12 February, 2025 06:51 AM IST | Mumbai | Heena Patel
ચીલની ભાજી
ઠંડીની સીઝનમાં ભરપૂર પ્રમાણમાં પાંદડાંવાળી ભાજીઓ મળે છે. આ ભાજીઓ ખાવાનો પણ શ્રેષ્ઠ સમય વિન્ટર ગણાય છે. જો તમારે રેગ્યુલર બનાવતા હો એવી પાલક, મેથીની ભાજી સિવાય અલગ ટેસ્ટ માણવો હોય તો અઢળક પોષક તત્ત્વોવાળી ચીલની ભાજી તમને તંદુરસ્ત રાખશે. કબજિયાતની સમસ્યા હોય કે વજન વધવાની સમસ્યા હોય કે પછી વારંવાર બીમાર પડી જતા હો તો આવી બધી જ સમસ્યામાંથી ચીલની ભાજી તમને છુટકારો આપી શકે છે
ચોમાસામાં ભાજી સારી નથી આવતી અને ઉનાળામાં અમુક-તમુક ભાજીઓ મળતી નથી. એને કારણે ઠંડીની સીઝન લીલાં પાંદડાંવાળી ભાજી માટે ઉત્તમ છે. ગ્રીન લીફવાળી ભાજીઓ આહારમાં સામેલ કરો તો એના અઢળક લાભ આપણા સ્વાસ્થ્યને મળે છે. આવી જ એક ભાજી એટલે બથુઆ જેને ચીલની ભાજી પણ કહેવામાં આવે છે. પહેલાં તો માત્ર ઠંડીની સીઝનમાં ફક્ત બે મિહના સુધી મળતી આ ભાજી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે અને હવે ચોમાસા સિવાય મોટા ભાગના વર્ષમાં મળે છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર એવી ચીલની ભાજી પાચન સુધારવામાં, વજન ઘટાડવામાં, ઇમ્યુનિટી સુધારવા સહિત અનેક રીતે સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદરૂપ બને છે. અન્ય લીલાં પાંદડાંવાળી ભાજીની સરખામણીમાં ચીલની ભાજીને પ્રમાણમાં ઓછા લોકો આરોગે છે. ચીલની ભાજીને ખાસ કરીને રાજસ્થાન, હિમાચલ અને પંજાબના લોકો આનું સેવન વધુ કરે છે. ચીલની ભાજીમાં કયાં પોષક તત્ત્વો છે, એને આરોગવાથી શરીરને કયા લાભ મળે, ચીલની ભાજીને આહારમાં સામેલ કરવાના કયા-કયા વિકલ્પ છે એ તમામ વિશે ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ પાસેથી માહિતી મેળવીએ.
પાચન સુધારે, વજન ઘટાડે
રોજિંદા આહારમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર ન ખાવાથી આંતરડાની મૂવમેન્ટ થતી નથી, પરિણામે કબજિયાતની સમસ્યા થાય છે. એવી જ રીતે જો આપણે પ્રવાહી પૂરતા પ્રમાણમાં ન લઈએ તો પણ પેટ સાફ ન આવવાની સમસ્યા રહે છે. ચીલની ભાજીમાં પાણી અને ફાઇબર સારા પ્રમાણમાં હોય છે, જે કબજિયાતમાંથી રાહત આપે છે તેમ જ પાચનતંત્રના સ્વાસ્થ્યને સારું રાખે છે. ૧૦૦ ગ્રામ ચીલની ભાજીમાં ૮૪ ગ્રામ જેટલું પાણીનું પ્રમાણ હોય છે, જ્યારે ફાઇબર ૨.૧ ગ્રામ હોય છે.
ચીલની ભાજી એક લો કૅલરી ફૂડ છે. સો ગ્રામ ચીલની ભાજીમાં ફક્ત ૪૪ કૅલરી હોય છે. ચીલની ભાજીમાં કૅલરી તો લો છે, પણ ફાઇબર સારા પ્રમાણમાં છે એટલે એ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને વારંવાર જે-તે ખાવાની ઇચ્છા થતી નથી. એટલે આપણો દરરોજનો કૅલરી ઇન્ટેક કન્ટ્રોલમાં રહે છે અને વજન વધતું ઘટે છે. ઘણી વાર ઓછી કૅલરીના ચક્કરમાં આપણે શરીરને પૂરતું પોષણ મળી રહે એનું ધ્યાન રાખતા નથી, પરિણામે શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની કમી સર્જાય છે. ચીલની ભાજીમાં રહેલું લો કૅલરી, હાઈ ફાઇબર અને ન્યૂટ્રિઅન્ટ્સનું કૉમ્બિનેશન હેલ્ધી રીતે વજન ઘટાડવામાં ખૂબ મદદ કરે છે.
વિટામિન્સ-મિનરલ્સનો ખજાનો
ચીલની ભાજીમાં આયર્ન અને કૅલ્શિયમનું પ્રમાણ સારું હોય છે. ચીલની ભાજીમાં પાલક કરતાં વધારે કૅલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે. ઠંડીની સીઝનમાં સાંધાનો દુખાવો વધી જાય છે ત્યારે ચીલની ભાજીમાં રહેલી ઍન્ટિઇન્ફ્લમૅટરી પ્રૉપર્ટીઝ દુખાવામાં રાહત અપાવવામાં મદદરૂપ થઈ શકે. ચીલની ભાજીમાં રહેલું આયર્ન શરીરમાં હીમોગ્લોબિનનું સ્તર વધારીને લોહીની ઊણપ દૂર કરવામાં મદદ કરે છે. ચીલમાં રહેલાં વિટામિન A, C તેમ જ ઝિન્ક જેવાં મિનરલ આંખોના સ્વાસ્થ્ય માટે સારાં છે. એમાં રહેલાં વિટામિન A, C તેમ જ ઝિન્ક અને આયર્ન જેવાં મિનરલ્સ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. ચીલમાં રહેલા ઍન્ટિઑક્સિડન્ટ શરીરમાં હૃદય સંબંધિત બીમારી, કૅન્સર, ઑલ્ઝાઇમર્સ જેવા રોગોનું જોખમ વધારતાં ફ્રી રૅડિકલને બેઅસર કરે છે.
ચીલના પાણીના ફાયદા
ડેઇલી રૂટીનમાં ચીલની ભાજીનો સમાવેશ કરવો હોય તો ચીલનું પાણી શ્રેષ્ઠ વિકલ્પ છે. એને બનાવવામાં વધારે માથાકૂટ પણ કરવી પડતી નથી. તમે વજન ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા હો, કબજિયાતની સમસ્યા રહેતી હોય તો સવારે ખાલી પેટે આ પાણી પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે. ચીલનું પાણી નૅચરલ ડિટૉક્સિફિકેશનનું કામ કરે છે. એમાં રહેલી ડાયયુરેટિક પ્રૉપર્ટીઝ શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર ફેંકવાનું કામ કરે છે. ચીલનું પાણી ખાસ કરીને ઠંડીની સીઝનમાં શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. એવી જ રીતે ચીલમાં રહેલાં ઍન્ટિઑક્સિડન્ટ્સ લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે, પરિણામે વારંવાર પિમ્પલ અને ઍક્નેની સમસ્યામાંથી રાહત મળે છે. એમાં રહેલું વિટામિન A, આયર્ન, ઝિન્ક હેલ્ધી હેરગ્રોથમાં મદદ કરે છે. એટલે લાંબા કાળા વાળ અને ચમકદાર ત્વચા જોઈતી હોય તો નિયમિત ચીલનું પાણી પીવાથી ફાયદો થાય છે.
ડાયટમાં સમાવેશ
ચીલની ભાજીને તમે અન્ય પાંદડાંવાળી લીલી શાકભાજીની જેમ બનાવીને ખાઈ શકો. આ ભાજી બનાવતી વખતે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે ચીલની ભાજીમાં રહેલાં પોષક તત્ત્વો ઘટી ન જાય એ માટે એને પ્રેશર કુકરમાં બાફી નાખવાને બદલે કડાઈમાં થોડું પાણી લઈને ધીમા તાપે ૫-૭ મિનિટ સુધી સ્ટીમ થવા દેવી જોઈએ. પ્રેશર કુકરમાં આપણે ભાજી બાફીને બચેલું પાણી ફેંકી દેતા હોઈએ છીએ, પરિણામે પાણીની સાથે કેટલાંક પોષક તત્ત્વો પણ વહી જાય છે. એ સિવાય ચીલમાં રહેલાં ફૅટ સૉલ્યુબલ વિટામિન્સ જેમ કે વિટામિન Aનું શરીરમાં ઍબ્સૉર્પ્શન સારી રીતે થાય એ માટે ભાજીનો ઘી અથવા તેલમાં વધાર કરવો જોઈએ.
પરાઠાં, થેપલાં
ચીલમાંથી આપણે ભાજી સિવાય બીજી વાનગીઓ પણ બનાવી શકીએ. આપણે જેમ મેથીના થેપલાં બનાવીએ એ રીતે ચીલની ભાજીમાંથી પરાઠાં બનાવી શકીએ. ઘણા લોકો ડાયરેક્ટ ચીલનાં પાનને ઝીણાં-ઝીણાં સમારીને એને ઘઉંના લોટમાં ઍડ કરીને લોટ બાંધે છે તો ઘણા લોકો પાંદડાંને પહેલાં બાફીને મિક્સરમાં પીસીને આ પેસ્ટથી જ લોટ બાંધીને એમાંથી પરાઠાં બનાવે છે. જોકે પરાઠાંનો સ્વાદ વધારવા માટે એમાં બેઝિક મસાલા ઍડ કરતી વખતે અને પરાઠાંને તેલ કે ઘીમાં શેકતી વખતે તેલ-મસાલાનો વધુ ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ચીલની ભાજીમાંથી રાયતું પણ બની શકે. એ માટે ચીલનાં પાનને પાણીમાં નરમ થઈ જાય ત્યાં સુધી ઉકાળીને એને મિક્સરમાં પીસી પેસ્ટ જેવું બનાવી લેવાનું. આ પેસ્ટને દહીં સાથે મિક્સ કરી દેવાની. એ પછી એક તડકો તૈયાર કરવાનો જેમાં ઘીમાં રાઈ, જીરું, કડીપત્તા, ડ્રાય ચીલી નાખીને એને રાયતા ઉપર નાખી દેવાનો.
બથુઆનું પાણી બનાવવાની રીત
ચીલનું પાણી બનાવવા માટે સૌપ્રથમ ભાજીને સરખી રીતે વીણીને એનાં પાન પાણીથી ધોઈ નાખો જેથી એમાં રહેલી માટી-ગંદકી દૂર થઈ જાય. એ પછી એક તપેલીમાં ચાર કપ જેટલું ગરમ પાણી લો. પાણી થોડું ગરમ થઈ જાય એટલે એમાં એક કપ જેટલાં ચીલનાં પાન નાખો. પાણીમાં ચીલનાં પાનને પાંચથી સાત મિનિટ સુધી ઊકળવા દો. પાણી ઊકળી જાય એટલે એને ચાળીને એમાંથી પાંદડાં અલગ કરી દો. આ પાણી થોડું ઠંડું થઈ જાય એટલે એમાં સ્વાદ માટે એક ટીસ્પૂન મધ અથવા લીંબુનો રસ ઉમેરો.