10 January, 2026 08:29 PM IST | Surat | Sanjay Goradia
જલારામ ખમણમાં અમારે પૂછવું પડ્યું, તમારી પાસે શું વધ્યું છે?
આજકાલ મારી સુરતની સવારી ચાલુ છે. હું સુરત જાઉં એટલે સવારનો નાસ્તો તો અમે હોટેલમાં જ પતાવી નાખીએ પણ પછી બપોરના લંચની વાત આવે એટલે મને કીડા ચડે. આ ગુજરાતી થાળીથી હું કંટાળ્યો છું એટલે સુરતમાં હું કંઈક ને કંઈક નવું શોધવા માટે નીકળી પડું. આ વખતે પણ મેં એવું જ કર્યું. મારા સાથી કલાકાર નીલેશ પંડ્યા અને હું તો નીકળી ગયા એસ. પી. સવાણી રોડ પર. આ રોડ પર જલારામ ખમણ છે. જલારામ ખમણ ખાસ્સું જૂનું અને સુરતનું બહુ જાણીતું નામ.
વાત આગળ વધારતાં પહેલાં કહું કે દરેક શહેરમાં એક ખાસિયત હોય કે જેનું નામ વધારે પૉપ્યુલર થયું હોય એના નામની બીજી જગ્યાઓ ફૂટી નીકળે. સુરતમાં પણ જલારામ ખમણના નામની અઢળક દુકાનો છે પણ એ બધી આ હું જેની વાત કરું છે એ જલારામ ખમણની બ્રાન્ચ નથી. ફરી વાત કરીએ જલારામ ખમણની.
રિક્ષામાં અમે ત્યાં પહોંચ્યા અને જઈને જોયું તો દુકાન સાવ ખાલીખમ. ઘરના હિસાબે પણ ખાલી અને આઇટમના હિસાબે પણ ખાલી. બહુ ઓછી આઇટમ બચી હતી, પણ દુકાનની બહાર બે ઊભા સ્ટીલના રૉડ નાખેલા હતા, જે કહેતા હતા કે અહીં ગિરદી બહુ રહેતી હશે. મેં દુકાનદારને પૂછ્યું કે તમારે ત્યાં ગિરદી ક્યારે હોય તો તેણે મને કહ્યું કે રોજ સવારના છથી દસ.
હું સમજી ગયો કે હું ઊતરતા વેપારે નાસ્તો કરવા આવ્યો છું. ઍનીવેઝ, એ પછી મેં રતાળુ પૂરીનો ઑર્ડર આપ્યો. આ રતાળુ એટલે કંદ. તમને ખબર હશે કે દક્ષિણ ગુજરાતમાં કંદ બહુ સરસ થાય છે. ઊંધિયું અને ઊંબાડિયામાં એ નાખવામાં આવે અને આ રીતે રતાળુ પૂરી પણ બનાવીને લોકો ખાય. મેં જેવો ઑર્ડર આપ્યો કે તરત દુકાનદારે કહ્યું કે સૉરી, રતાળુ પૂરી નથી પણ અમારા સદ્નસીબે બાજુમાં એક બહેન ઊભાં હતાં. તેણે દુકાનદારને રિક્વેસ્ટ કરી કે અમારી રતાળુ પૂરી તમે બનાવો છો તો તેમની પણ સાથે-સાથે બનાવી નાખોને.
એ બહેન એક કિલો રતાળુ પૂરી લેવા આવ્યાં હતાં. તેમના કારણે પેલા દુકાનવાળાએ અમારી પણ રતાળુ પૂરી બનાવી અને પછી અમને ગરમાગરમ પ્લેટ આપી. હથેળી આખી ભરાઈ જાય એવડી એ રતાળુ પૂરી હતી. એકદમ ગરમાગરમ અને એની ઉપર શેકેલા ધાણાનો ભૂકો. સાથે કઢી અને ચટણી. અમને તો ટેસડો પડી ગયો. પણ માંહ્યલો બકાસુર કહે, હું હજી ભૂખ્યો છું એટલે પહેલી વાર અમે ઊલટું કર્યું.
અમે દુકાનવાળા ભાઈને પૂછ્યું કે હવે તમારી પાસે શું છે?
‘રસાવાળાં ખમણ...’
મિત્રો, આ જે રસાવાળાં ખમણ છે એ સાવ નવી જ વરાઇટી છે. સુરત સિવાય ભાગ્યે જ ક્યાંક જોવા મળે. અમે તો ઑર્ડર કર્યો રસાવાળાં ખમણનો. રસાવાળાં ખમણ માટે વઘારેલાં ખમણનો ભૂકો કરી એના પર એકદમ ગરમાગરમ બેસનનો રસો નાખે. ઉપર સહેજ ગરમ મસાલો અને એની ઉપર સેવ નાખે. તબિયત ખુશ થઈ જાય એવો સ્વાદ અને વેજિટેરિયન માટે તો પ્રોટીનથી છલોછલ બાઉલ. હું તો આખેઆખો બાઉલ ખાલી કરી ગયો અને મારી અંદરના બકાસુરે મસ્ત મજાનો ઓડકાર ખાધો.
સુરત જવાનું બને તો... ના, હું તો કહું છું કે શિયાળામાં સુરત જવાનો પ્લાન કરવો જ જોઈએ અને એ પ્લાન જો તમે કરો તો યાદ રાખજો, જલારામમાં જઈને કંદ પૂરી અને એનાં આ રસાવાળાં ખમણ અચૂક ટ્રાય કરજો. અમારા જેવા કમનસીબ ન બનવું હોય તો સવારના છથી આઠ વચ્ચે આવી જજો. પણ હા, લાઇનમાં ઊભા રહેવાની ધીરજ કેળવીને આવજો. ધીરજ અને લાઇનમાં ઊભા રહેવાનો થાક ઊતરી જાય એવો સ્વાદ માણવા મળશે એ નક્કી છે.