03 August, 2024 08:02 AM IST | Surat | Sanjay Goradia
સંજય ગોરડીયા
પગમાં પદ્મ હોવો. આવી એક ગુજરાતી ઉક્તિ છે, જેને આજકાલની બોલીમાં બધા એવું કહે કે પગમાં ભમરો છે અને મેં તો તમને કહ્યું જ છે કે મારા પગમાં તો મોટો ભમરો છે એટલે અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં ભાગાભાગી મારી ચાલુ જ હોય.
ગયા શનિવારે તમને મેં વાત કરી એમ અમે સુરત શો કરવા ગયા અને ત્યાં જઈને દાળ-પૂરીનો આસ્વાદ માણી આવ્યા, પણ હમણાં ફરી મારા નાટકનો શો સુરતમાં હતો. અગાઉ કહ્યું છે એમ વરાછા વિસ્તારમાં જ અમારી હોટેલ છે, જે ઑલમોસ્ટ કાયમી જ છે. દાળ-પૂરીના સુખદ અનુભવ પછી મેં ફરી નક્કી કર્યું કે આ વખતે પણ મારે એવું જ કરવું જેવું લાસ્ટ વીકમાં કર્યું હતું.
હું તો મારા સાથી કલાકાર વિનાયક કેતકર સાથે નીકળી ગયો તમારા માટેની ફૂડ-ડ્રાઇવ પર અને એ જ વિસ્તારમાં પહોંચ્યા જ્યાં પેલા દાળ-પૂરીવાળાની રેસ્ટોરાં છે. મનમાં હતું કે જો મારી શોધ પૂરી ન થાય તો વળતી વખતે એ દાળ-પૂરી ફરીથી ખાઈને પાછો હોટેલ પર આવી જઈશ; પણ સાહેબ, તમારા માટેનો ફેરો ફોગટ જાય એવું થોડું બને?
ડાયમન્ડ માર્કેટવાળા જ વિસ્તારમાં હું લટાર મારતો હતો ત્યાં મારું ધ્યાન પડ્યું વિજય ઇડલી પર. સાવ નાનકડી દુકાન. હું તો પહોંચ્યો ત્યાં અને ત્યાં જઈને મેં ઇડલી જોવા માગી. આવું કરું તો સ્વભાવિકપણે કોઈને અજુગતું લાગે પણ ચહેરો જાણીતો થઈ ગયો હોવાથી એવું ક્યાંય બન્યું નથી એ મારાં સદનસીબ.
એ ભાઈએ મને ઇડલી દેખાડી અને હું તો આભો રહી ગયો. અત્યારે જે દસ રૂપિયાનો સિક્કો આવે છે એ સાઇઝની ઇડલી અને એ પણ પોડી મસાલો નાખેલી. જોઈને જ આપણને સ્વાદનો અણસાર આવી જાય એવો એનો દેખાવ હતો. મેં તો કહી દીધું, લાવ ભાઈ એક પ્લેટ. એટલે તેણે પ્લેટમાં દસ ઇડલી મૂકી અને એના પર સાઉથની જાણીતી કોપરાની ચટણી નાખી મને પ્લેટ આપી. પહેલી ઇડલી મેં મોઢામાં મૂકીને સાહેબ, જલસો પડી ગ્યો.
કરકરી અને છતાં સૉફ્ટ કહેવાય એવી ઇડલી. બે-ત્રણ ઇડલી ખાઈ લીધા પછી મને યાદ આવ્યું કે મેં ભાવ તો પૂછ્યો નથી એટલે મેં પૂછપરછ કરી તો મને જે ભાવ કહેવામાં આવ્યો એ સાંભળીને મને તો ચક્કર આવી ગયાં.
દસ રૂપિયા!
હા, ખાલી દસ રૂપેડી. જો તમે બે પ્લેટ ઇડલી ખાઈ લો તો બપોરે જમવું ન પડે એવી સરસ અને આઇટમ પણ હેલ્ધી. મેં મન બનાવ્યું કે આપણે બે પ્લેટ તો ખાવાની રહે જ છે પણ ના, મેં એવું ન કર્યું. મને થયું કે આ માણસની ઇડલી આટલી સરસ છે તો ચાલો તેની બીજી વરાઇટી પણ ટ્રાય કરીએ. મેં પૂછ્યું તો મને કહે કે ફરાળી સાબુદાણા વડાંમાં તમને મજા આવશે.
મેં કીધું, આપો અને તેણે પ્લેટ બનાવવાનું શરૂ કર્યું. મોટાં બે વડાં લીધાં અને એના બબ્બે ટુકડા કરી ઉપર પેલી કોપરાની જ ચટણી નાખી મને એ આપ્યાં. ફરીથી નંબર વન. સાબુદાણા વડાં ખાતાં-ખાતાં જ મેં તો તેની પાસે હતી એ ત્રીજી આઇટમ પણ મગાવી લીધી, જે હતી ફરાળી ભેળ. એ પણ સાલ્લી સુપર્બ. મજાની વાત એ કે બધાનો ભાવ આટલો જ વાજબી. વાત કરતાં મને ખબર પડી કે હું નસીબદાર હતો કે મને એ આઇટમ ટેસ્ટ કરવા મળી ગઈ, કારણ કે તે સવારે આ બધું લિમિટેડ સ્ટૉકમાં લઈને આવે અને બપોરે બે વાગ્યે બધું ખવડાવીને ઘરભેગો થઈ જાય.
વધારે માલ રાખવામાં શું વાંધો એવું મેં પૂછ્યું તો મને તેણે જે જવાબ આપ્યો એ બહુ અદ્ભુત હતો. મને કહે કે સાહેબ, માલ વધારે બનાવી શકું પણ મારું પેટ તો એટલું જ રહેવાનુંને!
જ્યાં પણ ખવડાવવામાં આવી ભાવના ઉમેરાય છે ત્યાં સ્વાદ બે ડગલાં આગળ વધી જાય છે અને આ મારો જાતઅનુભવ છે. તમારે પણ અનુભવ કરવો હોય તો સુરતના વરાછા વિસ્તારની ડાયમન્ડ બજારમાં પહોંચી જજો, કોઈને પણ પૂછશો તો વિજય ઇડલી દેખાડી દેશે. પણ હા, બપોરે બે પહેલાં જજો. બીજા દિવસે બે વાગ્યે જઈને મેં તાળાં લાગેલી વિજય ઇડલીની દુકાન જોઈને ખાતરી કરી લીધી છે કે વાલીડો લગીરે ખોટું બોલતો નથી.