03 October, 2026 06:11 PM IST | Mumbai | Darshini Vashi
માત્ર પ્રોટીન ડ્રિન્ક્સની ૧૦ વરાઇટી મળશે અહીં
આજકાલ પ્રોટીન ફૂડનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. ખાસ કરીને જે લોકો જિમમાં જતા હોય અથવા તો સ્પોર્ટ્સની સાથે સંકળાયેલા હોય તેમના માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. પ્રોટીન ઇન્ટેકને લઈને આજે લોકો અલર્ટ પણ બન્યા છે જેને લીધે ઠેર-ઠેર પ્રોટીન પાઉડર અને પ્રોટીન ફૂડ સર્વ કરતા લોકોની સંખ્યા વધી રહી છે. જોકે પ્રોટીન ડ્રિન્કની વાત આવે ત્યારે આપણે કહી શકીએ કે એમાં બહુ વરાઇટી જોવા નથી મળતી. જોકે મહાવીરનગરમાં બે મિત્રોએ મળીને માત્ર પ્રોટીન શેક સર્વ કરતો કાર્ટ શરૂ કર્યો છે.
મહાવીરનગરની ખાઉગલીમાં લગભગ દસેક જેટલી વરાઇટીના પ્રોટીન શેક લઈને આવનારા રુદ્ર રાજપૂત અને દિવ્ય સોની કૉલેજમાં ભણે છે અને સાંજે મહાવીરનગરમાં કાર્ટ શરૂ કરે છે. પૅશનની સાથે ફાઇનૅન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ શકાય એ માટે તેમણે આ કાર્ટ શરૂ કરવાનો વિચાર કર્યો હતો. રુદ્ર રાજપૂત કહે છે, ‘અમે લગભગ બે મહિના પહેલાં જ પ્રોટીન ડ્રિન્ક પીરસતો કાર્ટ શરૂ કર્યો છે. એનો આઇડિયા અમારા બન્નેનો હતો. મુંબઈમાં ભાગ્યે જ કોઈ જગ્યા હશે જ્યાં આ પ્રકારનાં પ્રોટીન ડ્રિન્ક્સ મળતાં હશે. અમે એની અંદર ઘણી નવીનતા લાવ્યા છીએ જેને લીધે લોકોને એ પસંદ પણ પડી રહ્યું છે.’
પ્રોટીન ડ્રિન્કની વાત કરીએ તો અહીં દરેક ડ્રિન્ક ૨૦૦ રૂપિયાની અંદર જ મળે છે. એમાં સૌથી ફેમસ પ્રોટીન કન્ચ છે જેમાં ચોકો ઓટ્સ, ચિયા સીડ્સ પુડિંગ અને ચોકો ક્રીમ આવે છે. એ પછી સિનેમન બિસ્કૉફ આવે છે. ત્યાર બાદ ઓરિયો ક્લાઉડ લાતે છે જેમાં કૉફી, ઓરિયો બિસ્કિટનો ભૂકો, ચોકો ક્રીમ અને પ્રોટીન પાઉડર હોય છે. દરેક પ્રોડક્ટની સામે એમાં કેટલા ગ્રામ પ્રોટીન છે એનો પણ તેમણે ઉલ્લેખ કરેલો છે.
ક્યાં મળશે? :
ક્લબ બ્રેયો, ક્રોમોના શોરૂમની સામે, મહાવીરનગર, કાંદિવલી-વેસ્ટ
સમય : સાંજે ૬.૩૦ વાગ્યાથી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી