પૂરી, બટાટાનું શાક, વણેલા ગાંઠિયા, પપૈયાનો સંભારો અને તળેલાં મરચાં

29 February, 2024 08:44 AM IST  |  Mumbai | Sanjay Goradia

આ આખું જે કૉમ્બિનેશન છે એ એવું તે સુપરહિટ છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. જામનગરના હવાઈ ચોકમાં ઊભી રહેતી હરસિદ્ધિની લારી પર જશો તો તમને આ કૉમ્બિનેશન ટેસ્ટ કરવા મળશે

સંજય ગોરડિયા

મિત્રો, થોડા દિવસો પહેલાં હું મારી ફિલ્મ ‘કમઠાણ’ની રિવ્યુ-ટૂર પર નીકળ્યો. અમારી આ ટૂર ગુજરાતમાં હતી અને મારે ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં જઈને ઑડિયન્સ સાથે બેસીને ફિલ્મ જોવાની હતી.

અમારી આ રિવ્યુ-ટૂર દરમ્યાન હું જામનગર ગયો, ઑડિયન્સ સાથે બેસીને મેં નાઇટ શોમાં ફિલ્મ જોઈ અને રાતે બાર વાગ્યે ફિલ્મ છૂટી. ઑડિયન્સને સેલ્ફી અને ફોટો દેતાં-દેતાં થઈ ગયા સાડાબાર અને બકાસુરે પેટમાં ધમાલ મચાવી. અમારા કો-ઑર્ડિનેટર લલિતભાઈ જોષીએ મને ગાડી સ્ટાર્ટ કરતાં જ પૂછ્યું કે આપણે ક્યાં જમવા જવું છે એટલે મેં તેમને કહ્યું કે અહીં તમારે ત્યાં પૂરી-શાક બહુ પૉપ્યુલર છે એટલી મને ખબર છે. લલિતભાઈ સમજી ગયા અને તેમણે તો લીધી ગાડી સીધી જામનગરના હવાઈ ચોકમાં. આ હવાઈ ચોકમાં ‘હરસિદ્ધિ પૂરી-શાક અને ગાંઠિયાવાળાભાઈ લારી લઈને ઊભા રહે છે. ગરમાગરમ બટાટાનું શાક હોય, સાથે તળાતી જતી પૂરી હોય. થોડો પપૈયાનો સંભારો, મરચાં અને ગાંઠિયા. મેં તો જઈને ઑર્ડર આપ્યો એટલે તરત મને શાક આપ્યું, પણ શાકમાં તેલ જોઈને હું હેબતાઈ ગયો. મેં કહ્યું કે હું આટલું બધું તેલ નહીં ખાઉં તો એ ભાઈએ તરત જ ઑર્ડર કર્યો કે સંજયભાઈને ઓછા તેલવાળું શાક આપો.

મને બીજું, નહીંવત્ કહેવાય એવા તેલવાળું બટાટાનું શાક આપ્યું અને સાથે આપી નાની પૂરીઓ. આ જે પૂરી હતી એ ઘઉંના લોટની અને સાઇઝ કહું તો પાણીપૂરીની પૂરી કરતાં સહેજ મોટી પણ ઘરમાં બનતી પૂરી કરતાં સહેજ નાની. પૂરી અને શાક. આહાહાહા...

જે શાક હતું એ તીખાશ સાથે સહેજ ગળચટ્ટું હતું અને જે પૂરી હતી એ તાવડામાંથી ઊતરતી જાય એમ તમને આપતા જાય. પૂરી અને બટાટાના શાકનું જે કૉમ્બિનેશન છે એ આમ પણ એવરગ્રીન છે જ, પણ હરસિદ્ધિનાં પૂરી-શાકનો જે સ્વાદ હતો એ પણ એટલો જ સરસ હતો. પણ આ આખી ડિશમાં જો કોઈ ગેમચેન્જર આઇટમ હતી તો એ વણેલા ગાંઠિયા અને એની સાથે અપાતાં પપૈયાનો સંભારો અને મરચાં. આ બહુ ખતરનાક કહેવાય એવું કૉમ્બિનેશન છે. અગાઉ મેં ક્યારેય અને ક્યાંય આ કૉમ્બિનેશન જોયું નથી અને એટલે જ કહું છું, જામનગર જવાનું બને તો હવાઈ ચોકમાં એક વાર જજો અને ‘હરસિદ્ધિ પૂરી-શાક અને ગાંઠિયા’વાળાને ત્યાં જઈને એ ટ્રાય કરજો.

હા, મારી એક નાનકડી ફરિયાદ છે. હવે તો ગુજરાતમાં પણ મોટાભાગની લારી અને દુકાનો પર સફેદ કાગળમાં જ તમને આઇટમ આપે છે પણ ખબર નહીં કેમ, હરસિદ્ધિવાળા ભાઈ હજી પણ ન્યુઝપેપરની પસ્તીનો જ ઉપયોગ કરે છે. તેલમાં તળાયેલી ગરમ પૂરીમાં છાપાની ઇન્ક ઉમેરાય એ ખરેખર નુકસાનકર્તા છે. ખેર, મેં તો એ રાતે ચૂપચાપ ખાઈ લીધું પણ પછી સ્વાદે મારું મન જીતી લીધું એટલે એ ભાઈને ટકોર કરવાની રહી ગઈ, જે અત્યારે અહીં કરું છું. કોઈ પણ ખાવાની વસ્તુ ગરમ આપવાની હોય તો એમાં છાપાંનો કાગળ નહીં વાપરો. માર્કેટમાં પૅકિંગ માટે મળતો સફેદ કાગળ સહેજ પણ મોંઘો નથી અને સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા પણ નથી.

લારી-ગલ્લાવાળા શક્ય હોય ત્યાં સુધી એનો જ ઉપયોગ કરવાનું રાખે એ હિતાવહ છે. બાકી હરસિદ્ધિની વરાઇટી એટલે એક નંબર... નો ડાઉટ ઑન ધૅટ.

આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે.

columnists Gujarati food mumbai food indian food Sanjay Goradia