Sunday Snacks: મુલુંડના ફેમસ મસાલા વડાપાઉંનું આ સિક્રેટ જાણો છો?

17 February, 2024 02:57 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો મુલુંડના સુપર ફેમસ કાલિદાસની સામે મળતાં મસાલા વડાપાઉં

તસવીર: મૅપ્સ

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

મુંબઈનું ગૉ ટુ ફૂડ એટલે વડાપાઉં. આમ તો વડા સમાન મસાલા અને વસ્તુઓમાંથી બને છે, પણ તો પણ દરેક ગલીએ તેનો સ્વાદ બદલાય છે. દરેક ગલીમાં વડાપાઉં (Vada Pav)નું પોતાનું અલગ વર્ઝન અને ફ્લેવર મળે છે. મુંબઈની આવી જ એક જગ્યા છે, જ્યાંનું વડાપાઉં મુંબઈના બેસ્ટ વડાપાઉંના લિસ્ટમાં આવે છે અને જ્યારથી આ કૉલમ (Sunday Snacks) શરૂ થઈ છે મિત્રોએ અહીંનું વડાપાઉં ચાખવાનો ખૂબ જ આગ્રહ કર્યો છે.

આટલું બધુ નામ અને વખાણ સાંભળ્યા પછી પણ આ વડાપાઉં મિસ થઈ જાય તો કેમ ચાલે? એટલે ફાઇનલી જવાનું થયું મુલુંડ. હા, આજે વાત કરવાની છે મુલુંડના સુપર ફેમસ મસાલા વડાપાઉં (Mulund’s Famous Masala Vada Pav)ની. મુલુંડનું કાલિદાસ ઑડિટોરિયમ કોઈ માટે નવું નથી અને કાલિદાસ ઑડિટોરિયમની બરાબર સામે વર્ષોથી લોકો મસાલા વડાપાઉંની જ્યાફત ઉડાવે છે.

પહેલાં તો લોઢી પર બટર નાખી, એ મેલ્ટ થાય એટલે એમાં કાંદા-ટામેટાંની લસણવાળી ગ્રેવી નાખી ઉપરથી ગરમ મસાલા અને બીજા મસાલા નાખી તેને બરાબર કૂક કરવામાં આવે છે, પછી ઉપરથી કોથમમીર નાખે. આ ગ્રેવી જોતાં જ મોઢામાં પાણી આવવાનું શરૂ થઈ જાય. હવે આ તૈયાર ગ્રેવીમાં પાઉં શેકી લેવામાં આવે. આ ગ્રેવી એમ તો ઘટ્ટ હોય છે એટલે પાઉં સૉગી ન થઈ જાય. પાઉં શેકાય જાય એટલે વચ્ચે ચીઝ (જો ચીઝ વાળું મગાવો તો)નો વરસાદ કરી ઉપરથી વડું મૂકીને ફરી ચીઝનો વરસાદ વરસાવાય અને તૈયાર છે એ વડાપાઉં જેના ખૂબ વખાણ સૌએ સાંભળ્યા છે.

આ વડાપાઉં સર્વ કરાય છે સ્પેશિયલ કોપરાની અને લીલી ચટણી સાથે જે મસાલા વડાપાઉં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેના સ્વાદમાં ચાર ચાંદ ઉમેરી દે છે. સવારે ૯ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી આ જગ્યા ધમધમતી રહે છે.

તો હવે આ રવિવારે જજો કાલિદાસના વડાપાઉં ખાવા આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

sunday snacks mumbai food Gujarati food indian food mulund life and style karan negandhi