31 October, 2025 12:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રસોઈમાં ટમેટાની ખટાશને દૂર કરીને મીઠાશ કેવી રીતે લાવશો?
ટમેટાની પેસ્ટ અથવા પ્યુરી સીધી શાકમાં ઉમેરવાને બદલે થોડી વાર તેલમાં ધીમા તાપે શેકો. થોડી બ્રાઉન થાય એટલે સમજવું કે ખટાશ દૂર થઈ ગઈ છે.
ટમેટાની પ્યુરીમાં કાજુની પેસ્ટ, કોપરાનું દૂધ અથવા થોડી ફ્રેશ ક્રીમ ઉમેરશો તો શાકનું ટેક્સ્ચર સ્મૂધ થશે. આમ કરવાથી ખટાશ ઓછી થશે અને વાનગી વધુ સ્વાદિષ્ટ બનશે.
જો તમારી પાસે રાંધવાનો પૂરતો સમય હોય તો ટમેટાની ગ્રેવીને ધીમા તાપે ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી ઊકળવા દો અને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેલ છૂટું ન પડે. આ રીતે રાંધવાથી ટમેટામાં રહેલું ઍસિડ ઓછું થાય છે અને સ્વાદ થોડો કૅરૅમલાઇઝ એટલે કે મીઠો થાય છે.
જો ટમેટાં બહુ ખાટાં હોય તો એક કાચું બટેટું મોટા ટુકડામાં કાપીને શાકમાં નાખો. ૧૦થી ૧૫ મિનિટ સુધી એને ધીમા તાપે રાંધો. આમ કરવાથી ગ્રેવીની ખટાશ બટેટું શોષી લે છે અને પીરસતા પહેલાં બટેટાને બહાર કાઢી લો. આ સૌથી સરળ અને ક્વિક રેમેડી છે.