થાબડીવાળું ગરમાગરમ દૂધ અને સફેદ માખણ લગાડેલું પાંઉ

08 March, 2024 08:13 AM IST  |  Mumbai | Sanjay Goradia

જામનગરના ભેરુનાથમાં દૂધ-પાંઉ ખાઓ એટલે તમને એવું જ લાગે કે તમે ફરી કાનુડાના યુગમાં આવી ગયા

સંજય ગોરડિયાની તસવીર

ગયા ગુરુવારે મેં તમને જામનગરનાં પૂરી-શાક અને ગાંઠિયાની વાત કરી તો આ વખતે પણ મારે તમને જામનગરની જ ફૂડ આઇટમની વાત કરવી છે. જામનગરમાં મારો જ્યારે પણ શો હોય ત્યારે મારો પ્રયાસ હોય કે ભેરુનાથને ત્યાં જઈ શકાય. હા, ભેરુનાથ. 

આપણે મુંબઈમાં તીન બત્તી છે એવી જ રીતે જામનગરમાં પણ તીન બત્તી વિસ્તાર છે જ્યાં આ ભેરુનાથ લારી લઈને ઊભો રહે છે. તેને ત્યાં બધી દૂધની જ વરાઇટી મળે પણ ભેરુનાથનાં દૂધ-પાઉં તમે એક વાર ખાઓ એટલે સાહેબ, જલસો-જલસો થઈ જાય. હું તો કહીશ કે આઇસક્રીમ અને ચૉકલેટને ડિઝર્ટ કહેવાય જ નહીં. આપણું સાચું ડિઝર્ટ એટલે દૂધની ગરમાગરમ વરાઇટીઓ અને મોહનથાળ, બુંદીના લાડુ વગેરે પણ હવે ફૅશનમાં લોકો આઇસક્રીમ ને કેક ને ચૉકલેટની પાછળ દોડતા થઈ ગયા છે. વાત આગળ વધારતાં પહેલાં તમને આ દૂધ-પાંઉ શું છે અને એ કેવી રીતે બને એની વાત કરી દઉં.

ગુજરાતમાં અને ખાસ કરીને જામનગરમાં આ પ્રકારની લારીઓ હોય છે જ્યાં દૂધની વરાઇટીઓ વેચાતી હોય. સાંજે એ આવે અને મોડી રાત સુધી ઊભા રહે. લોકો આવ્યા જ કરતા હોય. હું માનું છું કે શિયાળાના દિવસોમાં તો લોકો ખાસ અહીં જતા હશે. અહીં જે દૂધ મળે એ એકદમ કઢેલું કહેવાય એવું દૂધ હોય. મોટી કડાઈમાં દૂધ ભર્યું હોય અને એને સતત હલાવવામાં આવતું હોય. તમે માગો એટલે એ જ કડાઈમાંથી દૂધ લઈને ગ્લાસમાં ભરે અને પછી દૂધ પર બની ગઈ હોય એ મસ્ત જાડી મલાઈનો એક મોટો ટુકડો દૂધમાં નાખે. ગરમાગરમ દૂધ પર સરસ મજાની મલાઈ અને એમાં સહેજ અમસ્તી સાકર નાખે અને પછી એમાં થાબડી નાખે. 

આ જે થાબડી શબ્દ છે એ ઠેઠ કાઠિયાવાડી છે, આપણા મુંબઈમાં નવી પેઢીને તો થાબડીની ખબર પણ નહીં હોય. સાદી ભાષામાં સમજાવું તો થાબડી એટલે બળેલા દૂધના પેંડા, પણ એ પેંડાના આકારમાં ન હોય. દૂધમાં સાકર નાખી એને એકદમ બાળી નાખવામાં આવે. બળેલા એ દૂધનો કલર બ્રાઉન થઈ જાય પછી એને થાળીમાં પાથરીને થાબડવામાં આવે, પછી એનાં ચોસલાં પાડીને એ આપવાની. થાળીમાં થાબડવાનું બનતું હોવાથી એનું નામ થાબડી પડ્યું છે. ફરી આવી જઈએ દૂધ-પાંઉ પર. મલાઈવાળું દૂધ, સહેજ અમસ્તી સાકર અને એમાં થાબડીનો એક ટુકડો. દૂધ બહુ ઊકળ્યું હોય એટલે થાબડીમાં ભરપૂર માત્રામાં ઘી હોય, જે ગરમાગરમ દૂધમાં પ્રસરી જાય અને કણીદાર થાબડી પણ છૂટી પડી જાય. દૂધ પીઓ એટલે એમાં એ કણીઓ પણ આવે. બહુ સરસ સ્વાદ હોય. થાબડીની ગળાશ હોવાને લીધે દૂધમાં સાકર ઓછી નાખતા હોય છે.

આ રીતે તૈયાર કરેલા ગરમાગરમ દૂધનો એક ગ્લાસ આપે અને પછી આપણા વડાપાંઉમાં જે પાંઉ હોય એ પાંઉની વચ્ચે સફેદ માખણ લગાડી એ તમને આપે. તમારે પાંઉ ખાતા જવાનું અને સાથે દૂધ પીતા જવાનું. કેટલાક તો દૂધમાં બોળીને પણ એ પાંઉ ખાતા હોય છે. આ વખતે મેં એ રીતે પણ ટ્રાય કરી. મને પણ બહુ મજા આવી. આ જે ભેરુનાથ છે એને ત્યાં દૂધ-પાંઉ ઉપરાંત રબડી પણ સરસ મળે છે તો મલાઈ કેક પણ એને ત્યાં મળે છે જે બહુ સરસ હોય છે, પણ દૂધ-પાંઉ સૌથી બેસ્ટ વરાઇટી છે એવું કહું તો ખોટું નહીં કહેવાય. આજકાલ સફેદ માખણ ખવાતું નથી પણ પેશ્ચરાઇઝ્ડ બટર કરતાં આ જે સફેદ માખણ છે એ વધારે હેલ્ધી છે. આપણા વડીલો તો આ જ માખણ અને રોટલાથી દિવસની શરૂઆત કરતા. આયુર્વેદમાં પણ સફેદ માખણના ફાયદાઓ વર્ણવવામાં આવ્યા છે. 

જામનગર જાઓ ત્યારે ત્રણ દરવાજા પાસે તીન બત્તી ચોકમાં આવેલા ભેરુનાથને ત્યાં જઈને દૂધ-પાંઉ અચૂક ટ્રાય કરજો. જમી લીધા પછી રાતે અગિયાર-બાર વાગ્યે પણ જશો તો પણ એક ગ્લાસ દૂધ આરામથી ગટગટાવી જશો એની ગૅરન્ટી મારી.

આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે.

life and style columnists Gujarati food mumbai food