કચ્છની દાબેલી તો આપણે લઈ આવ્યા, પણ એનો સ્વાદ કેમ ન આવ્યો?

26 October, 2024 09:36 AM IST  |  Mumbai | Sanjay Goradia

કારણ કે આપણે દાબેલીના પૂરણને સુક્કું કરી નાખ્યું અને મસાલા સિંગમાંથી પણ તેલનું બાષ્પીભવન કરી નાખ્યું

સંજય ગોરડીયા

આજે મારે વાત કરવી છે તમને દાબેલીની અને એ પણ કચ્છની દાબેલીની. એમાં બન્યું એવું કે મારા નાટકના શો માટે મારે ભુજ જવાનું થયું અને માંહ્યલા બકાસુરે તો ‘દાબેલી, દાબેલી...’ કરતાં ઠેકડા મારવાનું શરૂ કરી દીધું. મેં તો ૨૪ કલાક અગાઉથી જ બહારનું બધું ખાવાનું મૂકી દીધું, જેથી પેટ ભરીને દાબેલી ખાઈ શકાય અને બસ, પછી તો અમે પહોંચ્યા ભુજ. મને હતું કે ભુજ જઈને હું મારા ઑર્ગેનાઇઝરને કહીશ કે ભાઈ મને મસ્તમજાની દાબેલી ખાવા લઈ જા, પણ એને બદલે બન્યું અવળું. તેણે આવીને મને કહ્યું કે સંજયભાઈ મેનુ લાવ્યા છો કે પછી હું જ મારી રીતે તમને લોકલ આઇટમ ખવડાવું.

એમાં એવું છે મિત્રો કે તમારી આ કૉલમ ‘ફૂડ ડ્રાઇવ’ને કારણે હવે મારા બધા ઑર્ગેનાઇઝર અને મિત્રોને ખબર પડી ગઈ છે કે હું આવી આઇટમ શોધ્યા કરતો હોઉં છું એટલે તેઓ મને સામેથી જ આવું પૂછી લે છે. ભુજવાળા ભાઈએ મને પૂછ્યું અને મેં તેને કહ્યું કે મેનુમાં એક આઇટમ છે દાબેલી, ભુજની બેસ્ટમાં બેસ્ટ દાબેલી મને ખવડાવો અને તેણે મને કહ્યું કે આ વખતે તમને એવી જગ્યાએ દાબેલી ખવડાવું જે હમણાં જ શરૂ થઈ છે પણ આઇટમ બહુ સરસ બનાવે છે.

બંદા તૈયાર અને અમે તો ગયા ‘જિજ્ઞા દાબેલી’માં. આ જે જિજ્ઞા દાબેલી છે એ અમારા ઑડિટોરિયમ એટલે કે ભુજના ટાઉન હૉલની એક્ઝૅક્ટ સામે જ છે એ સહેજ તમારી જાણ ખાતર.

જઈને મેં સીધી, સાદી અને સરળ દાબેલીનો ઑર્ડર આપ્યો. એક વાત યાદ રાખજો કે કોઈ પણ વરાઇટીનો સાચો ટેસ્ટ કરવો હોય તો એ નૉર્મલ ફૉર્મમાં જ મગાવવી. હું ક્યાંય ઢોસા ખાવા જાઉં તો એ પણ પહેલાં તો ઑઇલમાં જ મગાવું. આ બટર અને ચીઝ એવી વરાઇટી છે જે આઇટમના ઓરિજિનલ ટેસ્ટને ડૉમિનેટ કરે અને એનો સ્વાદ બદલી નાખે, તમે સાચું જજમેન્ટ ન લઈ શકો.

મારી દાબેલી આવી અને હું તો દાબેલીના સ્વાદના દરિયામાં ઓતપ્રોત થઈ ગયો. શું સ્વાદ, વાહ. ટેસ્ટ પારખવાની બીજી ટિપ આપું. જેમ ઓરિજિનલ ફૉર્મમાં જ આઇટમ મગાવવાની એવી જ રીતે ભૂખ્યા પેટે ખાવા ગયા હો ત્યારે તરત આઇટમને સર્ટિફિકેટ ન આપી દેવું. તમારી કૅપેસિટીના ૫૦ ટકા ખાઈ લીધા પછી જ નક્કી કરવું કે હવે તમને એનો સ્વાદ કેવો લાગે છે. ભૂખ્યા પેટે છાપરું પણ છપ્પનભોગ લાગે.

બીજી દાબેલી પૂરી કર્યા પછીનો મારો અનુભવ કહું તો, એકદમ અદ્ભુત દાબેલી. ભુજમાં બ્રેડને રોટી કહે છે. રોટીની વચ્ચે દાબેલીનો જે મસાલો ભર્યો હતો એ મસાલો સેમી લિક્વ‌િડ હતો, જેને લીધે એનું જે લિક્વ‌િડ એટલે કે રસો હતો એ રોટીમાં ઊતરતો એટલે તમે બ્રેડ પર જરાઅમસ્તા દાંત બેસાડો ત્યાં તો તમને દાબેલીનો સ્વાદ આવવા માંડે. બીજી વાત, દાબેલીમાં નાખેલી મસાલા સિંગમાં પણ ભારોભાર તેલ હતું, જેને લીધે સિંગના દાણા પણ એકબીજા સાથે ચોંટેલા રહેતા હતા. મસાલા સિંગમાં તેલનું પ્રમાણ વધારે હોવાને લીધે પણ બ્રેડમાં તેલની ભીનાશ આવતી હતી, જે જરૂરી છે.

દાબેલીથી મસ્તમજાનું પેટ ભરી લીધા પછી મેં મેનુમાં નજર કરી તો ભાતભાતની દાબેલી જોવા મળી. મને થયું કે આવી દાબેલી કોણ ખાતું હશે. થોડું પૂછ્યું તો ખબર પડી કે બાળકોમાં ચીઝવાળી દાબેલી બહુ પ્રચલિત છે. બાળકોને આ જે ચીઝનું વળગણ છે એ મને તો નથી ગમતું અને મારું માનવું છે ત્યાં સુધી એનો અત‌િરેક નુકસાનકર્તા છે, પણ મમ્મીઓ એવું માને છે કે બાળક સારી આઇટમ ખાય છે એટલે તે સામે ચડીને બાળકને ચીઝ ખવડાવવાનું કામ કરે છે.

જિજ્ઞા દાબેલીની વાત કરું તો એ બહુ સરસ દુકાન છે. આરામથી બેસી શકાય એવી અરેન્જમેન્ટ વચ્ચે પણ એણે ટેસ્ટની ઓરિજિનલિટી જાળવી રાખી છે એ સૌથી મહત્ત્વનું છે. ભુજ જવાનું બને તો જિજ્ઞાની દાબેલીનો સ્વાદ અચૂક માણજો. જલસો પડી જશે.

street food Gujarati food indian food kutch bhuj columnists