08 February, 2025 10:00 AM IST | Mumbai | Darshini Vashi
અલ્ફ્રેડો પાસ્તા (ફુલ) 100 (હાફ) અને અવાકાડો બ્રાઉન સૅન્ડવિચ
મુંબઈ એવું શહેર છે જ્યાં બધું મળી રહે છે. કપડાં હોય કે જ્વેલરી કે પછી ફૂડ, દુનિયાના કોઈ પણ ખૂણે મળતી બધી વસ્તુ તમને મુંબઈમાં મળે છે. આટલું ઓછું હોય એમ હવે તો મુંબઈની સ્ટ્રીટ ઉપર પણ એ મળી રહે છે. ફ્લોરેન્ટાઇન સ્પગેટી, અલ્ફ્રેડો પાસ્તા, અવાકાડો ટોસ્ટ જેવી વિદેશી ભૂમિની એવી-એવી ડિશ અહીં મળતી થઈ ગઈ છે જે સામાન્ય રીતે મોંઘી રેસ્ટોરાંમાં જ જોવા મળતી હોય છે.
કાંદિવલીના મહાવીરનગરમાં એક ટ્વિસ્ટારા નામનો સ્ટૉલ શરૂ થયો છે જે પાસ્તા, સ્પગેટી, ચીઝ અને બ્રેડના ચાહકો માટે બેસ્ટ પ્લેસ બની રહેશે. આ સ્ટૉલ ૨૪ વર્ષનો સ્મિત શાહ નામનો યુવાન ચલાવે છે. સ્મિત હોટેલ મૅનેજમેન્ટની ડિગ્રી ધરાવે છે અને જોગેશ્વરીમાં આવેલી એક રેસ્ટોરાંમાં શેફ તરીકે કામ કરતાં-કરતાં તેને વિચાર આવ્યો કે બીજાની રેસ્ટોરાં માટે કામ કરવાને બદલે હું પોતે જ મારો આગવી વાનગીઓનો સ્ટૉલ કરું તો? દરેક એજ-ગ્રુપના લોકોને પસંદ પડે એવી રેસ્ટોરાંમાં મળતી ડિશિસ સ્ટૉલ પર અફૉર્ડેબલ પ્રાઇસમાં મળી રહે એ વિચારથી સ્મિતે ટ્િવસ્ટારાની શરૂઆત કરી છે.
સ્મિત ઇટલીની પ્રસિદ્ધ વાનીને કાંદિવલીની સ્ટ્રીટ પર લઈ આવ્યો છે. ફ્લોરેન્ટાઇન સ્પગેટી એ સ્પગેટીની નવી ડિશ છે જે લુકમાં થોડી પાસ્તા જેવી પણ લાગે છે. પાસ્તાના સૉસની જેમ આની અંદર પણ સૉસ બનાવવામાં આવે છે. વેજિટેબલ્સ પણ નાખવામાં આવે છે, પણ ઉપરથી પાસ્તાને બદલે નૂડલ્સ નાખવામાં આવે છે અને બીજા થોડા મસાલા, પણ ખાવાની મજા પડી જાય છે.
આવી જ બીજી એક ડિશ છે અલ્ફ્રેડો પાસ્તા, જેમાં ક્રીમી પાસ્તાની સાથે બે ગાર્લિક બ્રેડ આપવામાં આવે છે. સૅન્ડવિચ પ્રિય હોય તો અવાકાડો બ્રાઉન સૅન્ડવિચ ટ્રાય કરજો જેની અંદર વેજિટેબલ્સ અને અવાકાડો નાખવામાં આવે છે. આવી તો બીજી પણ અનેક ડિશ છે અને કુકીઝ પણ ખરી. પણ હા, આ દરેક આઇટમ ગરમાગરમ ખાવાની જ મજા પડશે. ભાવ પણ એટલા હાઈ નથી એટલે મોજથી ખાઈ શકો છો.
ક્યાં મળશે? : ટ્વિસ્ટારા, 90 ફીટ રોડ, કોટક બૅન્કની સામે, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ)