06 July, 2025 07:08 AM IST | Mumbai | Darshini Vashi
આવજો ફૂડીઝ ફૂડ-ટ્રક, ખાઉગલી, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઈસ્ટ), (BYOB) ચિપ્સ
નૉર્મલી આપણે બાળકોને ચિપ્સ ખાવાની ના પાડતા હોઈએ છીએ કેમ કે એ હેલ્ધી હોતી નથી પણ જો એમાં હેલ્ધી ઑપ્શન મળી જાય તો કેવી મજા પડી જાય. કદાચ આવો જ વિચાર ઘાટકોપરની આ ફૂડ-ટ્રકવાળાને આવ્યો હશે. એટલે તેમણે એક નવીન પ્રકારની વાનગી રજૂ કરી છે જે ઘણી ઇન્ટરેસ્ટિંગ અને માઉથ-વૉટરિંગ પણ છે. તો ચાલો જાણીએ થોડું વધુ ડીટેલમાં.
ઘાટકોપરની ફેમસ એવી ખાઉગલીમાં આવજો ફૂડીઝ નામની એક ફૂડ-ટ્રક ઊભી રહે છે જ્યાં પીત્ઝા, મોઇતો, નાચોઝ, સ્ટ્રૉબેરી ચૉકલેટ વગેરે તો મળે જ છે પણ થોડા સમય પહેલાં તેમણે કંઈક અલગ જ કન્સેપ્ટ સાથે નવી વરાઇટી લૉન્ચ કરી છે. ‘બ્રિન્ગ યૉર ઓન બૅગ’ (BYOB) કન્સેપ્ટ હેઠળ અહીં આપણે મનપસંદ ચિપ્સનાં પૅકેટ લઈને જવાનાં હોય છે અથવા તો અહીં ઉપલબ્ધ બેક્ડ અને મલ્ટિગ્રેન ચિપ્સનાં પૅકેટને ખરીદવાનાં હોય છે જેને તેઓ કાપીને અંદર કસ્ટમરની પસંદગી મુજબ અલગ-અલગ વેજિટેબલ્સ, સૉસ, ચીઝ, પનીર, ટૉપિંગ વગેરે નાખીને આપે છે. આ વરાઇટીની અંદર જૈન વિકલ્પ પણ છે. નાની-નાની ભૂખ સંતોષવા માટે આવા પ્રકારની ચિપ્સ ચાટ બેસ્ટ ઑપ્શન બની રહેશે. આ સિવાય અહીં મળતાં વેજિટેબલ્સ અને ચીઝ લોડેડ પીત્ઝા પણ ઘણા લોકપ્રિય છે અને સૉફ્ટ ડ્રિન્કમાં સ્ટ્રૉબેરી વિથ ચૉકલેટ ઍન્ડ ગ્વાવા મોઇતો પણ યુનિક વરાઇટીમાં આવે છે. આ ફૂડ-ટ્રક બપોર પછી શરૂ કરવામાં આવે છે અને મોડી રાત સુધી ખુલ્લી રહે છે.
ક્યાં મળશે? : આવજો ફૂડીઝ ફૂડ-ટ્રક, ખાઉગલી, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઈસ્ટ)