01 March, 2025 06:03 PM IST | Mumbai | Darshini Vashi
સ્કુઝો આઇસ ‘ઓ’ મૅજિક
ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે એવામાં જો તમને મનગમતાં ફ્રૂટની પૉપ્સિકલ ખાવા મળી જાય તો કેવી મજા પડે નહીં? અને એમાં જો તમે તમારી નજરની સામે એને બનતી જુઓ તો પછી એ ખાવાની મજા જ બમણી થઈ જાય છે. જોકે આ કન્સેપ્ટ આપણે ત્યાં હજી એટલો ફૂલ્યોફાલ્યો નથી પણ અમુક ઠેકાણે લાઇવ પૉપ્સિકલનો કન્સેપ્ટ શરૂ થઈ ગયો છે. મુંબઈમાં રહેતા હો અને પૉપ્સિકલના ફૅન હો તો તમારે આ લાઇવ પૉપ્સિકલ ટેસ્ટ કરવા માટે વાશી સુધી લાંબા થવું પડે, કેમ કે અહીં લાઇવ પૉપ્સિકલ બનાવીને સર્વ કરવામાં આવે છે એટલું જ નહીં, અહીં આઇસક્રીમ સહિત અને ફ્રોઝન ડિઝર્ટની વરાઇટી અને બીજું ઘણુંબધું મળી રહ્યું છે.
જામુન પૉપ્સિકલ
જિલાટો અને લાઇવ-પૉપ્સિકલ બ્રૅન્ડ ‘સ્કુઝો આઇસ ‘ઓ’ મૅજિક’એ વાશીમાં થોડા મહિના પહેલાં જ એક આઉટલેટ શરૂ કર્યું છે. અહીં લાઇવ પૉપ્સિકલ સર્વ કરવાની સાથે ફ્રોઝન ડિઝર્ટની અવનવી વરાઇટી પણ મળે છે. અહીં તમને તમારી નજર સામે પૉપ્સિકલ્સ બનતી જોવા મળશે. સામાન્ય રીતે પહેલેથી જ તૈયાર પૉપ્સિકલ્સ જ વેચાતી હોય છે, પરંતુ અહીં તમે તમારી જાતે ફળોની પસંદગી કરીને એ જ ફળોમાંથી તમારી નજર સમક્ષ પૉપ્સિકલ બનતી જોઈ શકો છો. માત્ર પૉપ્સિકલ જ નહીં પણ અહીં જિલાટો, ક્રન્ચી વૉફલ્સ, ફ્લફી પૅનકેક, ક્રીમી મિલ્કશેક, સૉર્બે, સન્ડેઝ વગેરે પણ મળે છે. આ તમામ વસ્તુઓ અહીં ફ્રેશ ફળોમાંથી બનાવવામાં આવતી હોવાનું કહેવાય છે. તેમ જ એની અંદર કોઈ પણ પ્રકારનાં રસાયણો અને પ્રિઝર્વેટિવ્સ વપરાતાં ન હોવાનું પણ કહેવાય છે.
બ્રાઉની વિથ જિલાટો
અહીંની જિલાટો પણ ઘણી વખણાય છે જે સ્મૂધ અને ક્રીમી હોય છે. વૉફલ્સ બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય તો વધારે ટેસ્ટી લાગે છે. આની અંદર પણ એવું જ છે જેની ઉપર પુષ્કળ ટૉપિંગ નાખવામાં આવે છે. પણ સૌથી બેસ્ટ જિલાટો સાથે સર્વ કરવામાં આવતી સિઝલિંગ બ્રાઉની છે. ઠંડા અને ક્રીમી જિલાટો સાથે ગરમાગરમ પીરસાતી બ્રાઉની જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. કાળા જામુનની પૉપ્સિકલ અહીં સૌથી વધુ વેચાતી આઇટમ છે.
ક્યાં આવેલું છે? : સ્કુઝો આઇસ ‘ઓ’ મૅજિક, માણેક કૉમ્પ્લેક્સ, પ્રેસ્ટિજ સ્પોર્ટ્સની બાજુમાં, સેક્ટર 29, વાશી, નવી મુંબઈ