Sunday Snacks: ગલી બોય ફેમ સિદ્ધાંત ચતુર્વેદીની આ છે ફેવરેટ પરાઠા પ્લેસ

02 March, 2024 11:00 AM IST  |  Mumbai | Karan Negandhi

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો વિલેપાર્લેની સિદ્ધાંત ચતુર્વેદીની ફેવરેટ પરાઠા પ્લેસના પરાઠા

તસવીર: ખાસિયતનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

ગલી બોયમાં રેપરની ભૂમિકા ભજવીને પ્રસિદ્ધિ મેળવના અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi)ના ઇન્ટરવ્યૂની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે. આ ક્લિપમાં તે પોતાને પ્રિય એવી પરાઠા પ્લેસ વિશે વાત કરી રહ્યો છે. એક સવાલનો જવાબ આપતા તે કહી રહ્યો છે કે, તે નાસ્તામાં બાફેલા ઈંડા અને ઓટ્સ સિવાય, સમયાંતરે સ્ટફ્ડ પરાઠા ખાવામાં માને છે. તેણે સ્ટફ્ડ પરાઠા માટે તેની ફેવરેટ જગ્યા પણ શેર કરી છે.

સિદ્ધાંતે વિલેપાર્લે સ્થિત ‘ખાસિયત ધ પરાઠા હાઉસ’ (Khaasiyat The Paratha House)નું નામ લેતા કહ્યું કે અહીં તે ઘણીવાર પરાઠા ખાવા જાય છે. મૂળ તો પરાઠાનું ચલણ ઉત્તર ભારતમાં વધુ છે અને વિલેપાર્લે સ્થિત આ જગ્યા તેના ઑથેન્ટિક નોર્થ સ્ટાઈલ પરાઠા માટે જાણીતી છે. આ પ્રતિભાશાલી અભિનેતા પાસેથી જગ્યાના વખાણ સાંભળ્યા બાદ હવે મન લાલચાયું અને અમે પણ પહોંચી ગયા ‘ખાસિયત ધ પરાઠા હાઉસ’.

દસરથલાલ જોશી રોડ પર પવન હંસ નજીક આ જગ્યા (Sunday Snacks) આવેલી છે. લોકેશન ગૂગલ પર મળી જશે અથવા કોઈને પૂછશો તો એ પણ પહોંચાડી દેશે. અહીં કૉઝી ઇનડોર સિટિંગ ઉપલબ્ધ છે. સતત વિદ્યાર્થીઓથી ઘેરાયેલું રહેતું આ રેસ્ટોરન્ટ તેના ક્લાસિક અને ફ્યૂઝન પરાઠા માટે જાણીતું છે. અહીં આલુ અને ગોભી જેવા ક્લાસિક અને પાલક-પનીર પરોઠા જેવા અટપટા અને ચટપટા પરાઠા મળે છે. અહીં સૌથી ફેમસ છે ચીઝચીલી પરાઠા.

ખાસિયતની ખાસિયત તેના પરાઠા તો છે જ, પણ આ પરાઠા જે વાનગીઓ સાથે સર્વ થાય છે, તે પણ છે. અહીં બધા જ પરાઠા છોલે, દાલમખની, રાયતું, સલાડ અને અથાણાં સાથે પીરસવામાં આવે છે. ખાસિયત એક બજેટ ફ્રેન્ડલી જગ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓને ખાસ અલગથી ૧૦ ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. પરાઠા સાથે જ આ જગ્યા છોલે-ભટૂરે અને ચાટ માટે જાણીતી છે.

તો હવે આ રવિવારે ખાસિયતના ખાસ પરાઠા ખાવાનું ચૂકતા નહીં. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

sunday snacks Gujarati food mumbai food indian food life and style siddhant chaturvedi karan negandhi