એકામાં ડિનર સાથે એક લટાર

04 April, 2024 09:49 AM IST  |  Mumbai | Sanjay Goradia

સ્ટર્લિંગ સિનેમા પાસે બનેલી આ રેસ્ટોરાં વર્લ્ડ-ક્લાસ છે. દુનિયાની બેસ્ટ ૫૦ રેસ્ટોરાંમાં એનો સમાવેશ થઈ ચૂક્યો છે ત્યારે આ ભારતીય રેસ્ટોરાંનું ટેસ્ટિંગ મેનુ કેવું છે એ જાણીએ

સંજય ગોરડિયા

ફૂડ-ડ્રાઇવમાં આપણે સામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડની વાત કરતા હોઈએ છીએ પણ આજે આપણે વાત કરીશું મુંબઈની સ્પેશ્યલ રેસ્ટોરાંની. દુનિયાની ટૉપ રેસ્ટોરાંઓમાં જેનું નામ છે એવી આ વર્લ્ડ-ક્લાસ રેસ્ટોરાંનું નામ છે એકા. શેફ નિયતિ રાવે એ શરૂ કરી છે. નિયતિએ અનેક ફાઇવસ્ટાર હોટેલોની રેસ્ટોરાંમાં કામ કર્યું અને એ પછી તેણે આ રેસ્ટોરાં શરૂ કરી. બન્યું એમાં એવું કે હું મારા મિત્ર જયેશ વોરા અને ડિરેક્ટર વિરલ રાચ્છ સાથે નેહરુ ઑડિટોરિયમમાં નાટક જોવા ગયો ત્યારે જ જયેશભાઈએ મને કહ્યું કે આપણે ડિનર બહાર કરીશું એટલે હા પાડીને ડિનર ક્યાં કરવું એ નક્કી કરવાની જવાબદારી મેં તેમને સોંપી દીધી. જયેશભાઈ પોતે બહુ સારા સ્વાદશોખીન અને દુનિયાભરની રેસ્ટોરાંથી પરિચિત. જગતભરના શેફને ઓળખે પણ ખરા. 

નાટક પૂરું થયું એટલે જયેશભાઈએ મને કહ્યું કે સ્ટર્લિંગ સિનેમા પાસે આવેલી એકા રેસ્ટોરાંમાં જઈએ. મેં તો પાડી તરત જ હા અને અમે પહોંચ્યા એકા. દરેક રેસ્ટોરાંનું એક સ્પેસિફિક ક્વીઝિન હોય. આ એકામાં ઍગ્નોસ્ટિક ક્વીઝિન મળે છે. આ વાત મારા માટે જરા નવીન હતી એટલે મેં તો ગૂગલબાબાનું શરણ લઈને જાણ્યું કે ઍગ્નોસ્ટિક એટલે શું? તો અર્થ આવ્યો જે કોઈ ધર્મ કે પંથમાં નથી માનતો એ, પણ ક્વીઝિન સાથે જ્યારે વાત જોડવાની હોય ત્યારે એ અર્થ થાય કે જે કોઈ પણ ટ્રેડિશનમાં ન માને એ. દાખલા તરીકે અહીં તમને રીંગણાં મળે પણ ટ્રેડિશનલ વેમાં ન હોય. સાવ અલગ જ રીતે બનાવીને તમને આપે. આને કહેવાય ઍગ્નોસ્ટિક ક્વીઝિન. 

મોટી કે પછી ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડની જે રેસ્ટોરાં હોય એમાં આલા કાર્ટે તો હોય જ, પણ સાથે ટેસ્ટિંગ મેનુ પણ હોય. ટેસ્ટિંગ મેનુમાં તમને રેસ્ટોરાંની સિગ્નેચર ડિશ કહેવાય એવી દસથી બાર વરાઇટીઓ આપવામાં આવે. એ માત્ર ટેસ્ટ પૂરતી બેચાર ચમચી ન હોય, પણ સરખી માત્રામાં હોય. હું કહીશ કે એક ટેસ્ટિંગ મેનુની ક્વૉન્ટિટીમાં એક માણસ મસ્ત રીતે પેટ ભરીને જમી શકે અને એ રેસ્ટોરાંની ઘણીખરી વરાઇટી ટેસ્ટ પણ કરી શકે. અમે ઑર્ડર કર્યો ટેસ્ટિંગ મેનુનો અને સૌથી પહેલાં આવ્યું ઑરેન્જ કલરનું વેલકમ ડ્રિન્ક. આ જે ઑરેન્જ કલરનું વેલકમ ડ્રિન્ક હતું એ જૅસ્મિનના ફ્લાવરમાંથી બનાવ્યું હોય એવું લાગતું હતું. એમાંથી જૅસ્મિનની એવી તે ખુશ્બૂ આવતી હતી કે એ પીધા પછી તમારા મોઢામાંથી પણ જૅસ્મિન ફ્રૅગ્રન્સ આવ્યા કરે. 

વેલકમ ડ્રિન્ક પછી આવ્યું બેબી કૉર્ન અને એકદમ સ્મોકી ક્રીમી ફ્લેવરનું અવાકાડો. આવાકાડોની એક મોટી સ્ટિક હોય અને અને એમાં અંદર બેબીકૉર્ન હોય. આ સ્ટિક ઉપર અવાકાડોનું ક્રીમ નાખ્યું હોય અને એની ઉપર મકાઈનો ચેવડો નાખ્યો હોય. એ સ્મોકી ફ્લેવરની વરાઇટી અદ્ભુત હતી. ટ્રેડિશનલની સાથે કંઈક અલગ. એ પછી બીજી ડિશ આવી. એ પણ સ્ટાર્ટર જ હતું. પટેટો વિથ મિસો ઠેચા ઍન્ડ કૅબેજ ટૉપ વિથ પાંકો ક્રમ્સ. બ્રેડનો જે ભૂકો હોય એને ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવે. પછી બૉઇલ કરેલા બટાટાના લાંબા ટુકડા પર એને પાથરી દે. પ્લેટમાં સૌથી નીચે મિસો ઠેચા હોય. તમને ખબર જ છે કે ઠેચા મહારાષ્ટ્રની ચટણી જેવી વરાઇટી છે, પણ અહીં એને મિસો ઠેચા કહે છે અને ઠેચામાં કોઈ બીજું ઇન્ગ્રીડિયન્ટ ઉમેર્યું હતું, જેને લીધે ઠેચા સહેજ સ્વીટ લાગતું હતું. મિસો ઠેચા પછી એની ઉપર બટાટાના ચાર ટુકડા, એની ઉપર ડીપ ફ્રાય કરેલો બ્રેડનો ક્રિસ્પી ભૂકો. બહુ સરસ વરાઇટી અને અદ્ભુત ટેક્સ્ચર. એ પછી આવ્યું સ્ટાર્ટર નંબર થ્રી, સાર ડો બ્રેડ ટૉપ્ડ વિથ કૉલીફ્લાવર વેટ આમન્ડ્સ ટોમ દે બૉમ્બે. 

આ જે સારડો છે એમાં સાર એટલે ખટાશ અને ડો એટલે બ્રેડ. મતલબ કે સહેજ ખટાશવાળો બ્રેડ. બ્રેડની જે સ્લાઇસ હોય એના પર ફ્લાવર ગોબી હોય અને પછી એના પર છાલ ઉતારેલી પલાળેલા બદામના ટુકડા હોય. નામમાં તમે જે ટોમ દે બૉમ્બે વાંચ્યું એ એક જાતનું ક્રીમી ચીઝ છે જે એકાની જ બનાવટ છે. આ ક્રીમ સહેજ ગરમ હોય છે અને એ જ ગેમચેન્જર છે. આ બધા પર જાતજાતની ભાજીઓ હતી. અદ્ભુત સ્વાદ હતો. સ્ટાર્ટરનો આ દોર ચાલુ જ હતો. એ પછી આવ્યું ટૉર્ટીલા ટાકોઝ વિથ પૉમેગ્રૅનેટ સૉસ, લેમન ક્રીમ, સાબુદાણા ક્રિસ્પી ઍન્ડ અવાકાડો. મેક્સિકોમાં જે મકાઈની રોટલી બને એને ટૉર્ટીલા કહે છે, પણ એકાની ટૉર્ટીલા અલગ પ્રકારની હતી. એ ચોખાની નાની ભાખરી હતી. તમે ટાકોઝ જોયા હશે, બસ એ જ પ્રકારની અને એ જ આકારની પણ સૉફ્ટ ટાકોસ ખાતા હોઈએ એવું જ લાગે. એમાં દાડમનો સૉસ, લેમન ક્રીમ અને પછી એના પર સાબુદાણાની આપણી જે વેફર હોય એ અને એની ઉપર અવાકાડોના ટુકડા. એને તમારે ગોળ કરી રોટલીનું ભૂંગળું કરીને ખાતા હોઈએ એમ ખાવાનું. ઓહોહો... સાબુદાણાની ક્રિસ્પી વેફર અને અવાકાડોની સાથે ભળતાં બન્ને સૉસનો સ્વાદ. મજા જ મજા.

સ્ટાર્ટર પૂરાં થયાં એટલે સ્ટાર્ટર અને મેઇન કોર્સ વચ્ચેની આઇટમ આવી, જે પેલેટ ક્લેન્ઝિંગ એટલે કે તમારા સ્વાદને ન્યુટ્રલ કરવાનું કામ કરતી હોય. એ આઇટમ હતી બ્રેડ-સૅલડ, જેમાં મારવાડમાં થતા લાલ રંગના મૂળા હતા તો સાથે ગાજર પણ હતાં. અનેક જાતના બીન્સ પણ હતા. જાતજાતની ભાજીઓ પણ હતી અને એની સાથે હતું મસ્ટર્ડ એટલે કે રાઈનું અચાર હોય. બે બ્રેડ વચ્ચે આ બધું ભરીને તમને આપે, પણ મને આ વરાઇટીમાં ખાસ મજા ન આવી. બને કે પેલેટ ક્લેન્ઝિંગ વરાઇટી હતી એટલે એનો સ્વાદ એટલો સ્ટ્રૉન્ગ રાખવો જ પડે કે તમારા ટેસ્ટ બડ્સ ક્લિયર થઈ જાય. 

એ પછી શરૂ થયું મેઇન કોર્સ. મેઇન કોર્સમાં સૌથી પહેલાં આવ્યા ખીચિયા પાપડ. તમને થાય કે સાલ્લું ખીચિયા પાપડ! હા, ખીચિયા પાપડ. પાપડના છ ટુકડા કર્યા હતા અને એની ઉપર ટૉપિંગ્સ; જેમાં અન્યન જૅમ, જે મેં મારી લાઇફમાં પહેલી વાર ટેસ્ટ કર્યો તો એમાં રીંગણાં અને અવાકાડો પણ હતાં તો મેયોનીઝ સૉસ પણ હતો અને એડિબલ ફ્લાવર્સ એટલે કે ખાઈ શકાય એવાં ફૂલ પણ હતાં. એ ફૂલમાં એક જાંબલી રંગનું ફૂલ હતું તો એક પીળા રંગનું ફૂલ હતું. તમારે એ પણ ખાવાનું. ખીચિયા પાપડની ક્રિસ્પીનેસ અને જે ટૉપિંગ્સ હતાં એનો સાવ નવો જ ટેસ્ટ. આ વરાઇટીને કૉમ્પ્લીમેન્ટ કરતી એક સાઇડ ડિશ આવી હતી, જે હતી તોફુ વિથ સોય સૉસ. હા, એ જ સોયા સૉસ પણ એનું સાચું ઉચ્ચારણ સોય સૉસ છે. તોફુને સોય સૉસમાં ઝબોળેલું હોય અને એની ઉપર નાના સમારેલા લીલા કાંદાનાં પાંદડાં. ખીચિયા પાપડ સાથે આ વરાઇટી ખાતા જવાની હતી.

એ પછી આવી મેઇન કોર્સની બીજા નંબરની વરાઇટી, જે હતી પ્લેન્ટેન કરી વિથ બનાના બન. હવે આ પ્લેન્ટેન એટલે શું એ જાણવા હું તો ગયો ફરી ગૂગલબાબાના શરણે તો ખબર પડી કે પ્લેન્ટેન એટલે કાચાં કેળાં. કાચા કેળાંની ચીરીઓ કરીમાં નાખી હોય અને એની સાથે ખાવાના હોય બનાના બન એટલે કેળામાંથી બનતી એક જાતની પૂરી. આ પૂરી કેમ બને એ ટૂંકમાં સમજાવું. કેળાંનો છૂંદો કરી એમાં સાકર અને બીજાં ઇન્ગ્રીડિયન્ટ્સ મેળવવામાં આવે અને પછી એમાં મેંદાનો લોટ નાખી એની કણક બાંધી એને આઠ કલાક રાખી મૂકવામાં આવે અને એ પછી એમાંથી પૂરી બનાવવામાં આવે. એ ખાતાં મને લાગ્યું કે બનાના બન તો હવે આપણે પણ ઘરે બનાવવાનું શરૂ કરવું જોઈએ. તમે શોધશો તો સોશ્યલ મીડિયા પર એની રેસિપી મળી જશે. જોઈ લેજો. બનાના બન અને કાચાં કેળાંની પેલી કરીનું કૉમ્બિનેશન મસ્ત હતું. અરે હા, આની સાથે પણ સાઇડ ડિશ આપવામાં આવી હતી જેમાં પાલકની આખી ઝૂડી પણ વ્યવસ્થિત રીતે કાપેલી હતી. પાલક ઉપર ક્રીમ અને એની ઉપર આંબલીનું પાણી હતું. જલસો પડી જાય એવું એ કૉમ્બિનેશન હતું. આ સાથે જ અમારો મેઇન કોર્સ પૂરો થયો અને આવ્યો વારો ડિઝર્ટનો.

ડિઝર્ટમાં આઠ અલગ-અલગ જાતની ચૉકલેટ હતી, જેના ફૉર્મ જુદા-જુદા હતા. કોઈ સૉલિડ હોય, કોઈ લિક્વિડ હોય, કોઈ પાઉડર ફૉર્મમાં હોય. સ્વાદ પણ જુદો. કોઈ સ્વીટ તો કોઈ થોડી કડવી તો એક તો ખાટી ચૉકલેટ પણ હતી. આ તમામ ચૉકલેટ અલગ-અલગ ટેમ્પરેચર પર બનાવવામાં આવી હતી. એની સાથે ખાવા માટે આઇસક્રીમ પણ હતો.

હવે આવીએ જરા પ્રાઇસની વાત પર પણ એ પહેલાં સ્વાદને પ્રામાણિક રહીને કહી દઉં, એકામાં જવું જોઈએ. નવો જ અનુભવ હતો. ટેસ્ટિંગ મેનુની પ્રાઇસ વ્યક્તિદીઠ ૪પ૦૦ રૂપિયા હતી. મને લાગે છે કે ૪પ૦૦ રૂપિયા બહુ મોટી રકમ છે, પણ સ્પેશ્યલ ઓકેઝન પર ૪પ૦૦ રૂપિયા ખર્ચીએ તો કંઈ ખોટું પણ નથી. જો મૅરેજ-ઍનિવર્સરી આવતી હોય અને વાઇફને આવી રેસ્ટોરાંની સરપ્રાઇઝ આવી હોય તો ચોક્કસ તેને ગમે. હવે કરું બીજી વાત. આવી રેસ્ટોરાંમાં જો જવાનું બને તો વહેલા જાઓ. ડિનર લેવું હોય તો આઠેક વાગ્યે પહોંચી જવું અને બે આઇટમ વચ્ચે થોડો ગૅપ રાખીને ડિનર બેત્રણ કલાક ચલાવવું. જો એવું કરશો તો એક તો તમારી વ્યક્તિ સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકશો અને તમે બધી આઇટમ પ્રેમથી માણી શકશો.

life and style Gujarati food indian food mumbai food Sanjay Goradia columnists