ગાંઠિયા સાથે ચટણી ખાવાની આવી મજા ક્યારેય નથી આવી

21 March, 2024 07:48 AM IST  |  Mumbai | Sanjay Goradia

અમદાવાદના લક્ષ્મી ગાંઠિયા રથમાં ગાંઠિયાની એક પ્લેટની સાથે તમને મળશે ચટણી, ભોપળા મરચાં, પપૈયાનો સંભારો, કઢી; બધું જ અનલિમિટેડ; માત્ર ૬૦ રૂપિયામાં

લક્ષ્મી ગાંઠિયા રથ

મિત્રો, તમને ખબર છે કે મારી વેબ-સિરીઝ ‘ગોટી સોડા’ની ચાર સીઝન ઑલરેડી રિલીઝ થઈ ચૂકી છે. હવે એની પાંચમી સીઝનનું શૂટ શરૂ થયું છે. આ વેબ-સિરીઝનું શૂટિંગ અમે અમદાવાદમાં કરી રહ્યા છીએ. શૂટિંગ દરમ્યાન એક દિવસનો ગેપ શોધીને હું તમારા માટે ફૂડ-ડ્રાઇવ શોધવા નીકળ્યો. શોધખોળ કરતાં મને અમારા અમદાવાદના એક સ્થાનિક યુનિટ મેમ્બરે કહ્યું, ‘સંજયભાઈ, તમારે નેહરુનગરમાં આવેલા લક્ષ્મી ગાંઠિયા રથના ગાંઠિયા ખાવા જોઈએ. એના ગાંઠિયા તો સરસ છે જ, પણ એની ચટણી અદ્ભુત છે.’ 

આપણે તો ઊપડ્યા લક્ષ્મી ગાંઠિયા રથમાં. ત્યાં જઈને ઑર્ડર આપ્યો એક પ્લેટ ગાંઠિયાનો. ઑર્ડર મળ્યો એટલે તાવડો લઈને બેઠેલા ભાઈએ ડબ્બામાંથી બાંધેલો લોટ કાઢીને વજન કર્યું અને એક્ઝૅક્ટ સો ગ્રામ લોટ જોખીને એના ગાંઠિયા વણવાનું શરૂ કરી દીધું. પાંચ મિનિટમાં ગરમાગરમ ગાંઠિયા તૈયાર. ગાંઠિયાની ઉપર ​હિંગ-મરીનો મસાલો છાંટીને તેમણે ગાંઠિયા આપ્યા. ગાંઠિયાની સાથે ચટણી પણ આપી. પ્લેટ લઈને હું અંદર ગયો ત્યાં જ એક ભાઈ આવીને કમંડળ મૂકી ગયા. એ કમંડળમાં મને આપી હતી એ ચટણી તો હતી જ, પણ સાથે પપૈયાનો સંભારો પણ હતો અને ભોપળા મરચાં પણ હતાં. અડધી મિનિટ પસાર થઈ હશે ત્યાં એ જ ભાઈ આવીને કઢી ચટણીનો જગ મૂકી ગયા. 

ગાંઠિયાની એક પ્લેટમાં મને તેમણે ચટણી આપી, ભોપળા મરચાં આપ્યાં, પપૈયાનો સંભારો આપ્યો, કઢી ચટણી આપી અને આ બધું જ અનલિમિટેડ માત્ર ૬૦ રૂપિયાના ગાંઠિયા સાથે. સાહેબ, આવું તો ફક્ત ગુજરાતમાં જ બની શકે. માણસો અહીં આવીને એક પ્લેટ ગાંઠિયા સાથે પેટ ભરીને સંભારો, ચટણી અને મરચાં ખાઈને તૃપ્ત થાય છે. ઍનીવે, જે ચટણીનાં મેં વખાણ સાંભળ્યાં હતાં એની વાત કરું. એ ચટણી સહેજ ખાટી હતી. પીળા રંગની એ ચટણી અદ્ભુત હતી એમાં કોઈ બેમત નથી. તો પપૈયાનો સંભારો એકદમ ટેસ્ટી અને પ્રમાણસર તીખો હતો. કઢી ચટણીનો સ્વાદ ગાંઠિયા સાથે રસ તરબોળ કરનારો હતો. 

મારે અહીં એક ખાસ વાત કહેવી છે કે ગુજરાતમાં મોટા ભાગના લોકો ફરસાણમાં કપાસિયા તેલ વાપરતા થઈ ગયા છે તો અમુક જગ્યાએ પામોલીન વપરાય છે; પણ મિત્રો, આ બન્ને તેલ ખાવાયોગ્ય નથી. હવે અમુક દુકાનોમાં મેં જોયું છે કે બે તાવડા રાખ્યા હોય છે. તમે ઑર્ડર આપો એટલે તરત જ તમને પૂછે કે સિંગતેલમાં કે કપાસિયામાં? બન્નેના ભાવ વચ્ચે દસથી બાર રૂપિયાનો ફરક હોય છે. ફરસાણના વેપારીઓનું કહેવું છે કે સિંગતેલનું ફરસાણ વહેલું ખોરું થઈ જાય છે અને કપાસિયા કે પામનું ફરસાણ લાંબો સમય તાજું રહેતું હોય છે. જોકે મહત્ત્વની વાત છે સ્વાસ્થ્ય. તો શું કામ ઘરમાં નાસ્તાના ડબ્બા ભરીને રાખવા. જરૂર હોય એટલું જ લાવવું, પણ સારું લાવવું. ઠીક છે ભાઈ, આ તો આડ વાત થઈ. મૂળ વાત પર પાછા આવીએ તો લક્ષ્મી ગાંઠિયા રથના ગાંઠિયા અને એની ચટણી ખાવાની ચૂકવી નહીં. અમદાવાદનો ધક્કો વસૂલ થઈ ગયો સાહેબ. 
આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે.

life and style Gujarati food Sanjay Goradia