વાહ, આ કંઈક નવું છે: ફૂડ સાથે આર્ટ

18 October, 2025 08:14 PM IST  |  Mumbai | Darshini Vashi

વિરારમાં શરૂ કરવામાં આવેલી ધ આર્ટ ટેબલ કૅફેમાં ફૂડની સાથે વિવિધ આર્ટ કરવા પર હાથ અજમાવવાનો પણ ચાન્સ મળશે

વાહ, આ કંઈક નવું છે: ફૂડ સાથે આર્ટ

નૉર્મલી આપણે કોઈ કૅફે અથવા તો રેસ્ટોરાંમાં જઈએ ત્યારે ફૂડ ઑર્ડર કર્યા બાદ જ્યાં સુધી ફૂડ ટેબલ પર આવે ત્યાં સુધી આપણે મોબાઇલમાં માથું નાખીને બેસી રહેતા હોઈએ. ત્યાં સુધી કે ફૂડ ટેબલ પર આવી ગયા બાદ પણ આપણું ધ્યાન મોબાઇલમાં જ વધારે રહેતું હોય છે. પણ વિરારમાં હાલમાં જ શરૂ કરવામાં આવેલી કૅફેમાં આવનારને મોબાઇલની જરૂર પડશે કેમ કે તેમણે આ માટે એક યુનિક આઇડિયા રજૂ કર્યો છે.

વિરાર વેસ્ટમાં આવેલી ધ આર્ટ ટેબલ કૅફેમાં આર્ટ લવરને મજા પડી જાય એમ છે. ફૂડની સાથે અહીં વિવિધ આર્ટ જેમ કે ટોટ બૅગ પેઇન્ટિંગ, કૅન્વસ પેઇન્ટિંગ, ટી-શર્ટ પેઇન્ટિંગ, વુલન આર્ટ વગેરે અહીં ઑફર કરવામાં આવે છે. આ આર્ટ ફૂડ સાથે તમે કરી શકો છો પણ એના અલગથી પૈસા ચૂકવવા પડશે. ફૂડ અને આર્ટ બન્નેમાં સ્વચ્છતા અને પવિત્રતા જળવાઈ રહે એ હેતુ સાથે અહીં એક નિયમ છે કે કૅફેમાં આવનારે બહાર જ તેનાં જૂતાં-ચંપલ ઉતારીને આવવાનું રહે છે. અંદર આવતાંની સાથે સામે એક નાનો કબાટ હશે જેમાં અલગ-અલગ ખાનાંમાં આર્ટ સંબધિત આઇટમ જોવા મળશે. તમે જે આર્ટ કરવા માગો છો એની સામગ્રી તમને અહીંથી મળી જશે. પછી ટેબલ પર બેસી તમારો ઑર્ડર આવે ત્યાં સુધી તમે આર્ટની મજા માણી શકો છો. ફૂડની વાત કરીએ તો અહીં લગભગ કૅફેમાં હોય છે એ તમામ આઇટમ મળે છે. મૅગીથી લઈને મોઇતો સુધીની દરેક વસ્તુ મળે છે. ચીઝ મૅગી અને ટોસ્ટ સૅન્ડવિચ અહીં સૌથી વધુ વખણાય છે. લાસ્ટ બટ નૉટ ધ લિસ્ટ, આ કૅફેમાં વધુપડતી તામઝામ કરવામાં આવી નથી. સિમ્પલ ડેકોરેશન સાથે ઇન્ટીરિયર પણ આંખને ઠંડક આપે એવી રીતે કરવામાં આવ્યું છે.

ક્યાં આવેલું છે? : ધ આર્ટ ટેબલ કૅફે, ચિખલ ડોંગરી રોડ, શ્રી સમ્રાટ ઇન્ટરનૅશનલ સ્કૂલની બાજુમાં, વિરાર (વેસ્ટ)

food news food and drink street food Gujarati food mumbai food indian food virar darshini vashi