાખીને આજે આ જગ્યાની વાત કરવી છે.
એ જગ્યા એટલે તાડદેવમાં આવેલી સરદાર પાંઉભાજી. મને હજી પણ યાદ છે કે ૧૯૭૮માં અમે ખેતવાડીના લહેરી બિલ્ડિંગમાં ગણપતિ લાવ્યા હતા. વિસર્જનના દિવસે રાત્રે જ્યારે અમે પાછા આવતા હતા ત્યારે અમારી સાથે બિલ્ડિંગના કેટલાક મોટા છોકરાઓ પણ હતા અને રસ્તામાં એ બધાએ નક્કી કર્યું કે ચાલો સરદારની પાંઉભાજી ખાવા જઈએ. એ પહેલાં મેં ક્યારેય સરદારનું નામ પણ નહોતું સાંભળ્યું અને સાહેબ, એ પાંઉભાજી ખાઈને મને એવી મજા પડી કે હું આજે પણ એ અનુભવ વર્ણવી નથી શકતો. અમારા એ જમાનામાં બટર અને ચીઝ એકદમ દુર્લભ હતાં. અમે તો વેજિટેબલ ઘી ખાતા, ચોખ્ખું ઘી પણ નહીં. હવે તો એ વેજિટેબલ ઘીની ડાલ્ડા બ્રૅન્ડનું ક્યાંય નામોનિશાન નથી, પણ હા એ ડાલ્ડા ઘી અત્યારે બાંગ્લાદેશમાં મળે છે. આપણે બધા હવે તો અમૂલ કે સાગર બ્રૅન્ડનું ઘી ખાતા થઈ ગયા છીએ.

ડાલ્ડાની બોલબાલા હતી અને બટરનું સપનું પણ જોવાની મનાઈ હતી એવા એ દિવસોમાં સરદારને ત્યાં પ૦-૬૦ ગ્રામનું બટર મોટું ઝૂમખું પાંઉભાજીની ભાજીમાં એવી રીતે પડે કે તમારા મોઢામાંથી પાણીના ફુવારાઓ છૂટવા માંડે. એ વખતે એક ભાજીમાં હું ચાર પાંઉભાજી ખાઈ ગયો. પાંઉભાજી પણ પાછાં કેવાં તો કહે, બટરથી લથબથ. બસ, એ બધા દિવસો યાદ કરતાં હું સરદારની પાંઉભાજીનો આસ્વાદ તમારા સુધી પહોંચાડવા માટેની તકની રાહ જોતો હતો, જે મને હમણાં મળી ગઈ.

બન્યું એવું કે હમણાં અમે ભવન્સમાં એકાંકી કૉમ્પિટિશન જોવા ગયા અને રિટર્નમાં મોડું થઈ ગયું. બંદાએ લાભ લઈ લીધો સરદારનો અને પહોંચી ગયો તાડદેવ.વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં, સરદારમાં જ્યારે જાઓ ત્યારે અડધા કલાકના વેઇટિંગની તૈયારી રાખવાની જ રાખવાની. મારે પણ રાહ જોવાની હતી એટલે હું તો શાંતિથી ઊભો-ઊભો આખી પ્રોસેસ જોવા માંડ્યો. 

એક તવામાં એ જે ભાજી બનાવે એમાંથી ચાલીસથી પચાસ પ્લેટ ભાજી ઊતરે. અત્યારે બધા એવી ફરિયાદ કરે છે કે સરદારવાળો બટર બહુ નાખે છે. હકીકતમાં એવું નથી. હું તમને એ પ્રોસેસ જણાવું. સૌથી પહેલાં તો એ અંદાજે ૨૦૦ ગ્રામ જેટલું બટર નાખે અને પછી એમાં બહુ બધા કાંદા નાખવામાં આવે. કાંદાને સાંતળી લીધા પછી એમાં સમારેલાં ટમેટાં અને પછી એમાં બટેટા નાખી બધા મસાલા નાખે અને પછી એ બધું મૅશ કરી નાખે. એની ઉપર બાફેલા લીલા વટાણા નાખે. ટમેટાં પણ પાણી છોડતું હોય અને બાફેલા વટાણાનું પણ પાણી હોય એટલે જાડી ગ્રેવી બની જાય. આ બધું મૅશ કર્યા પછી ભાજી તૈયાર થાય અને પછી પ્લેટમાં કાઢતી વખતે દરેક પ્લેટમાં ઉપરથી બટર નાખવામાં આવે એટલું જ બટર એમાં હોય છે. હકીકતમાં એમની બનાવવાની પદ્ધતિમાં જરાય ફેર નથી પડ્યો પણ આપણે બધા થોડા કૅલરી કૉન્શિયસ થઈ ગયા છીએ.

તમને ખબર છે એમ, છેલ્લા થોડા સમયથી મારે ગુજરાતમાં રહેવાનું બહુ બને છે. ગુજરાતમાં આપણા મુંબઈ જેવી પાંઉભાજી મળતી નથી. અરે, અમુક જગ્યાએ તો પાંઉભાજીમાં કાજુ અને દ્રાક્ષ પણ નાખે છે તો કેટલીક જગ્યાએ ભાજી સાથે ગળ્યાં પાંઉ આપવામાં આવે છે. તમે જ કહો, જે સરદારની પાંઉભાજી ખાઈને નાનાથી મોટા થયા હોય એને એ પાંઉભાજી કેવી રીતે ભાવે?
ફરી આવી જઈએ આપણે સરદાર પાંઉભાજી પર તો આજે પણ એનો ટેસ્ટ એવો જ છે જે ટેસ્ટ મેં ૧૯૭૮માં પહેલી વાર કર્યો હતો. સરદાર પાંઉભાજીની એક ખાસિયત કહું, જે કદાચ તમે પણ નોટિસ કરી હશે. અહીં ભાજીમાં નિમક સહેજ ઓછું નાખવામાં આવે છે, કારણ કે ભાજી પર બટર પડતું હોય છે, જેની ખારાશ ભાજીને બૅલૅન્સ કરવાનું કામ કરે છે. જો તમે બટર વિનાની ભાજી મગાવો તો તમારે એમાં ઉપરથી સહેજ નિમક નાખવું પડે. જાતે કરેલા પ્રયોગ પછી હું આ તારણ પર પહોંચ્યો છું અને એ તારણ એ છે કે સરદારને આ જન્મારે તો કોઈ પહોંચી શકવાનું નથી, કોઈ નહીં. બસ, મારું તમને એટલું જ કહેવું છે કે હેલ્થ કૉન્શિયસ બન્યા વિના સરદારમાં જવાનું અને બટરથી લથબથ થયેલી પાંઉભાજી ખાવાની. શરીરની છએ છ ઇન્દ્રિય સુધી બટર અને ભાજીનો આસ્વાદ પહોંચી જશે.
ગૅરન્ટી મારી. 

આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે.

columnists Gujarati food mumbai food life and style