23 August, 2025 11:49 AM IST | Surat | Sanjay Goradia
ટકાભાઈની ભેળ ખાધા પછી પેટ પણ ભરાય અને સ્વાદની તૃપ્તિ પણ થાય
મંગળવારે અમારો શો હતો સુરતમાં. તમને ખબર છે કે ગયા વીક-એન્ડ અને સોમ-મંગળમાં કેવો વરસાદ પડ્યો. પણ શો એટલે શો. અમે તો રવાના થયા સ્ટેશન પર. બોરીવલી સ્ટેશનથી બપોરે અમારી સૂર્યનગરી ટ્રેન હતી. કલાક રાહ જોયા પછી અમને ખબર પડી કે અમારી ટ્રેન જોધપુરથી મુંબઈ જ આવી નથી એટલે જે ટ્રેન મળે એમાં જવા તૈયારી કરવા લાગ્યા, પણ અમને રેલવેના ઑફિસરોએ કહ્યું કે એવી ભૂલ નહીં કરતા, તમે વિરાર-નાલાસોપારાથી આગળ વધી જ નહીં શકો, ત્યાં બહુ પાણી ભરાયાં છે. નાછૂટકે અમે સુરત જાણ કરી અને નસીબજોગે બીજા દિવસે ઑડિટોરિયમ અવેલેબલ હતું એટલે અમે શો બીજા દિવસ પર શિફ્ટ કર્યો. બીજા દિવસે અમે નક્કી કર્યું કે સુરત વહેલા પહોંચી જવું અને અમે સાડાઅગિયાર વાગ્યાની પશ્ચિમ એક્સપ્રેસ પકડી.
અમારો શો સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સરદાર સ્મૃતિ ઑડિટોરિયમમાં હતો. સુરતનો આ જે વરાછા વિસ્તાર છે એ આખો ડાયમન્ડ ફૅક્ટરી અને હીરા પૉલિશિંગનું કામ કરતા રત્ન-કલાકારોનો છે. મોટા ભાગના લોકો કાઠિયાવાડી. સુરત પહોંચીને અમે સીધા ઑડિટોરિયમ ગયા અને સાંજના સમયે મને ભૂખ લાગી એટલે હું તો નીકળ્યો કંઈ ખાવાનું શોધવા અને એક દુકાન પર મારી નજર પડી. ભીડ કહે મારું કામ. વસ્તુ લેવા માટે પડાપડી ચાલે. મેં બોર્ડ વાંચ્યું ને નામ વાંચીને મને મજા આવી ગઈ. બોર્ડ પર લખ્યું હતુંઃ ટકાભાઈની કૉલેજિયન ભેળ.
હું તો પહોંચ્યો દુકાને અને મેં તો ઑર્ડર આપ્યો એક ભેળનો. સાહેબ, આ જે ભેળ હતી એ આપણી મુંબઈમાં મળે એવી ભેળ નહોતી. હા, સાવ જુદી જ ભેળ.
ભેળનો મેં ઑર્ડર આપ્યો એટલે તેમણે થોડાક મમરા લીધા, મમરામાં ખારી સીંગ નાખી, પછી મસાલા સીંગ અને સેવ નાખ્યાં અને પછી એમાં ફુદીના-મરચાંની તાજી ગ્રીન ચટણી મિક્સ કરીને મને આપી. નહીં ટમેટાં, નહીં કાંદા. કંઈ નહીં. બસ, આ જ ભેળ. મેં જરાક ટ્રાય કરી ને મારા દિમાગની બધી નસ ખૂલી ગઈ. એનું કારણ હતું પેલી ગ્રીન ચટણીમાં રહેલાં સુરતી મરચાં. આ જે સુરતી મરચાં હોય છે એ અતિશય તીખાશવાળાં છે. તમે ખાઓ એટલે તમારા બાર વાગી જાય. આ સુરતી મરચાનું પાણી બનાવીને જો પાણીપૂરી ખાધી હોય તો જલસો પડી જાય.
મેં કીધું કે ભલામાણસ, આમાં મીઠી ચટણી તો નાખો તો એક તપેલામાંથી જરાક અમસ્તું પાણી લઈને ઉપર નાખી દીધું. મેં કહ્યું કે આ શું તો મને કહે કે અમે કોલ્હાપુરી ગોળનું પાણી જ વાપરીએ છીએ. પછી ભેળનો સ્વાદ બદલાઈ ગયો અને મજા પડી ગઈ. હા, જેને તીખાશ ભાવતી હોય તેને તો ગોળના પાણી વિનાની ભેળમાં પણ મજા જ આવે.
ટકાભાઈને ત્યાં આ સિવાયની પણ એક ભેળ મળે છે જેનું નામ છે કૉલેજિયન ભેળ. આ કૉલેજિયન ભેળ તમને દેશભરમાં બીજે ક્યાંય નહીં મળે, સિવાય કે સુરત. કૉલેજિયન ભેળ આખા સુરતમાં તમને મળે. આ જે કૉલેજિયન ભેળ છે એમાં માત્ર ખારી સિંગ હોય, એમાં ગ્રીન ચટણી, એની ઉપર સેવ અને જો નાખવું હોય તો પેલું કોલ્હાપુરી ગોળનું પાણી. મેં તો કૉલેજિયન ભેળ પણ ટ્રાય કરી. મજા પડી ગઈ.
એક ખાસ વાત કહું. ટકાભાઈની ભેળનો ભાવ છે વીસ રૂપિયા. તમે પચાસની ભેળ માગો તો-તો બે જણ આરામથી પેટ ભરીને ખાઈ શકે એટલી બધી આવે. હું તો કહીશ કે મુંબઈમાં જે પચાસ રૂપિયાની ભેળ મળે છે એના કરતાં ડબલથી પણ વધારે અને સ્વાદમાં ચડિયાતી. મિત્રો, આ ટકાભાઈની ભેળ ખાવા માટે તમારી પાસે સુરત જવા સિવાય બીજો કોઈ ઑપ્શન નથી. જ્યારે પણ સુરત જવાનું બને ત્યારે વરાછા અચૂક જજો. હા, સુરતમાં નાના વરાછા અને મોટા વરાછા એમ બે વિસ્તાર છે. ટકાભાઈની ભેળ બન્ને વરાછામાં મળે છે એ સહેજ તમારી જાણ આતર એટલે ભૂલ્યા વિના ટકાભાઈની ભેળનો આસ્વાદ માણજો.
દિલ બાગ-બાગ થઈ જશે.