વડાં જ નહીં, ચટણી પણ દરરોજ બનાવવાની

01 April, 2021 01:39 PM IST  |  Mumbai | Sanjay Goradia

એટલે જ પાર્લા-ઈસ્ટના બાબુનાં વડાપાંઉમાં પાંઉની રગેરગમાં ઊતરેલી ચટણીની ફ્રેશનેસ ગજબનો નશો ભરે છે

બાબુનાં વડાપાંઉની સાથોસાથ તેના પટ્ટી સમોસાં-પાંઉ પણ અચૂક ટેસ્ટ કરજો. બન્ને મળે છે માત્ર ૧૫ રૂપિયામાં.

વડાપાંઉની આપણી જે સ્વાદયાત્રા ચાલે છે એમાં આપણે શરૂઆત કરી બોરીવલીના મંગેશનાં વડાપાંઉથી અને ગયા અઠવાડિયે આપણે ટેસ્ટ કર્યો પાર્લા-ઈસ્ટમાં આવેલા દીનાનાથ મંગેશકર ઑડિટોરિયમની બરાબર બાજુમાં ટેલિફોન-બૂથમાં બહાર બેસતા સ્વામી વડાપાંઉનો. હવે આ અઠવાડિયે આપણે વાત કરવાની છે દીનાનાથ મંગેશકર ઑડિટોરિયમની એક્ઝૅક્ટ સામે આવેલા બાબુ વડાપાંઉની. 
મિત્રો, આ બાબુ વડાપાંઉવાળો બહુ જૂનો છે. પાર્લા-ઈસ્ટમાં હનુમાન રોડ પર એ પહેલાં બેસતો, જે બાંકડો આજે પણ ચાલુ છે. પછી તેણે દીનાનાથ ઑડિટોરિયમની સામે પોતાનો બીજો બાંકડો શરૂ કર્યો. ટેસ્ટ અકબંધ, માત્ર જગ્યા ઉમેરાઈ, પણ પૉપ્યુલરિટીમાં કોઈ ફરક આવ્યો નહીં. બાબુનાં વડાપાંઉની સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ છે તેની ચટણી. બાબુની તીખી-મીઠી ચટણી બહુ સરસ છે. તે ચટણીઓ પણ રોજેરોજ નવી જ બનાવે. એકદમ તાજી બનાવેલી આ બન્ને ચટણીમાં ફ્રેશનેસનો સ્વાદ ઉમેરાય છે. 
બાબુનાં વડાપાંઉ તો સારાં છે જ, પણ તેને ત્યાં મટર પૅટીસ એટલે કે વટાણાની પૅટીસ પણ બહુ સરસ છે અને બાબુનાં પટ્ટી સમોસાં, માર્વલસ. આ પટ્ટી સમોસાં પાંઉમાં આપે છે. પટ્ટી સમોસાં-પાંઉનું કૉમ્બિનેશન એ સ્તરે અદ્ભુત છે કે તમે વર્ણવી પણ ન શકો. પટ્ટી સમોસાંની ક્રન્ચીનેસ અને પાંઉની સૉફ્ટનેસ, બન્નેના સ્વાદનું જે મિશ્રણ ઊભું થાય છે એ અવર્ણનીય છે. કહોને, દાંતને સાતેય કોઠે દીવા થાય. બાબુનાં વડાપાંઉની બીજી ખાસિયત, વડાપાંઉ આવી જાય એટલે તમારે એને એકાદ મિનિટ રહેવા દેવાનું, જેથી એની તીખી-મીઠી ચટણી પાંઉની રગેરગમાં ઊતરી જાય. પછી ખાવાનું શરૂ કરશો તો તમારા ગળા હેઠળ એ વડાપાંઉ સડસડાટ ઊતરી જશે.

 

Gujarati food indian food Sanjay Goradia columnists