22 November, 2025 10:15 PM IST | Mumbai | Sanjay Goradia
ખમણ બનાવવા જતાં લોચો લાગી ગયો અને આપણને લોચો મળી ગયો
સુરત જવાનું બને એટલે મને જલસો પડી જાય. સુરતમાં હું નિતનવું ખાવાનું શોધી લઉં. હમણાં મારે મારી નવી ફિલ્મના શૂટિંગ માટે સુરત જવાનું થયું. રાતનું શૂટિંગ એટલે બંદા વધારે ખુશ. દિવસ આખો રખડપટ્ટી કરવા મળે. એક દિવસ મેં નક્કી કર્યું કે ચાલો, સુરતની જ કોઈ ફૂડ-ડ્રાઇવ કરી આવીએ અને હું તો નીકળ્યો સુરતમાં. વાત આગળ વધારતાં પહેલાં હું બે વાત કહીશ. જો તમારે કોઈ શહેર એક્સપ્લોર કરવું હોય કે પછી ત્યાંની નાનામાં નાની વાત જાણવી હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટ કે રિક્ષા કરવાની. શું છે, બીજા લોકો સાથે વાતો થતી જાય. હું તો રિક્ષા કરીને ડ્રાઇવર સાથે વાત કરતો રવાના થયો અને એક જગ્યાએ મેં વાંચ્યો જાની લોચો ને બસ, મને મોઢામાં પાણી આવી ગયું. રિક્ષાવાળા સાથે વાતો કરતાં ખબર પડી કે આ જાની લોચો સુરતમાં બહુ પૉપ્યુલર છે.
સુરતના પાર્લે પૉઇન્ટ વિસ્તારમાં એની મધર બ્રાન્ચ. આ ઉપરાંત સિટીમાં જાનીવાળાએ ઘણી ફ્રૅન્ચાઇઝી આપી છે. જોકે સારી વાત એ છે કે એ બધી ફ્રૅન્ચાઇઝીનું સેન્ટ્રલાઇઝ્ડ કિચન છે. ત્યાંથી જ ખીરું તૈયાર થઈને ફ્રૅન્ચાઇઝીને ત્યાં જાય એટલે સ્વાદ સમાન રહે. જાનીના લોચોની વાત કરતાં પહેલાં તમને આ લોચોની શોધ વિશે કહું.
આપણે ત્યાં રોજ સવારમાં મિસળ ખવાય. કાઠિયાવાડમાં રોજ બધાને ગાંઠિયા જોઈએ એવું જ સુરતીઓનું છે. સુરતીઓને સવારમાં ખમણ જોઈએ, જેને લીધે ખમણની દુકાનો સવારના છ અને સાત વાગ્યામાં શરૂ થઈ ગઈ હોય.
દશકાઓ પહેલાંની વાત છે. એક વખત એક ખમણવાળાએ ખમણ તૈયાર કરવા મૂક્યાં, પણ પાણી વધારે પડી ગયું હોવાથી એ ખમણ બંધાયાં નહીં અને દુકાને એક કસ્ટમર રાહ જુએ. તે ગ્રાહકે પેલા વેપારીને કહ્યું કે ભાઈ, જેવાં બન્યાં હોય એવાં ખમણ દે એટલે હું ખાઈને મારી નોકરી પર જઉં.
વેપારીએ બહુ સમજાવ્યું, કહ્યું કે ખમણ લોચો થઈ ગયાં છે તો પેલાએ એ માગ્યું અને વેપારીએ ગ્રાહકની પ્લેટમાં લોચો મૂકી દીધો. પેલાને એ લોચો એવો તે ભાવ્યો કે ન પૂછો વાત. વેપારીએ પણ પછી એ લોચો ચાખ્યો અને બીજાને પણ ચખાડ્યો. બધાએ એનાં વખાણ કર્યાં અને આમ લોચોનો જન્મ થયો.
જાની લોચોમાં અનેક જાતના લોચો મળે છે. મેં પહેલાં તો સાદો લોચો મગાવ્યો. મને એમાં મજા આવી એટલે પછી મેં નજર મેનુ પર દોડાવી તો અમૂલ બટરવાળો લોચો, તેલવાળો લોચો, લસણવાળો લોચો પણ દેખાયો. જોકે સાહેબ, આ ઉપરાંત પેરીપેરી, સેઝવાન, ઇટાલિયન લોચો પણ હતા. સામાન્ય રીતે આવું ફ્યુઝન કે પછી કહો કે જેન-ઝી કૉમ્બિનેશન મને ગમતું નથી, પણ મારે તો અખતરો કરવો હતો એટલે મેં પેરીપેરી લોચો મગાવ્યો અને શું વાત છે, મને મજા પડી ગઈ. પછી તો મેં બીજા બે લોચો પણ મગાવ્યા અને એમાં પણ મને જલસો પડી ગયો. મજાની વાત તમને કહું. આ વખતે મને ખાવામાં પેલા રિક્ષા-ડ્રાઇવરની કંપની હતી એટલે હું આ બધી વરાઇટી ચાખી શક્યો. જાતજાતના લોચોનો આસ્વાદ માણ્યા પછી મને થયું કે ચાલો, ઇદડાં પણ ટ્રાય કરી લઉં.
ઇદડાં એટલે આપણાં સફેદ ખાટાં ઢોકળાં, પણ ઇદડાં થોડાં જાડાં અને જૂસી હોય છે. ઇદડાંમાં પણ અનેક વરાઇટી હતી, પણ મેં રેગ્યુલર ઇદડાં જ મગાવ્યાં હતાં જે બહુ સરસ હતાં. મિત્રો, મને હંમેશાં લાગ્યું છે કે દરેક શહેરની જે આઇકૉનિક વરાઇટી છે એની પાછળ જો કોઈ સૌથી મહત્ત્વનું કારણ હોય તો એ પાણી હશે. નહીં તો રાજકોટ જેવા પેંડા શું કામ મુંબઈમાં ન બની શકે ને શું કામ આપણા જેવાં વડાં ગુજરાતમાં ન બને. અરે હા, તમને કહેવાનું કે હમણાં કાંદિવલીના મહાવીરનગરમાં ખમણ અને લોચો મળે છે જેનો સ્વાદ એકદમ ઑથેન્ટિક છે. મને કોઈએ કહ્યું કે એ દુકાનવાળો રોજ પાંચ લીટર પાણી સુરતથી મગાવીને સુરતના પાણીમાં લોચો અને ખમણ બનાવે છે એટલે એનો સ્વાદ આટલો ઑથેન્ટિક છે. જોકે એ પછી પણ હું કહીશ કે સુરત અને જાનીના લોચોની તોલે કોઈ ન આવે. ભલું થજો એ માણસનું જેણે ખમણ બનાવવામાં લોચો મારી દીધો ને આપણને લોચો નામની નવી વરાઇટીનો આસ્વાદ માણવા મળ્યો. એક ખાસ વાત કહેવાની, સાદો લોચો સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ કહેવાય. ખાલી ને ખાલી ચણાનો લોટ, સહેજ નિમક, પાણી અને એ બનાવવાની તમારી આવડત.
ટેસ્ટમાં પણ બેસ્ટ અને હેલ્થ માટે પણ બેસ્ટ.