સાઉથ ટિફિન સર્વિસમાં નક્કી જલસો પડશે

06 September, 2025 01:13 PM IST  |  Mumbai | Sanjay Goradia

બોરીવલીમાં આવેલી આ રેસ્ટોરાંમાં અનેક અનોખી સાઉથ ઇન્ડિયન વરાઇટી મળે છે

સંજય ગોરડિયા

મારા નવા નાટકનાં રિહર્સલ્સ બોરીવલીના પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમમાં ચાલે છે. રોજ સાંજે છથી દસના રિહર્સલ્સ હોય પણ હમણાં અમારે થયું એવું કે નાટકનું મ્યુઝિક તૈયાર કરવાનું હતું એટલે નક્કી કર્યું કે બપોરે બે વાગ્યાથી આપણે બેસી જવું. હું તો નીકળ્યો એક વાગ્યે ઘરેથી. હતો ભૂખ્યો પણ મનમાં હતું કે કંઈક કટકબટક કરી લઈશ, પણ મારા નસીબમાં મસ્ત જમવાનું જ લખ્યું હતું.

બન્યું એવું કે અમારા જે મ્યુઝિક-ડિરેક્ટર છે એ રાહુલ ભટ્ટનો મને ફોન આવ્યો કે તેને પહોંચતાં ત્રણ વાગશે એટલે મારી ટીમના બેત્રણ મેમ્બરોએ કહ્યું કે ચાલો આપણે હવે શાંતિથી જમી આવીએ. મારા સાથી કલાકાર નીલેશ પંડ્યાએ મને કહ્યું કે હું તમને સરસ જગ્યાએ લઈ જાઉં અને અમે ગયા સાઉથ ટિફિન હાઉસમાં.

બોરીવલીમાં ચંદાવરકર રોડ પર જાંબલી ગલીના કૉર્નર પર આવેલી આ રેસ્ટોરાંમાં જવાનો મારો કોઈ પ્લાન નહોતો પણ મને અનાયાસ જ આ જગ્યા મળી ગઈ અને એનો સ્વાદ એટલો સરસ હતો કે મને થયું કે મારે તમારી સામે આ જગ્યા મૂકવી જ જોઈએ. અહીં જાતજાતની સાઉથ ઇન્ડિયન વરાઇટી હતી. થટ્ટે ઇટલી, ઘી-પોડી મિની ઇડલી, આંધ્ર મસાલા ઇડલી, રાગી ઇડલી અને એવી તો અનેક વરાઇટી હતી. મને સૌથી મોટો ફાયદો એ થયો કે અમે ચાર જણ હતા એટલે મેં બધાને કહી દીધું કે બધા અલગ-અલગ મગાવજો જેથી મને મૅક્સિમમ આઇટમ ચાખવા મળે.

અમે રાગી ઇડલી મગાવી. રાગી ઇડલી મને આમ પણ બહુ ભાવે. અહીંની રાગી ઇડલી પણ બહુ સરસ હતી. એ પછી મેં આંધ્ર મસાલા ઇડલી ટ્રાય કરી. આ જે આંધ્ર મસાલા ઇડલી હતી એમાં મિની ઇડલી હતી જેને રોસ્ટ કરવામાં આવી હતી અને એની ઉપર આંધ્રનો ખાસ મસાલો છાંટવામાં આવ્યો હતો. ઇડલી સાથે ચટણી અને સાંભાર હતાં.

સાઉથ ટિફિન હાઉસમાં જે સાંભાર છે એ પ્રમાણમાં ગળ્યો છે, જેના માટે મને એવું લાગે છે કે લોકાલિટીનો પ્રભાવ હશે. બોરીવલીમાં મોટા ભાગના ગુજરાતી રહે અને ગુજરાતીઓનો સાંભાર ગળ્યો હોય છે. ઍનીવે, એ ગળ્યો સાંભાર પણ સારો જ હતો પણ હા, મેં આ નોટિસ કર્યું એટલે તમને કહું છું.

અહીં રસમ-વડાં પણ હતાં. રસમ એકદમ ઑથેન્ટિક હતો. એમાં જે ખટાશ હતી એ કોકમની હતી અને રસમમાંથી કોકમની સોડમ પણ આવતી હતી.

સાઉથ ટિફિન સર્વિસમાં અમુક શ્રીલંકન સાઉથ આઇટમ પણ હતી જેમાંથી અમુક આઇટમ અમે મગાવી પણ ખરી. શ્રીલંકન કરી ઇડલીની વાત કરું તો આ જે શ્રીલંકન કરી છે એ નારિયેળના દૂધમાંથી બને. એમાં વેજિટેબલ્સ પણ નાખ્યાં હોય. કરીમાં ઇડલી નાખે અને આપે. હા, આ શ્રીલંકન કરીને આપણે ત્યાં ઓરમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધી આઇટમોની સાથે ત્યાં ચૉકલેટ ઢોસા ને ચીઝ ઢોસા જેવી ફાલતુ આઇટમો પણ હતી. આ ઉપરાંત મેં એ પણ જોયું કે ત્યાં પાંઉભાજી પણ મળતી હતી. આ હમણાં-હમણાં શરૂ થયું છે. સાઉથ ઇન્ડિયન આઇટમની સાથોસાથ પાંઉભાજી પણ મળતી હોય. મને આ યોગ્ય નથી લાગતું પણ આ મારી વાત છે, બીજાને બરાબર લાગતું હોય તો પણ કંઈ ખોટું નથી. છેલ્લે મેં થટ્ટે ઇડલી ટ્રાય કરી. આ થટ્ટે ઇડલી ચપટી અને પહોળી હોય. થટ્ટે ઇડલી મોટી પણ હોય અને ખૂબ સૉફ્ટ પણ હોય. થટ્ટે ઇડલી પર શેઝવાન સૉસ નાખી ચટણી અને સાંભાર સાથે આપે.

સાઉથ ટિફિન સર્વિસની મુંબઈનાં બીજાં સબર્બમાં પણ બ્રાન્ચ છે. ગૂગલબાબાને પૂછશો તો તમારી નજીકની બ્રાન્ચ મળી જશે. કાં તો એ નજીકની બ્રાન્ચમાં અને કાં તો બોરીવલીની મેં તમને કહી એ જગ્યાએ આવીને એક વાર ટ્રાય કરજો. તમને જલસો પડશે.

borivali mumbai food news food and drink indian food mumbai food life and style columnists gujarati mid day Sanjay Goradia