કોળાનાં બીજ ખાશો તો મૂડ સુધરી જશે

28 February, 2025 07:01 AM IST  |  Mumbai | Heena Patel

પમ્પકિન સીડ્સના નિયમિત સેવનથી માઇલ્ડ ડિપ્રેશનનાં લક્ષણો પણ ઘટી જાય છે. તો હવે રોજ રાતે કોળાનાં બીજનો મુખવાસ અચૂક ખાજો

કોળાનાં બીજ

છેલ્લા થોડાક સમયથી ફૂડમાં બીજનો ઉમેરો કરવા વિશે જાગૃતિ આવી છે. આ બીજ ફિઝિકલ હેલ્થની સાથે મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવામાં પણ મદદરૂપ થાય છે. સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટીને નિયંત્રિત કરવામાં બીજ કામનાં છે. મગજ શાંત કરીને ઊંઘ લાવવામાં મદદ કરનારાં પમ્પકિન સીડ્સના નિયમિત સેવનથી માઇલ્ડ ડિપ્રેશનનાં લક્ષણો પણ ઘટી જાય છે. તો હવે રોજ રાતે કોળાનાં બીજનો મુખવાસ અચૂક ખાજો

લોકોમાં હવે ફિઝિકલ હેલ્થની સાથે મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવાની અવેરનેસ પણ વધી છે. એવામાં મેન્ટલ હેલ્થ સારી રાખે એવા ફૂડ ઑપ્શન્સ પણ લોકો એક્સપ્લોર કરી રહ્યા છે. આવું જ એક સુપરફૂડ એટલે પમ્પકિન સીડ્સ જેને આપણે કોળાનાં બીજ કહીએ છીએ. કોળાનાં બીજમાં અમુક એવાં પોષક તત્ત્વો છે જે સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટીને રેગ્યુલેટ કરવામાં મદદરૂપ બને છે એટલું જ નહીં, સ્ટ્રેસને કારણે જેમને રાત્રે ઊંઘ ન આવતી હોય તેમને પણ કોળાનાં બીજ ખાવાથી ફાયદો થાય છે.

ભારતમાં છેલ્લાં અમુક વર્ષોમાં પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ જેવાં વિવિધ પ્રકારનાં બીજનો ડાયટમાં સમાવેશ વધ્યો છે. આ બધાં સીડ્સનો લોકો ડાયટમાં સમાવેશ કરતા થયા છે કારણ કે તેમને એના ફાયદાઓ ખબર પડવા લાગ્યા છે. આજે વાત કરીએ  પમ્પકિન સીડ્સ એટલે કે કોળાનાં બીજની. હજી દસ-બાર વર્ષ પહેલાં સુધી કોળાનાં બીજ સાવ ફેંકી જ દેવાતાં હતાં પણ હવે એના ગુણોની કદર થવા લાગી છે. અનેક અભ્યાસોમાં સાબિત થયું કે આ બીજ શારીરિક સ્વાસ્થ્ય માટે તો સારાં છે જ પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ એટલાં જ સારાં છે. એવાં રિસર્ચ થયાં છે જેમાં દાવો કરાયો છે કે કોળાનાં બીજમાં ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીને ઓછાં કરવાની પણ ક્ષમતા છે. એ સિવાય જેમને રાત્રે ગાઢ નિદ્રા ન આવતી હોય કે રાત્રે નીંદર લીધા પછી પણ એવું લાગે કે આખી રાત ઊંઘ આવતી જ નથી તો તેમને કોળાનાં બીજ ખાવાથી ફાયદો મળી શકે છે. ડાયટિશ્યન જિનલ સાવલા કહે છે, ‘મોટા ભાગે અપૂરતી ઊંઘને કારણે અનેક સમસ્યાઓ જન્મતી હોય છે. અપૂરતી ઊંઘને કારણે મૂડ સ્વિંગ્સ વધે છે. સુસ્તી વધે છે. યાદશક્તિ ઘટે છે અને માનસિક રીતે પણ ડિસ્ટર્બન્સ પેદા થાય છે. જો ઊંઘ પૂરતી મળી જાય તો ઘણી સમસ્યાઓ ઘટી જાય. એ રીતે જોઈએ તો કોળાનાં બીજમાં રહેલા આયર્નથી ટાઇરોસિન અને ટ્રિપ્ટોફેન નામનાં એન્ઝાઇમ્સ પેદા થાય છે જે ડોપામાઇન અને સેરોટોનિન જેવાં મગજમાંથી સ્રવતાં કેમિકલ્સ ઝરે છે. આ બન્ને કેમિકલ્સ ફીલ ગુડ ફૅક્ટર વધારે છે અને નકારાત્મક ઊર્જા પેદા કરતાં તનાવ અને ઍન્ગ્ઝાયટી આપમેળે ઘટે છે. કોળાનાં બીજના સેવનથી યાદશક્તિ વધે, હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે, ઇમ્યુનિટી સુધરે, પાચન સુધરે વગેરે જેવા અનેક સ્વાસ્થ્ય લાભો થાય છે.’

કોળાનાં બીજ કઈ રીતે આપણા સ્વાસ્થ્ય પર અલગ-અલગ પ્રકારના ફાયદા કરે છે એ જાણીએ.

ડિપ્રેશન-ઍન્ગ્ઝાયટી ઘટાડે

કોળાનાં બીજમાં ટ્રિપ્ટોફેન અને ટાયરોસિન હોય છે જે સેરોટોનિન અને ડોપામાઇનના પ્રોડક્શનમાં શરીરને મદદ કરે છે. સેરોટોનિન અને ડોપામાઇન ઍન્ગ્ઝાયટી અને સ્ટ્રેસને રેગ્યુલેટ કરવા માટે જાણીતાં છે. એવી જ રીતે કોળાનાં બીજમાં રહેલું મૅગ્નેશિયમ સ્ટ્રેસને ઓછું કરવાનું કામ કરે છે, કારણ કે એ નર્વ સિસ્ટમને રિલૅક્સ કરવાનું કામ કરે છે. કેટલાંક રિસર્ચ એવું ઇન્ડિકેટ કરે છે કે શરીરમાં મૅગ્નેશિયમની અછત હોય તો સ્ટ્રેસ વધી શકે છે. એવી જ રીતે સ્ટ્રેસને કારણે ઘણી વાર બ્લડપ્રેશર વધી જતું હોય છે. પોટૅશિયમ બ્લડપ્રેશરને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. કોળા જેવા બ્લડપ્રેશર ઘટાડે એવા ફૂડ ખાવા પર આપણે ધ્યાન આપીએ તો પણ ઍન્ગ્ઝાયટી અને સ્ટ્રેસને ઓછાં કરવામાં થોડે અંશે સફળતા મળી શકે છે.

ઊંઘવામાં કરશે મદદ

વધુપડતું સ્ટ્રેસ, અયોગ્ય આહાર, ડેઇલી રૂટીનમાં સતત બદલાવ વગેરે કારણોસર ઊંઘવામાં સમસ્યા થાય છે. ઓછી ઊંઘને કારણે લોકોમાં હતાશા, બેચેની, મેદસ્વિતા જેવી સમસ્યા વધી રહી છે. એવામાં દરરોજ પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. કોળાનાં બીજમાં ટ્રિપ્ટોફેન હોય છે જે એક અમીનો ઍસિડ છે અને ઊંઘ લાવવામાં મદદ કરે છે. એવી જ રીતે કોળાનાં બીજમાં ઝિન્ક, કૉપર અને સેલેનિયમ હોય છે જે ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. રાત્રે સૂવા જઈએ એની પહેલાં કોળાનાં બીજ ખાઈ લઈએ તો ઊંઘ સારી આવે છે. રાત્રે જેમની નીંદર વારંવાર તૂટી જતી હોય, ગાઢ નિદ્રા ન આવતી હોય એ લોકોને કોળાનાં બીજ ખાવાથી ફાયદો થઈ શકે છે.

યાદશક્તિ સુધારે

કોળાનાં બીજમાં ઝિન્ક સારા પ્રમાણમાં હોય છે. આ મિનરલ યાદશક્તિ મજબૂત કરવામાં અને વિચારક્ષમતાને સારી કરવા માટે જરૂરી છે. એ સિવાય એમાં મૅગ્નેશિયમ, કૉપર અને આયર્ન જેવાં મિનરલ્સ પણ છે જે નર્વ સિસ્ટમને મેઇન્ટેન રાખવામાં મદદ કરીને ઑલ્ઝાઇમર્સ, ડિમેન્શિયા જેવી યાદશક્તિ નબળી પડવા સંબંધિત બીમારીનું જોખમ ઓછું કરે છે.

હૃદયને રાખે સ્વસ્થ

કોળાનાં બીજમાં મૅગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે. મૅગ્નેશિયમનું કામ બ્લડપ્રેશરને રેગ્યુલેટ કરવામાં મદદ કરવાનું છે. એવી જ રીતે કોળાનાં બીજમાં હેલ્ધી ફૅટ્સ અને ઍન્ટિઑક્સિડન્ટ્સ રહેલાં છે જે બૅડ કૉલેસ્ટરોલને ઘટાડીને ગુડ કૉલેસ્ટરોલને વધારવામાં મદદરૂપ બને છે. કોળાનાં બીજમાં રહેલું વધુ ફાઇબર, ઓછું કાર્બ્સ, મૅગ્નેશિયમ અને ઝિન્ક ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી સુધારે છે અને બ્લડ-શુગર ઘટાડે છે. એટલે કોળાનાં બીજ ખાવાથી આવી હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઘટે છે અને આપણા હૃદયનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

પાચન સુધારે

કોળાનાં બીજમાં ફાઇબરનું સારું પ્રમાણ હોય છે જે રેગ્યુલર બૉવેલ મૂવમેન્ટને સુધારીને કબજિયાત ટાળે છે. એવી જ રીતે ફાઇબર સ્ટૂલમાં બલ્ક ઍડ કરવાનું કામ કરે છે, પરિણામે મળત્યાગ કરતી વખતે વધુ પડતું જોર લગાવવું પડતું નથી. કોળાનાં બીજમાં પ્રીબાયોટિક્સ હોય છે જે આપણા ગટમાં ગુડ બૅક્ટેરિયાને વધારવાનું કામ કરે છે. આપણા ગટમાં હેલ્ધી માઇક્રોબાયોમ એટલે કે ગુડ અને બૅડ બૅક્ટેરિયા વચ્ચે એક સંતુલન જળવાય એ ખૂબ જરૂરી છે. હેલ્ધી માઇક્રોબાયોમ પેટની તંદુરસ્તી અને બીમારીઓથી બચવા માટે ખૂબ જરૂરી છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

કોળાનાં બીજમાં ઝિન્ક અને વિટામિન બન્ને હોય છે જેને ઇમ્યુનિટી મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

હૉર્મોનલ સીડ સાઇકલ

સ્ત્રીઓના શરીરમાં ૨૮ દિવસનું એક હૉર્મોનલ ચક્ર ચાલતું હોય છે. આ ચક્ર નિયમિત ચાલે એ માટે આજકાલ ચોક્કસ સીડ્સને પિરિયડ સાઇકલના નિયત દિવસે લેવાનાં હોય છે. કોળાનાં બીજ  પિરિયડ્સ શરૂ થવાના થોડા દિવસ પહેલાંની સાઇકલમાં જો સમાવવામાં આવે તો એનાથી મેન્સ્ટ્રુઅલ મૂડ સ્વિંગ્સમાં ચોક્કસ ફરક પડે છે.

કઈ રીતે સમાવી શકાય?

જો તમે સારી ઊંઘ માટે કોળાનાં બીજ લેતા હો તો બને ત્યાં સુધી શેકીને એમ જ ખાવાં. એમાં સૉલ્ટ પણ ન લેવું. સીડ્સને સૉલ્ટી કરી નાખવાથી શરીરમાં બિનજરૂરી સોડિયમ કન્ટેન્ટ વધે છે. સોડિયમ વધુ હોય તો ઊંઘની સાઇકલ પર માઠી અસર કરે છે.

ઊંઘ કે ડિપ્રેશનનાં લક્ષણો માટે કોળાંનાં બીજ લેતા હો તો કેળાં અને દૂધની સાથે ચપટીક તજ અને આ સીડ નાખીને એની સ્મૂધી બનાવીને સૂવાના બેથી ત્રણ કલાક પહેલાં લેવાથી ફાયદો થાય છે.

ઘણાં મૅગ્નેશિયમ ઑઇલમાં ઑલરેડી પમ્પકિન સીડનું ઑઇલ ઉમેરવામાં આવે છે. જો એવું ઑઇલ વાપરવું હોય તો સૅલડમાં કે સૂપ પર ઉપરથી આ ઑઇલ છાંટી શકાય.

મુખવાસમાં કોળાનાં બીજનો ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ અને સૌથી સહેલો છે. કાળી સૂકી દ્રાક્ષ કે સૂકવેલી ટાર્ટ ચેરીઝની સાથે મુખવાસમાં એનો ઉપયોગ કરવાથી ઊંઘની બાબતમાં શ્રેષ્ઠ ફાયદો થશે.

Gujarati food indian food health tips life and style