ધરામિત્ર (સીઝન-ટૂ) : વીસરાતી જતી વાનગીઓને વીસરવા શું કામ દેવી?

01 February, 2024 08:50 AM IST  |  Mumbai | Sanjay Goradia

હેલ્થ માટે ભારોભાર ઉપકારક, સ્વાદમાં પેલી મૅગી અને ચિપ્સથી ચાર ચાસણી ચડે એવો ટેસ્ટ તો પછી આપણે શું કામ આપણી પોતાની કહેવાય એવી વીસરાતી વાનગીને ભુલાવી દેવી જોઈએ?

સંજય ગોરડિયા

ગયા ગુરુવારે ધરામિત્રમાં ટેસ્ટ કરેલી વાનગીઓની વાતો વાંચીને બહુબધા મિત્રોને એ વાનગીઓમાં રસ પડ્યો તો આજે વીસરાઈ ચૂકી હોય એવી પણ તેમને ખબર હોય એવી વાનગીનાં નામો પણ કેટલાક વાચકમિત્રોએ શૅર કર્યાં. એક વાચકે તો પેલા દૂધિયા બાજરા વિશે માહિતીમાં ઉમેરો કરતાં કહ્યું કે એ નાગરોની આઇટમ છે. પહેલાંના સમયમાં નાગરો કોઈના ઘરે દીકરો આવે એના અગિયારમા દિવસે અથવા તો તેના નામકરણના દિવસે બનાવતા. 

આ જે ધરામિત્રમાં મેં વાનગીઓ ટેસ્ટ કરી એનો જ આસ્વાદ આજે પણ તમને પહોંચાડવાનો છે. દૂધિયો બાજરો, બાજરીની ખીચડી, મિલેટ્સ નૂડલ્સની ભેળ અને હોમ-મેડ ચિક્કી ટેસ્ટ કરીને હું હજી તો નીકળવાનું વિચારતો હતો ત્યાં જ એક બહેન મારી પાસે આવ્યાં. આવીને મને કહે કે સંજયભાઈ, આ અમારું શરબત ચાખો. મને થયું કે શરબતમાં તે વળી શું દાટ્યું હોય? પણ સાહેબ, જે શરબત હતું એ અદ્ભુત હતું અને તમે કલ્પના પણ ન કરી હોય એવો એનો ટેસ્ટ હતો. લીલી હળદર, આદું અને પાઇનૅપલના એ શરબતનો હજી તો મેં એક ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો ત્યાં તો મારું નાક, કાન, ગળું બધું ખૂલી ગયું. લીલી હળદરનું શાક મેં ટેસ્ટ કર્યું છે. એ પણ ધરામિત્રમાં રોટલા સાથે મળતું હતું, પણ લીલી હળદરના શરબતનો સ્વાદ મેં પહેલી વાર માણ્યો.

એ પછી એક સ્ટૉલ પર મને મિલેટ ચેવડો ટેસ્ટ કરવા મળ્યો, જેને એ લોકોએ નામ મિલેટ ભેળ આપ્યું હતું; પણ એ હતો ચેવડો. બાજરો અને જુવાર શેકીને બનાવેલા એ ચેવડામાં હળદર, સિંધાલૂણ નમક અને બીજા મસાલા નાખીને બનાવ્યો હતો. હું કહીશ કે એ ચેવડો ખાતી વખતે મને થયું કે માર્કેટમાં ફરસાણ વેચનારા શું કામ આ પ્રકારના ચેવડાઓ નહીં બનાવતા હોય? ખરેખર સ્વાસ્થ્ય માટે એકદમ ગુણકારી અને મજાની વાત એ કે એમાં તેલની પણ જરૂર નહીં. બાળકોને ભૂખ લાગે ત્યારે આવી વરાઇટી સામે મૂકી હોય તો તેઓ હોંશે-હોંશે ખાઈ લે અને તેમને ખબર પણ ન પડે કે તેમણે શું ખાઈ લીધું. એ જ તો મજા છે કે તમે તમારાં બાળકોના શોખને પણ પૂરો કરો અને સાથોસાથ તેમની હેલ્થનું પણ ધ્યાન રાખો. એક સમય હતો કે આપણે પેલાં ફૂડ-પૅકેટ જોયાં સુધ્ધાં નહોતાં અને આજે એક પણ ઘર એવું નહીં હોય જ્યાં એ પૅકેટ આવતાં ન હોય. બે મિનિટમાં બનતાં નૂડલ્સ કે પછી અડધી સેકન્ડમાં તોડીને પેટમાં આરોગાતી ચિપ્સ અને ફ્રાઇમ્સનાં પૅકેટ કરતાં આ બધી વાનગીઓ બહુ પૌષ્ટિક છે. હું તો કહીશ કે આવી વીસરાતી વાનગીઓના બે-ચાર દિવસના ક્લાસ થવા જોઈએ અને મમ્મીઓએ શીખવા જવું જોઈએ. આ એવી વાનગીઓ છે જે કલાકમાં પચી પણ જાય અને કોઈ જાતની આડઅસર પણ નહીં. કેમિકલ કે પ્રિઝર્વેટિવ્સની બીક નહીં અને સ્વાસ્થ્યની સહેજ પણ ચિંતા નહીં.

હું કહીશ કે આ વીસરાતી જતી વાનગીઓને વીસરવા દેવાને બદલે ફરી પાછી જીવંત કરો અને આપણા સત્ત્વશીલ ભોજન અને નાસ્તાઓને ફરી પાછા સપાટી પર લાવો. આપણા વડા પ્રધાન પણ એ જ ઇચ્છે છે. હજી ચારેક દિવસ પહેલાં જ તેમણે સ્ટુડન્ટ્સ સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે ત્રીસ જ સેકન્ડમાં મને ઊંઘ આવી જાય છે જેનું કારણ છે મારું પોષણયુક્ત ભોજન. સાહેબ, ખરેખર આ બધી વાનગીઓ તમને સ્ટ્રેસમાંથી પણ બહાર લાવવાને સક્ષમ છે. જરા વિચારજો અને શક્ય હોય તો એમને તમારા રોજબરોજના જીવનમાં લાવજો. 
મેં તો મારું કામ કર્યું. આગળ તમારી મરજી.

આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે.

columnists Sanjay Goradia mumbai food Gujarati food