17 May, 2025 10:24 AM IST | Melbourne | Sanjay Goradia
સંજય ગરોડિયા
મારા નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ની ટૂર હમણાં ઑસ્ટ્રેલિયામાં ચાલે છે. હું વર્ષોથી ઑસ્ટ્રેલિયા જાઉં છું. આમ તો મને મોઢે યાદ પણ નહોતું કે હું કેટલામી વાર ઑસ્ટ્રેલિયા ગયો હોઈશ પણ મારાં નાટકોનું લિસ્ટ જોતાં મને ખબર પડી કે હું સાતમી વાર ઑસ્ટ્રેલિયા ગયો છું અને એ પણ વીસ-પચીસ દિવસથી લાંબી ટૂરમાં.
હમણાં મારા નાટકના મેલબર્નમાં બે શો હતા. બન્ને શો પૂરા કરી હું તો અમારા ઑર્ગેનાઇઝર અક્ષય પટેલ સાથે ફરવા નીકળ્યો. રસ્તામાં અક્ષયભાઈએ મને કહ્યું કે રાતે આપણે એક ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ જમવા જવાનું છે.
રાતે તે મને લેવા આવી ગયા અને અમે પહોંચ્યા ગોપી કા ચટકા (સ્ટ્રીટ ફૂડ)માં. નામ જ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. હું તો અંદર ગયો તો અંદર મેં નાના અક્ષરમાં લખેલું વાંચ્યું, ‘માં અંજની પાંઉભાજી’ અને મારી આંખો ચમકી. હું તો ગયો ત્યાંના માલિકને મળવા અને મેં પૂછપરછ કરી તો ખબર પડી કે હા, આ એ જ માં અંજની પાંઉભાજીની વાત છે જે બોરીવલીમાં છે. મિત્રો, આ જે માં અંજની પાંઉભાજી છે એની બ્લૅક પાંઉભાજી બહુ પૉપ્યુલર છે તો અહીં મળતાં કોથમીર પાંઉ પણ બહુ વખણાય છે. વાત કરતાં મને ખબર પડી કે તેમણે ઑફિશ્યલી માં અંજની પાંઉભાજીની ફ્રૅન્ચાઇઝી લીધી છે. બન્યું એમાં એવું કે આ માલિકે મુંબઈમાં એની પાંઉભાજી ખાધી અને તેને મજા આવી ગઈ. નક્કી થયું એટલે માં અંજની પાંઉભાજીવાળા ઑસ્ટ્રેલિયા ગયા અને તેમની સાથે બધા કરાર કર્યા, પણ એ પછી તરત જ લૉકડાઉન લાગુ પડી ગયું અને ફ્લાઇટ થઈ ગઈ બંધ. માં અંજનીવાળા બન્ને ભાઈઓ ઑસ્ટ્રેલિયામાં જ રહી ગયા અને એ લોકો નવ મહિના ઑસ્ટ્રેલિયામાં રોકાયા. આ નવ મહિનામાં તેમણે ગોપી કા ચટકાવાળાને પોતાની બધી વરાઇટીની રેસિપીમાં ચૅમ્પિયન બનાવી દીધા.
મેં તો સૌથી પહેલો ઑર્ડર આપ્યો બ્લૅક પાંઉભાજી અને એની સાથે કોથમીર પાંઉનો. આ કોથમીર પાંઉની રેસિપી જાણવા જેવી છે. બટરમાં બહુ બધી કોથમીર અને મસાલો નાખીને પાંઉ એમાં શેકી નાખવાનાં. ઘરે એક વાર ટ્રાય કરજો, સાચે જ બહુ મજા આવશે. તમે તમારી ઇચ્છા મુજબ એના મસાલામાં ફેરફાર કરી શકો પણ જો માં અંજની પાંઉભાજી જેવું જ કોથમીર પાંઉ ખાવું હોય તો બીજા કોઈ મસાલા નાખવાના નહીં. નિમક, સહેજ કાળાં મરી અને બહુ બધું અમૂલ બટર. નાનાં બાળકો પણ હોંશે-હોંશે ખાય અને તીખું ખાઈ નહીં શકનારા પણ રાજી થઈને ખાય.
ડિટ્ટો આપણા મુંબઈ જેવી જ પાંઉભાજી. મને તો મેલબર્નમાં મુંબઈની મજા આવી ગઈ અને મારી હિંમત પણ ખૂલી ગઈ. મેં તો મગાવ્યાં પાણીપૂરી અને ખમણ. બન્ને અવ્વલ દરજ્જાનાં, જાણે કે આપણે દેશમાં જ છીએ. પાણીપૂરીનું જે ગળ્યું પાણી હતું એની મીઠાશ એ સ્તરની અદ્ભુત હતી કે તમને એમ જ લાગે કે જાણે તમે ખજૂરનું પાણી પીઓ છો. તીખું પાણી પ્યૉર ફુદીનાનું હતું અને તીખું તમતમતું હતું. તીખી પાણીપૂરી આપતી વખતે તેને પોતાને મજા આવી હતી. મેં તેને પૂછ્યું તો મને કહે કે અહીં તો જરાક અમસ્તા તીખા પાણીથી લોકો લાલચોળ થઈ જાય; તમે તો મુંબઈના છો, તમે કદાચ આ પાણીની સાચી મજા લેશો અને સાહેબ, મેં મજા પૂરેપૂરી લીધી અને એ મજામાં હું પણ લાલ ટમેટા જેવો થઈ ગયો. મારી પાસે હજી ખમણ હતાં અને ભૂખ પણ હજી અકબંધ હતી એટલે મેં કાળા ચણાની ચાટ પણ મગાવી.
આ જે ચાટ હતી એ આપણે ત્યાં ટ્રેનમાં કે સ્ટેશનની બહાર ઠેલા લઈને વેચનારા પાસે મળે છે એવી જ... એ જ સ્વાદ, એ જ આનંદ અને એટલે જ મને થયું કે હું તમારી સાથે એ આનંદ શૅર કરું અને તમને કહું કે તમે જો ઑસ્ટ્રેલિયા જાઓ તો ગોપી કા ચટકામાં જવાનું ચૂકતા નહીં અને ધારો કે તમે નથી જવાના તો ઑસ્ટ્રેલિયામાં રહેતા તમારા ફ્રેન્ડ્સને આ જગ્યા સજેસ્ટ કરવાનું ચૂકતા નહીં.