ગુજરાત કૉલેજનાં દાળવડાં ખાધા પછી મને ગુસ્સો શું કામ આવ્યો?

09 September, 2021 12:44 PM IST  |  Mumbai | Sanjay Goradia

ચણાની દાળને વાટીને બનાવવામાં આવતાં દાળવડાંને ઘણી જગ્યાએ વાટી દાળનાં ભજિયાં પણ કહે છે

ગુજરાત કૉલેજનાં દાળવડાં ખાધા પછી મને ગુસ્સો શું કામ આવ્યો?

થોડાં વર્ષ પહેલાં ટીવીસિરિયલનું પ્રોડક્શન શરૂ કર્યું હતું, પણ એ પછી અમુક કારણોસર એ પડતું મૂક્યું હતું. જોકે હવે ફરીથી પ્રોડક્શન લાઇનમાં એન્ટર થઈને વેબસિરીઝનું પ્રોડક્શન કરવાનો છું. એક વેબસિરીઝ ઑલરેડી પાસ થઈ ગઈ છે અને બે સિરીઝ અપ્રૂવલના ફાઇનલ સ્ટેજમાં છે. ફાઇનલ થયેલી વેબસિરીઝના પ્રોડક્શન માટે હમણાં ગુજરાતનાં ચક્કરો થોડાં વધ્યાં એટલે નક્કી કર્યું કે બે વખતથી ફૂડ ડ્રાઇવ મુંબઈમાં જ ફરે છે તો ચાલો આ વખતે ગુજરાતમાં કંઈક વરાઇટી શોધીએ.
    વાત આગળ વધારીએ એ પહેલાં આડ વાત કહેવાની. પહેલાં સુરત ગયો, એ પછી વડોદરા અને પછી અમદાવાદ ગયો. યોગાનુયોગ જુઓ સાહેબ, હું જે શહેરમાં ગયો ત્યાં વરસાદ લઈને ગયો. સુરત ગયો તો ત્યાં ખૂબ વરસાદ પડ્યો, વડોદરામાં પણ એવું જ બન્યું અને અમદાવાદમાં પણ એવું જ થયું. ધોધમાર વરસાદ અને ગુજરાતમાં વરસાદ પડે એટલે લોકો બે જગ્યાએ દોટ મૂકે. એક, ભજિયાવાળાને ત્યાં અને બીજી, દાળવડાંવાળાને ત્યાં. દાળવડાં આમ તો આખા ગુજરાતમાં મળે, પણ અમદાવાદનાં દાળવડાં એક નંબર એટલે મને થયું કે તમને અમદાવાદનાં જ દાળવડાં ટેસ્ટ કરાવું.
મુંબઈમાં દાળવડાંનું ચલણ બહુ નહીં, પણ ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં તો દાળવડાં ખૂબ ફેમસ. એમાં પણ વરસાદ આવે એટલે બધું પડતું મૂકીને અમદાવાદીઓ દાળવડાં માટે લાઇનમાં ઊભા રહી જાય. અમદાવાદમાં એલિસબ્રિજ પાસે આવેલી ગુજરાત કૉલેજનાં દાળવડાં બહુ વખણાય છે. ઍક્ચ્યુઅલી આ કૉલેજનાં દાળવડાં નથી, પણ કૉલેજની પાસે લારીમાં ઊભા રહેતા ગુજરાત દાળવડાં સેન્ટરની વાત છે. તેઓ જૂના અને જાણીતા છે તથા પિસ્તાલીસ વર્ષથી લગાતાર દાળવડાં બનાવે છે. પહેલાં તો માત્ર લારી હતી, પણ હવે લારીથી પચાસ-સો મીટરના અંતરે દુકાન પણ કરી છે. જોકે કોવિડના કાળમાં દુકાનમાં બેસવાની મનાઈ છે એટલે મેં નક્કી કર્યું કે દાળવડાં લઈને હોટેલ પર જવું.
ચારસો રૂપિયે ક‌િલો એવાં આ દાળવડાંને ઘણાં વાટી દાળનાં ભજિયાં પણ કહે છે. દાળવડાં અધકચરી ચણાની દાળનાં બને. ચણાની દાળને વાટીને એમાં લસણ, આદું, લીલાં મરચાં અને નમક નાખવામાં આવે. બીજા એક પણ મસાલાનો ઉપયોગ થાય નહીં અને આ જ એની મજા છે. તૈયાર થઈ ગયેલા આ મિશ્રણનાં વડાં બનાવીને પછી એને સિંગતેલમાં ફ્રાય કરવામાં આવે. દાળવડાં બે વખત ફ્રાય કરવામાં આવે છે. પહેલી વાર તળીને એને કડક કરવામાં આવે તો બીજી વાર તળીને એને સૉફ્ટ કરવામાં આવે છે. 
આ દાળવડાં ખાવાની પણ એક રીત છે. દાળવડાનાં બે ફાડાં કરી એના પર કાંદાની એક ચીર અને એના પર તળેલા મરચાનો નાનો ટુકડો મૂકવાનો અને પછી એને ચટણીમાં બોળીને ખાવાનું. સાહેબ, અદ્ભુત. ચારસો રૂપિયે કિલોનો ભાવ અને સો ગ્રામમાં છ નંગ આવે, પણ એ છ નંગ ખાધા પછી થાય કે આપણે સાલ્લા મૂરખ કે સો ગ્રામ લઈને જ આવ્યા. હા, મને મારા પર ખીજ ચડી હતી. તમને તમારા પર ગુસ્સો ન આવે એનું ધ્યાન રાખીને થોડું વધારે મોટું પાર્સલ જ લેજો.

columnists Gujarati food mumbai food Sanjay Goradia indian food