22 October, 2026 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિઝર્ટ નાચોઝ વિથ ઍપલ ક્રમ્બલ
સામગ્રી : નાચોઝ માટે : ટોર્ટિયા શીટ્સ – ચારથી પાંચ, બટર – ૧ટેબલસ્પૂન, દળેલી ખાંડ – ૧ ટેબલસ્પૂન, દાલચીની પાઉડર – અડધી ચમચી
ઍપલ ક્રમ્બલ માટે : બે નંગ સફરજન (નાના ટુકડામાં સમારેલાં), બ્રાઉન શુગર – બે ટેબલસ્પૂન, બટર – ૧ ટેબલસ્પૂન, દાલચીની પાઉડર – અડધી ચમચી, અખરોટ/બદામ – બે ટેબલસ્પૂન (ઝીણાં સમારેલાં), ઓટ્સ – બે ટેબલસ્પૂન
ટૉપિંગ માટે : કૅરૅમલ સૉસ, વ્હીપ્ડ ક્રીમ, સ્ટ્રૉબેરી, ચૉકલેટ સૉસ – જરૂર મુજબ
બનાવવાની રીત : નાચોઝ બનાવો : ટોર્ટિયા શીટ્સને ત્રિકોણ આકારમાં કાપી લો. એના પર ઓગાળેલું બટર લગાવીને દળેલી ખાંડ અને દાલચીની પાઉડર નાખો. 180oC પર પ્રી-હીટ કરેલા અવનમાં લગભગ ૮-૧૦ મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી બેક કરો.
ઍપલ ક્રમ્બલ બનાવો : પૅનમાં બટર ગરમ કરીને એમાં સમારેલાં સફરજન, બ્રાઉન શુગર અને દાલચીની પાઉડર ઉમેરો. સફરજન થોડું નરમ થાય ત્યાં સુધી ચાર-પાંચ મિનિટ સાંતળો. ત્યાર બાદ ઓટ્સ અને સમારેલાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરો અને બે-ત્રણ મિનિટ શેકો. મિશ્રણ થોડું કરકરું અને સુગંધિત થાય એટલે ગૅસ બંધ કરો.
સર્વ કરો : સર્વિંગ-બૉક્સ અથવા પ્લેટમાં ક્રિસ્પી નાચોઝ ગોઠવો. એના ઉપર તૈયાર કરેલું ઍપલ ક્રમ્બલ અને કૅરૅમલ સૉસ નાખો. ત્યાર બાદ વ્હીપ્ડ ક્રીમના નાના ડોલપ્સ અને સ્ટ્રૉબેરીના ટુકડાથી ગાર્નિશ કરો.
આજે છે ઇન્ટરનૅશનલ નાચોઝ ડે
અમેરિકાના ટેક્સસ રાજ્યના ઈગલ પાસ શહેરની સરહદ પર મેક્સિકો દેશના નાકડા ગામમાં રહેતાં ઇગ્નૅશિયો નાચો અનાયા નામનાં બહેને ૧૯૪૩માં આ વાનગી બનાવી હતી. અમેરિકન મિલિટરી ઑફિસરોની પત્નીઓ મેક્સિકન સરહદ પર મુલાકાતે આવી હતી અને એ જ વખતે રેસ્ટોરાંનો કુક ગાયબ હતો એટલે ઇગ્નૅશિયો નાચો અનાયાએ કિચનમાં જે પણ અવેલેબલ હતું એમાંથી ટોર્ટિયા શીટ્સને ફ્રાય કરીને એના પર મેલ્ટેડ ચીઝ અને પીકલ્ડ એલપીનો અને મેક્સિકન સૅલડ બનાવીને પીરસ્યું હતું અને એને નામ આપ્યું હતું નાચોઝ સ્પેશ્યલ. આ વાનગી આર્મી ઑફિસરોની પત્નીઓને બહુ જ ભાવી અને તેમણે એને અમેરિકામાં ફેમસ કરી. બીજી તરફ મેક્સિકન બૉર્ડર પાસે રહેતાં ઘરોમાં એ નાચોઝ સ્પેશ્યલ તરીકે વાઇરલ થઈ. અનાયાએ કદી આ વાનગીના કૉપીરાઇટ નોંધાવ્યા નહોતા, પરંતુ ૧૯૬૦માં તેના દીકરાએ વકીલ રાખીને આ વાનગીના કૉપીરાઇટ્સ લેવાની કોશિશ કરી હતી. જોકે એ ઇન્વેન્શનને લગભગ બે દાયકા થઈ ગયા હોવાથી તેની દરખાસ્ત સ્વીકારાઈ નહોતી. હાલમાં નાચોઝની સાથે જે ચીઝી સૉસ પીરસાય છે એ ૧૯૭૬માં ફ્રૅન્ક લિબર્ટોએ શોધ્યો હતો. ૨૧ ઑક્ટોબરે ઇગ્નૅશિયો નાચો અનાયાનો જન્મદિવસ હોવાથી તેની યાદમાં આજે ઇન્ટરનૅશનલ નાચોઝ ડે વિશ્વભરમાં ઊજવાય છે.
- ડિમ્પલ પારેખ