Sunday Snacks: સુરતની આ ઢોકળા બ્રાન્ડ મુંબઈમાં મચાવી રહી છે ધૂમ

03 February, 2024 12:16 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો કાંદિવલીના સ્પેશિયલ મકાઈના ઢોકળા

તસવીર: ગૂગલ

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

ડાયમંડ માર્કેટમાં સુરતની કેટલી બોલબાલા થશે એ વાતનો તો બહુ ખ્યાલ નથી, પણ એક બિઝનેસ એવો છે, જેમાં સુરતને કોઈ પછાડી શકે એમ નથી અને એ છે ખાણીપીણીનો. ખમણ, ઢોકળા, ઇદડાં અને તેની અન્ય તમામ વેરાયટી માટે ફેમસ એટલે ગુજરાતનું આ શહેર હુરત (સુરત). મુંબઈમાં એવી અનેક દુકાનો અને સ્ટૉલ્સ છે, જેઓ દરરોજ સુરતથી ખમણ મગાવે છે, તેમના કેટલાક આપણે વિઝિટ પણ કર્યા છે. પણ આજે વાત કરવાની છે એક એવી જગ્યાની જે સુરતથી જ અહીં આવી છે.

સન્ડે સ્નૅક્સ (Sunday Snacks)ની ફૂડી જર્નીને આગળ વધારતા આજે અમે પહોંચી ગયા રાધે ઢોકળા. કાંદિવલીમાં મહાવીરનગરની બાજુમાં આવેલા સત્યાનગર વિસ્તારમાં રાધે ઢોકળાની બહુ મોટી દુકાન છે. ગૂગલ મેપ પર સર્ચ કરશો તો પણ લોકેશન મળી જશે, બાકી મહાવીરનગરમાં જઈને કોઈને પણ રાધે ઢોકળા (Radhe Dhokla)નું નામ આપશો તો એ પણ તમને પહોંચાડી દેશે. અહીં તમને ઢોકળાની એ બધી જ વેરાયટી મળી જશે જે તમે વિચારી હશે (નહીં વિચારી હોય એ પણ).

રાધે ઢોકળાની ખાસિયત છે તેમના સ્પેશિયલ ઢોકળા ચણાના લોટમાંથી નહીં, પણ મકાઈમાંથી બને છે. હા, મકાઈમાંથી - મકાઈના લોટના નહીં. મકાઈને બાફીને એમાંથી બનાવ્યાં હોય એવાં આ ઢોકળાં પીરસવાની રીત પણ અદ્ભુત છે. પહેલાં તો ગરમાગરમ ઢોકળાં પર સીંગતેલ નાખી, એના પર તજ અને લવિંગનો ઑરેન્જ કલરનો મસાલો છાંટે અને તમને આપે. સાથે જ તેમની સ્પેશિયલ લીલી ચટણી.

અહીં ઢોકળાં સાથે જે ચટણી મળે છે તેની મજા કંઈક જુદી જ છે. ખમણને ક્રશ કરી તેમાં આદુ, મરચાં અને બીજા મસાલા નાખીને એકદમ ઘાટી ચટણી બનાવવામાં આવે. ગળપણ પણ ખરું જ. ઘાટ્ટો લીલો રંગ લાવવા માટે ચટણીમાં પાલકની ભાજી પણ નાખવામાં આવે છે, પણ પાલકનો સ્વાદ જરાય વર્તાશે નહીં.

રાધે ઢોકળામાં તમને પાત્રાં, રસાવાળાં પાત્રાં, ઈદડાં, લીલું લસણ નાખીને વઘારેલા ઈદડાંથી માંડીને ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ મળી જશે. અહીં પંજાબી અને ગુજરાતી શાક પણ મળે છે અને એ પણ કિલોના ભાવે. એટલે તમે ઘરે પરોઠાં કે રોટલી બનાવી લો અને પછી અહીં શાક લઈ આવો કે મગાવવી લો મજા પડી જાય. ૩૦૦ ગ્રામ, અડધો કિલો અને એક કિલોના પેકિંગમાં અહીં બધા જ શાક મળે છે.

વાત કરતાં મને ખબર પડી કે રાધેની શરૂઆત સુરતમાં જ થઈ હતી. આજે પણ સુરતમાં રાધે ઢોકળાની પાંચ બ્રાન્ચ છે. આ દુકાન પણ સુરતના જ લોકો ચલાવી રહ્યા છે.

તો હવે આ રવિવારે રાધે ઢોકળા જરૂર જજો અથવા ઑનલાઈન ઑર્ડર કરીને પણ આ ઢોકળા ખાવાનું નહીં ચૂકતા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

sunday snacks Gujarati food mumbai food indian food kandivli life and style karan negandhi