11 September, 2025 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્રાઉની બાઇટ્સ
આ રેસિપીને આપણે ૩ ભાગમાં બનાવીશું
ભાગ 1 - બ્રાઉની - સામગ્રી : ૧ કપ મેંદો, ૧/૪ કપ કોકો પાઉડર, ૧/૨ કપ સાકર, ૧/૨ ચમચી ઈનો સોડા, ૧/૪ કપ તેલ, ૧/૪ કપ દહીં અને પાણી.
રીત : એક બાઉલમાં તેલ, દહીં અને સાકર નાખી મિક્સ કરો. સાકર ઓગળી જાય એટલે એમાં મેંદો, કોકો પાઉડર અને પાણી ઉમેરીને થિક ખીરું તૈયાર કરવું. એક બેકિંગ ટ્રેમાં તેલવાળો હાથ ફેરવી એના પર મેંદો અથવા બટર પેપર લગાવી તૈયાર કરો. બ્રાઉનીના ખીરામાં ઈનો સોડા ઉમેરી એને મિક્સ કરીને બેકિંગ ટ્રેમાં નાખી એને માઇક્રોવેવમાં ૩ મિનિટ માટે માઇક્રો કરો અથવા અવનમાં ૧૮૦ ડિગ્રી પર ૧૫થી ૨૦ મિનિટ માટે બેક કરો અથવા ગૅસ પર મોટી કડાઈમાં ૧ કપ મીઠું મૂકી એને ગરમ કરી એના પર બેકિંગ ટ્રે મૂકી એને ઢાંકીને ધીમા તાપે ૨૦ મિનિટ બેક કરો. છેલ્લે એમાં ચાકુ નાખી ચેક કરો. જો ચાકુ ક્લીન નીકળે તો બ્રાઉની તૈયાર છે. બ્રાઉની ઠંડી પડે પછી એને એક ઇંચના ટુકડામાં કટ કરી લેવી.
ભાગ 2 - ચૉકલેટ કોટિંગ - સામગ્રી : ૧૦૦ ગ્રામ ડાર્ક ચૉકલેટ સ્લૅબ (બજારમાં ચૉકલેટના તૈયાર સ્લૅબ મળે છે, જે ચૉકલેટ કમ્પાઉન્ડના નામથી ઓળખાય છે)
રીત : ડાર્ક ચૉકલેટના ટુકડા કરી એને ૩૦ સેકન્ડ માટે માઇક્રો કરો અથવા ગૅસ પર એક તપેલીમાં પાણી ગરમ કરો. પછી એના પર ચૉકલેટનો બાઉલ મૂકી ચૉકલેટને મેલ્ટ કરી લો.
હવે મેલ્ટ થયેલી ચૉકલેટમાં બ્રાઉનીનો એક ટુકડો બોળીને ડિશમાં મૂકો. આ રીતે બ્રાઉનીના દરેક ટુકડાને ચૉકલેટથી કોટ કરી લેવા.
ભાગ 3 - ડેકોરેશન - સામગ્રી : વરખ, શુગર બૉલ્સ, હાર્ટ શેપના શુગર બૉલ્સ, બિસ્કિટનો ચૂરો અથવા મેલ્ટ કરેલી ચૉકલેટને કોનમાં ભરી તૈયાર બ્રાઉની બાઇટ્સ પર આડી-ઊભી લાઇન્સ કરવી. તમારી પાસે જે પણ સામગ્રી હોય એ તમે ડેકોરેશન માટે વાપરી શકો છો.
-કાજલ ડોડિયા