27 April, 2025 07:30 AM IST | Mumbai | Darshini Vashi
લિપ સ્મૅકર્સ, એવરશાઇન મૉલની સામે, ચિંચોલી બંદર રોડ, મલાડ (વેસ્ટ)
ફૂડ-ટ્રકનો કન્સેપટ નવો નથી. વિદેશોમાં ફૂડ-ટ્રક ઘણી હિટ સાબિત થઈ છે પરંતુ અહીં આપણે ત્યાં આ કન્સેપ્ટને જોઈએ એટલી હાઇપ મળી નથી એટલે ઘણી ઓછી જગ્યાએ ફૂડ-ટ્રક ઊભી રહેલી જોવા મળે છે. બીજું એ કે આ ફૂડ-ટ્રકને મૅનેજ કરવી પણ સરળ હોતું નથી અને એમાં પણ જો મહિલાના ભાગે આ કાર્ય આવે તો એ ખરેખર ખૂબ જ પરિશ્રમ અને મહેનત માગી લે છે. મુંબઈની વાત કરીએ તો બહુ જ ઓછી એવી ફૂડ-ટ્રક છે જે મહિલાઓ દ્વારા સંચાલિત છે. એમાંની એક મલાડના ચિંચોલી બંદરના સિગ્નલ નજીક સ્થિત છે.
કાંદિવલીમાં રહેતી અને અગાઉ ફૅશન-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી કરિશ્મા શાહે બે મહિના અગાઉ જ મલાડના એવરશાઇન મૉલની સામે એક ફૂડ-ટ્રક શરૂ કરી છે જેમાં અત્યારે ટ્રેન્ડમાં છે એવી તમામ વાનગીઓ મળી રહી છે. ફૂડ-ટ્રકની વાત કરીએ તો એના લોગોથી લઈને ઇન્ટીરિયર સુધીની દરેક વસ્તુ એકદમ જ આઇકૅચી બનાવવામાં આવી છે એટલું જ નહીં, ટ્રકની પાછળનાં ભાગમાં નાનોસરખો સિટિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. ફૂડ-ટ્રક વિશે વધુ જાણકારી આપતાં કરિશ્મા શાહ કહે છે, ‘હું પહેલાં અલગ ક્ષેત્રમાં હતી, પરંતુ મને ફૂડ ક્ષેત્રે વિશેષ રસ પણ હતો એટલે મેં બેકિંગનો કોર્સ કર્યો અને પછી મેં જ મારી ફૂડ-ટ્રક શરૂ કરી દીધી. જ્યાં મારી આ ફૂડ-ટ્રક છે ત્યાં મહત્તમ ફૂડ-સ્ટૉલ અને રેસ્ટોરાં નૉન-વેજ ફૂડ બનાવે છે, પરંતુ હું પોતે જૈન છું એટલે અહીં માત્ર વેજ અને જૈન આઇટમ જ મળે છે. મહિલા થઈને ફૂડ-ટ્રક ચલાવવી સહેલું નથી, અનેક પડકારો અને અડચણો આવે છે છતાં હું મૅનેજ કરી લઉં છું.’
પનીર ચીઝ સૅન્ડવિચ
અહીં કોરિયન ચીઝ બન, વેજ ચીઝ કોન, લેઝ ભેળ, પનીર બેક્ડ બાઓ, પનીર સૅન્ડવિચ વગેરે સૌથી વધુ ખવાતી આઇટમ છે. આ દરેક આઇટમને તેણે પોતાની રીતે અલગ ટચ આપીને બનાવી છે. તેમ જ પનીરથી લઈને દરેક ફૂડ-આઇટમ્સમાં વપરાતા મસાલા સુધીની દરેક વસ્તુ જાતે જ બનાવે છે. ક્લીનનેસ અને ક્વૉલિટીની વાત કરીએ તો એ વસ્તુ અહીં આવીને જ તમને ખબર પડી જશે કે એ કેટલી સરસ રીતે મૅનેજ કરવામાં આવેલી છે.
કોરિયન ચીઝ બન
ક્યાં છે?: લિપ સ્મૅકર્સ, એવરશાઇન મૉલની સામે, ચિંચોલી બંદર રોડ, મલાડ (વેસ્ટ). સમય : બપોરે ૩ વાગ્યાથી લઈને રાત્રે ૧૨ વાગ્યા સુધી