09 July, 2026 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાલક ઓટ્સ કોફ્તા વિથ પાલક ગ્રેવી
સામગ્રી : કોફ્તા માટે : પનીર (ભૂકો કરેલું), ઓટ્સનો પાઉડર, મીઠું, લીલાં મરચાં (બારીક સમારેલાં), લાલ મરચું પાઉડર, ધાણા-જીરું પાઉડર, ગરમ મસાલો, ઑલિવ ઓઇલ, તળવા માટે તેલ
ગ્રેવી માટે : પાલક, ડુંગળી (સમારેલી), લીલાં મરચાં, આદું, લસણ, કાજુ, તેજપાન, જીરું, ઑલિવ ઑઇલ, તાજું ક્રીમ (ગાર્નિશ માટે)
બનાવવાની રીત : સૌપ્રથમ પનીરને ભૂકો કરી એમાં થોડું ઑલિવ ઑઇલ, ઓટ્સનો પાઉડર, મીઠું, લીલાં મરચાં, લાલ મરચું પાઉડર, ધાણા-જીરું પાઉડર અને ગરમ મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાંથી નાના-નાના ગોળ કોફ્તા બનાવો. દરેક કોફ્તાને ઓટ્સના પાઉડરમાં હળવેથી કોટ કરીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે એક કડાઈમાં થોડું પાણી લઈ એમાં ડુંગળી, લીલાં મરચાં, આદું, લસણ, કાજુ અને તેજપાન ઉમેરીને ઉકાળો. ઠંડું થયા પછી તેજપાન કાઢીને બાકીના મિશ્રણની બારીક પેસ્ટ બનાવી લો. બીજી તરફ પાલકને બે-ત્રણ મિનિટ માટે બ્લાંચ કરો અને તરત જ બરફવાળા ઠંડા પાણીમાં મૂકી દો. ત્યાર બાદ એની સ્મૂથ પ્યુરી તૈયાર કરો. કડાઈમાં ઑલિવ ઑઇલ ગરમ કરીને એમાં જીરું ઉમેરો. પછી તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ ઉમેરીને સારી રીતે સાંતળો. ત્યાર બાદ પાલકની પ્યુરી ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી રાંધો. તૈયાર ગ્રેવીમાં તળેલા કોફ્તા ઉમેરો અને એક-બે મિનિટ ધીમા તાપે ચડવા દો. ઉપરથી તાજા ક્રીમથી ગાર્નિશ કરીને ગરમાગરમ પાલક ઓટ્સ કોફ્તા ફૂલકા અથવા પરાઠા સાથે પીરસો.