પ્રોડક્શન જેટલી જ ચીવટ સૅન્ડવિચ પ્રોડક્શનમાં પણ

20 May, 2021 11:48 AM IST  |  Mumbai | Sanjay Goradia

પ્રોડક્શન મૅનેજર તરીકે અવ્વલ દરજ્જાનું કામ કરનારા જય દેસાઈએ ઑલ્ટરનેટ બિઝનેસ તરીકે ‘જેડી સૅન્ડવિચવાલા’ શરૂ કરી સ્વાદપ્રેમીઓને જલસો પાડી દીધો

લૉકડાઉને માણસમાં છુપાયેલા હુન્નરને બહાર કાઢવાનું પણ કામ કર્યું છે, બાકી આપણે ક્યારેય ‘જેડી સૅન્ડવિચવાલા’ની અદ્ભુત સૅન્ડવિચ ખાઈ શક્યા ન હોત.

કૉલમ શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે ક્યાં ખબર હતી કે આ ગોરડિયા પોતે અને તેની ગાડી બન્નેની બકરી કોરોનાના કારણે ફરી ડબ્બે પુરાઈ જવાની છે. સાંજે પાંચ-છ વાગે અને કકડીને ભૂખ લાગે. મન થાય કે બહાર જઈને નવું ફૂડ ટ્રાય કરું પણ લૉકડાઉનને લીધે બહાર ખાવાનું કંઈ મળે નહીં ને નાહકના પોલીસના ડંડા ખાઈને પેટ ભરવું પડે. સંઘરેલા સાપથી બે અઠવાડિયાં ખેંચ્યા પણ પછી એય કરંડિયો ખાલી થયો. હવે શું કરીશ એવો મનમાં વિચાર ચાલતો હતો ત્યાં મને જય દેસાઈનો વૉટ્સઍપ મેસેજ આવ્યો. તમને થાય કે આ જય દેસાઈ કોણ તો પહેલાં તમને તેની ઓળખાણ આપી દઉં.
જય સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન્સમાં પ્રોડક્શન મૅનજર છે અને અમુક બાબતોમાં તો તે સિદ્ધાર્થ રાંદેરિયાનો મૅનજર પણ ખરો. જયનો મેસેજ હતો કે તેણે ‘જેડી સૅન્ડવિચવાલા’ નામે બોરીવલીમાં સાંઈબાબા મંદિરની સામે જલસા ફૂડ શૉપની બહાર સૅન્ડવિચનો બાંકડો નાખ્યો છે.
છેલ્લા પંદર મહિનાથી નાટકોના શો થતા નથી એટલે નાટક સાથે જોડાયેલા ઘણા મિત્રોએ સર્વાઇવ થવા માટે અલગ-અલગ બિઝનેસ કે કામો શરૂ કર્યા છે. જય દેસાઈ પણ એમાંનો જ એક. જયે પોતાના સૅન્ડવિચ ખાવાના શોખને પ્રોફેશનમાં કન્વર્ટ કર્યો અને આ પૅન્ડેમિક વચ્ચે તેણે પોતાની અંદરનો શેફ જગાડ્યો. ‘જેડી સૅન્ડવિચવાલા’માં જો તમે રૂબરૂ જવા માગતા હો તો રાતે દસ વાગ્યા સુધી તમે જઈ શકો છો અને જો તમે સ્વિ ગી અને ઝોમૅટો પર ઑર્ડર કરી મંગાવવા માગતા હો તો રાતે બે વાગ્યા સુધી તમને એ અવેલેબલ છે. મિત્રો, અદ્ભુત સૅન્ડવિચ. કહોને, ઘેરબેઠાં સૅન્ડવિચની જાત્રા.
મેં ‘જેડી સૅન્ડવિચવાલા’માંથી બાર્બિક્યુ પનીર ચીઝ સૅન્ડવિચ મંગાવી હતી. આ સૅન્ડવિચની બ્રેડની સાઇઝ એકદમ અલગ છે. આ સાઇઝની બ્રેડ તમને માર્કેટમાં ક્યાંય નહીં મળે. જો બપોરે તમે જમ્યા હો તો રાતે જમવામાં એક સૅન્ડવિચથી તમારું પેટ ભરાઈ જાય એવી સુપર જમ્બો સાઇઝની બ્રેડ. આ થઈ પહેલી વાત. બીજી વાત, સૅન્ડવિચમાં સ્ટફિંગ ઠાંસી-ઠાંસીને ભર્યું હોય છે, જેને લીધે બ્રેડના કૉર્નર સુધી તમને એનો સ્વાદ આવે. અફલાતૂન ક્વૉલિટી અને કિફાયતી પ્રાઇસ. મેં જે સૅન્ડવિચ મંગાવી હતી એ બાર્બિક્યુ પનીર ચીઝ સૅન્ડવિચ ફૅન્સી વરાઇટી થઈ. ફૅન્સી સૅન્ડવિ્ચોનો ઢગલો છે આ ‘જેડી સૅન્ડવિચવાલા’માં. લગભગ ૧૪ જેટલી વરાઇટી છે તો સૅન્ડવિચ ઉપરાંત ફ્રૅન્કી પણ છે અહીં અને એ પણ બહુ સરસ. 
સૅન્ડવિચ બનાવવાની વાત બહુ સામાન્ય લાગી શકે પણ હકીકત એવી નથી. એમાં બ્રેડ કેટલી શેકાવી જોઈએ એની સૂઝ હોવાની સાથોસાથ સ્ટફિંનગ સાથે બટર અને બ્રેડ ખાવાનું શરૂ થાય ત્યારે એ સ્ટફિંગનો ટેસ્ટ કેવી રીતે ઊપસીને બહાર આવે એનું પણ ધ્યાન રહેવું જોઈએ. મેં જે સૅન્ડવિચ ટેસ્ટ કરી એ બાર્બિક્યુ પનીર ચીઝ સૅન્ડવિચમાં પનીરને એવી રીતે રોસ્ટ કરવામાં આવ્યું હતું કે બાર્બિક્યુ થયેલા પનીરની ખુશ્બૂ તમને છેક ગળામાં અનુભવાય. સૅન્ડવિચની હોમ ડિલિવરી સાથે તમને કેચપ, ગ્રીન ચટણી, અમૂલ બટરનું પ્લેટ-પૅક અને વેફર્સ આપવામાં આવે છે. મિત્રો, એક વાર ચૂક્યા વિના ‘જેડી સૅન્ડવિચવાલા’ની સૅન્ડવિચ ઘરે મંગાવીને ટેસ્ટ કરો. પ્રોડક્શનનાં કામોમાં જય જેટલી ચીવટ રાખે છે એટલી જ ચીવટ તે એકેક સૅન્ડવિચ પર રાખે છે એનો અનુભવ તમને થયા વિના નહીં રહે.

columnists Gujarati food indian food mumbai food Sanjay Goradia