06 September, 2025 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રકાશ ઢોસા, વૉલ્ટાસ હાઉસની બાજુમાં, કાલાચોકી, ભાયખલા (ઈસ્ટ)
કંઈક લાઇટ અને ટેસ્ટી ખાવાની ઇચ્છા થતી હોય ત્યારે સાઉથ ઇન્ડિયન ડિશ તરફ મન વળે. જેમ દરેક જગ્યાનાં બટાટાવડાં અલગ-અલગ હોય છે અને એની ખાસિયત પણ વિભિન્ન હોય છે એમ સાઉથ ઇન્ડિયન વરાઇટીના ટેસ્ટમાં પણ એવું જ હોય છે. દરેક જગ્યાનો ટેસ્ટ અને ચટાકો અલગ હોય છે. પરંતુ મુંબઈમાં ખૂબ એવી જૂજ જગ્યાઓ હશે જેના ફૂડનો ટેસ્ટ તાળવે ચોંટી જાય એમાં પ્રકાશ ઢોસાનું નામ આવે છે.
આમ તો પ્રકાશ ઢોસા નામનાં ઘણા સ્ટૉલ અને રેસ્ટોરાં મુંબઈમાં છે પણ આ પ્રકાશ ઢોસા (અમ્મા લિજેન્સી) બધાથી અલગ છે. લગભગ ૧૯૮૧ની સાલની આસપાસ મા અને દીકરાએ મળીને રસ્તા પર એક ટોપલીમાં ઇડલી-ચટણી વેચવાની શરૂઆત કરી હતી, પણ જોતજોતાંમાં તેમનાં ઇડલી-વડાં એટલાં ફેમસ થઈ ગયાં કે આ ટેબલ એક બાંકડો બની ગયો. બાંકડો પછી સ્ટૉલ બન્યો અને પછી રેસ્ટોરાં. આ રેસ્ટોરાંમાં સોથી વધુ વરાઇટીના ઢોસા મળે છે. જૈન વરાઇટી પણ મળે છે. હેલ્ધી ઑપ્શનમાં નાચણી અને રાગીના ઢોસા પણ મળે છે. અન્ય વરાઇટીની વાત કરીએ તો પનીર ચિલી, રવા બિસ્કિટ ઢોસા, જીની, કોલ્હાપુરી ઢોસા, ચિલી ઇડલી, પનીર ફ્રૅન્કી વગેરેનો સમાવેશ થાય છે. બીજું, તમે કોઈ પ્રૉપર સાઉથ ઇન્ડિયન આઉટલેટમાં ગયા હો અને ત્યાંની કૉફી અને શીરો ટ્રાય ન કરો તો કેમ ચાલે? અહીંનો પાઇનૅપલ શીરો અને ફિલ્ટર કૉફી પણ એટલાં જ ફેમસ છે અને ટ્રાય કરવા જેવાં છે. આમ તો આ રેસ્ટોરાં રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ બંધ થઈ જાય છે પરંતુ ગણેશોત્સવ દરમિયાન ૨૪ કલાક ખુલ્લી રહે છે. બીજું એ કે પરેલ વર્કશૉપની બરાબર સામે આજે પણ પ્રકાશ ઢોસાનો બાંકડો જોવા મળશે. તેમણે હજી તેમની માતાની યાદગીરી સ્વરૂપે એ બાંકડાને આજે પણ ચાલુ રાખ્યો છે જ્યાં આજે પણ તેમની અમ્માની સ્ટાઇલનાં ઇડલી-વડાં વેચવામાં આવે છે.
ક્યાં આવેલું છે? : પ્રકાશ ઢોસા, વૉલ્ટાસ હાઉસની બાજુમાં, કાલાચોકી, ભાયખલા (ઈસ્ટ)