Summer Special: ડાયાબિટીસથી લઈને આંખોની સમસ્યાનો કાચી કેરી છે રામબાણ ઇલાજ

05 May, 2022 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કાચી કેરી ખાવાથી આપણા શરીરને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ મળે છે

કાચી કેરી

ઉનાળો એટલે ફળોના રાજા કેરીની સિઝન. એકંદરે લોકોને પાકી કેરી ખાવાનું પસંદ હોય છે, પરંતુ કેટલાકને પાકી કેરી કરતાં પણ કાચી કેરી ખાવાનો શોખ હોય છે. ભારતીયમાં કાચી કારીનો ઉપયોગ ઘણી રીતે થાય છે. આ ફળ સ્વાદમાં જેટલું સ્વાદિષ્ટ છે તેટલું જ આપણા શરીર માટે ફાયદાકારક છે. કાચી કેરી ખાવાથી આપણા શરીરને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ મળે છે અને તેનો ઉપયોગ ઘરગથ્થુ ઉપચારમાં ઘણા વર્ષોથી કરવામાં આવે છે. કાચી કેરી આંખોની સમસ્યા, ડાયાબિટીસ લૂ જેવી અનેક તકલીફો સામે લડવામાં મદદ કરે છે. તો ચાલો આ લેખમાં આજે આપણે કાચી કેરી ખાવાના અઢળક ફાયદા વિશે જાણીએ.

૧. ડિહાઈડ્રેશનથી બચાવે

ઉનાળામાં કાચી કેરી ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણા શરીરને ડીહાઈડ્રેશન, હીટ સ્ટ્રોકથી પ્રભાવિત થવાથી બચાવે છે અને શરીરમાં પાણીની ઉણપ થતી નથી. કાચી કેરીને પાણીમાં ઉકાળીને, તેને નીચોવી, સાકર અને જીરું મિક્સ કરી, પીણું બનાવ્યા પછી પીવાથી ઉનાળામાં તાપમાનની અસરનું જોખમ ઓછું થાય છે. ઉનાળામાં વધુ પડતા પરસેવાની સમસ્યા પણ કાચી કેરીનું પાણી પીવાથી દૂર થાય છે.

૨. પેટની કબજિયાત, ગેસ દૂર કરે છે

ઉનાળામાં ગેસ, એસિડિટી, પેટની સમસ્યાઓ કાચી કેરીના સેવનથી દૂર કરી શકાય છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કાચી કેરીમાં હાજર ફાઈબર કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય કાચી કેરી ખાવાથી આપણા શરીરમાં પાણીની ઉણપ પણ દૂર થાય છે, જેના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે. કાચી કેરીમાં હાજર પેક્ટીન આપણા આંતરડાને સાફ કરે છે, જે પેટની સમસ્યાઓ દૂર કરે છે. કાચી કેરીના શરબતમાં એક ચપટી મીઠું અને જીરું પાવડર ભેળવીને પીવાથી કબજિયાત અને ગેસની સમસ્યામાં આરામ મળે છે.

૩. લોહીના વિકાર દૂર કરે છે

શરીરમાં લોહીની વિકૃતિઓના કારણે આપણે બ્લડ કેન્સર, કોલેરા, ક્ષય જેવા અનેક ગંભીર રોગોનો ભોગ બનીએ છીએ. તમે કાચી કેરીનું સેવન કરીને આ જોખમોથી બચી શકો છો. આ સિવાય શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થાય છે. તેથી જે લોકોને રક્ત સંબંધી સમસ્યાઓ હોય તેમણે કાચી કેરીને તેમના આહારમાં સામેલ કરવી જોઈએ.

૪. ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે

કાચી કેરી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે. માત્ર કાચી કેરી જ નહીં, આંબાના ઝાડના દરેક ભાગ, મૂળ, ફૂલ, છાલનો ઉપયોગ કોઈને કોઈ રીતે રોગની સારવારમાં થાય છે. NCBI દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે આંબાના ઝાડના દરેક ભાગમાં એન્ટિબાયોટિક અસર હોય છે. આ અસર બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. કાચી કેરી છાલ સહિત પાણીમાં ઉકાળીને, આ પાણીને ગાળીને, કાળા મરી, સિંધવ મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

૫. આંખો માટે કાચી કેરી ફાયદાકારક

કાચી કેરીનું સેવન તમારી આંખો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાચી કેરીમાં વિટામીન A ભરપૂર પ્રમાણમાં મળે છે, જે આપણી આંખોની તંદુરસ્તી માટે જરૂરી છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વિટામીન Aની ઉણપથી આંખ સંબંધી રોગની સંભાવના રહે છે. કાચી કેરીનું સેવન કરવું આપની આંખો માટે અનેક રીતે લાભદાયી છે. જોકે આ મામલે હજુ પણ અને સંશોધનની જરૂર છે તેમ છતાં ફળોનું સેવન આપણા શરીર માટે ફાયદાકારક છે.

૬. રોગપ્રતિકારક શક્તિ વધારે

કાચી કેરી ખાવાનો ફાયદો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ જોવા મળે છે. કેટલાક અભ્યાસોમાં એવું બહાર આવ્યું છે કે કેરીમાં ઇમ્યુનોમોડ્યુલેટરી અસર હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને શરીરમાં હાજર હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરવામાં મદદ કરે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તે લોકોએ તેમના આહારમાં કાચી કેરીનો સમાવેશ કરવો જોઈએ કારણ કે નબળી રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરમાં ઘણા રોગોનું કારણ બને છે.

૭. વજન ઘટાડવામાં પણ ફાયદાકારક

કાચી કેરી ખાવાનો ફાયદો આપણા શરીરનું વજન ઘટાડવામાં પણ જોવા મળે છે. કાચી કેરી ફાઈબર, વિટામીન અને કેરોટીનનો સારો સ્ત્રોત છે. કાચી કેરી ખાવાથી આપણા શરીરની પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે, જેનાથી મેટાબોલિઝમ સુધરે છે, જેના કારણે આપણા શરીરની વધારાની ચરબી ઓછી થવા લાગે છે અને ધીમે-ધીમે આપણા શરીરનું વજન ઓછું થવા લાગે છે.

૮. દાંત અને પેઢા માટે ફાયદાકારક

કાચી કેરીનું સેવન આપણા દાંત અને પેઢા માટે પણ ફાયદાકારક છે. કાચી કેરીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી હોય છે જે આપણા દાંતને મજબૂત બનાવે છે. કાચી કેરી ચાવવાથી આપણા દાંત સાફ થાય છે અને શ્વાસની દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે. પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા પણ કાચી કેરી ખાવાથી દૂર થાય છે.

૯. વાળની સમસ્યા માટે પણ ઉપયોગી

કાચી કેરી વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે તમારા વાળ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાચી કેરીનો રસ કાઢીને તેને કોપરેલમાં ભેળવીને લગાવવાથી વાળનો વિકાસ થાય છે. તેનો રસ વાળમાં લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા ઓછી થાય છે. કાચી કેરી અને એલોવીરાના પલ્પને પીસીને તેની પેસ્ટ બનાવીને વાળમાં લગાવવાથી વાળ લાંબા અને ઘેરા બને છે.

૧૦. સ્કર્વી રોગથી પણ બચાવે છે

કાચી કેરીનું સેવન કરવાથી સ્કર્વી રોગ થવાની શક્યતાઓ ઘટાડી શકાય છે. સ્કર્વી રોગ વિટામિન સીની ઉણપથી થાય છે. કાચી કેરીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આ રોગ થવાનું જોખમ ઘટાડે છે.

life and style indian food Gujarati food