19 February, 2026 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલોવેરા લાડુ
સામગ્રી : ૪ અલોવેરા, ૨૫૦ ગ્રામ દેશી ગોળ, ૨૫ ગ્રામ ઓટ્સ, ૩૦૦ ગ્રામ ફુલ ફૅટ દૂધ, ૧/૨ ટેબલ સ્પૂન રવો, અડધી ચમચી તજ પાઉડર, ૨૦૦ ગ્રામ માવો, ૧ ચમચી મગજતરીનાં બી, ૧૫૦ ગ્રામ મિક્સ ડ્રાયફ્રુટ.
રીત : સૌથી પહેલાં અલોવેરા પાક બનાવવા માટે ડાર્ક અલોવેરા પસંદ કરવું કેમ કે એમાં કડવાશ નથી હોતી. અલોવેરાને છોલી અંદરનો સફેદ ગરભ કાઢી લેવો. પછી એના નાના કટકા કરવા. પછી ઠંડા પાણીથી ધોઈ બાજુ પર મૂકવું. એક પૅનમાં ઓટ્સને શેકીને ક્રશ કરી લેવું.
હવે એક કડાઈમાં ઘી લઈ અલોવેરાના સફેદ ગરભના પીસ નાખી ૨થી ૩ મિનિટ થવા દેવું. પછી એમાં દૂધ ઉમેરવું. સાથે રવો અને ઓટ્સ પાઉડર નાખી સીઝવા દેવું. એકદમ સરસ લચકા પડતું થઈ જાય ત્યારે એમાં સમારેલો ગોળ ઉમેરવો અને સાથે માવો પણ ઉમેરી દેવો.
હવે એમાં તજ પાઉડર અને મગજતરીનાં બી નાખવાં અને ડ્રાયફ્રૂટની કતરણ અંદર મિક્સ કરવી. હવે મિશ્રણને એકદમ સારી રીતે મિક્સ કરી હલાવી લેવું. હવે થોડું ઠંડું થવા દેવું. પછી મિશ્રણના લાડુ વાળી લેવા. તૈયાર છે એકદમ હેલ્ધી પૌષ્ટિકતાથી ભરપૂર અલોવેરા લાડુ.