ખોરાકને બદલી-બદલીને ખાવો એ ફક્ત નખરાં નથી પરંતુ શરીરની જરૂરિયાત હોય છે

28 March, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખોરાકમાં વિવિધતા જાળવી રાખવાથી આપણને દરેક પ્રકારનાં પોષકતત્ત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે.

પ્રતીકાત્મક તસવીર

ઘણા લોકો એવા હોય છે જેમનો ખોરાક એકદમ નક્કી જ રહે છે. સવારે ઊઠીને એક કપ ચા સાથે બે થેપલાં પાકાં. બપોરે જમવામાં રોટલી, દાળ, ભાત, શાક ખાઈએ એમાં પણ દાળ હંમેશાં તુવરની જ અને શાક મોટા ભાગે દૂધી, રીંગણ અને બટાટા. સાંજે જમવામાં ખીચડી સાથે દહીં કે દૂધ. આવા લોકો માને છે કે તેમનો ખોરાક સાદો છે. આવા લોકો ફળોમાં પણ એકાદ પ્રકારનું ફળ જ ખાતા હોય છે સાદો ખોરાક લેવો સારી વાત છે પરંતુ એક જ પ્રકારનો ખોરાક અથવા તો કહીએ કે લાંબા ગાળા સુધી એક જ પ્રકારનું ભોજન પણ હેલ્ધી હોતું નથી. જીવનમાં વિવિધતા જરૂરી છે કારણ કે બદલાવ જીવનનું અભિન્ન અંગ છે. ખોરાકને બદલી-બદલીને ખાવો એ ફક્ત નખરાં નથી પરંતુ શરીરની જરૂરિયાત હોય છે. 
 
દરેક શાક, ધાન, ફળ, કઠોળ હેલ્ધી છે પરંતુ એ બધામાં જુદાં-જુદાં પોષકતત્ત્વો રહેલાં છે. જે જુવાર આપી શકે છે એ ઘઉં નથી આપતા અને જે બીટ આપે છે એ ગાજર નથી આપી શકતું. ખોરાકમાં વિવિધતા જાળવી રાખવાથી આપણને દરેક પ્રકારનાં પોષકતત્ત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે. શરીર બૅલૅન્સ્ડ રહે છે. ક્યારેય વિટામિન્સ કે મિનરલ્સની ઊણપ સર્જાતી નથી. તમારું પોષણ પૂરું રહે છે. જે એક પ્રકારનો ખોરાક લેતા લોકો છે તે મોટા ભાગે ચીડચીડા રહે છે કારણ કે જ્યારે ખોરાક એક જ માત્રામાં લેવામાં આવે ત્યારે જે વિટામિન્સની ઊણપ રહી જાય એ માનસિક હેલ્થ પર પણ અસર કરે છે. આવા લોકોને  ખોરાકમાં જમવાનો સંતોષ થતો નથી. ખોરાકનો માનસિક હેલ્થ સાથે પણ સીધો સંબંધ છે. જ્યારે આપણે વ્યવસ્થિત ખાઈએ છીએ ત્યારે આપણને માનસિક સંતોષ મળે છે જે અલગ-અલગ પ્રકારના ભોજનથી મળે છે.
 
એવું કહેવાય છે કે એક્સરસાઇઝમાં હંમેશાં બદલાવ લાવવો જરૂરી છે. એવું જ ખોરાકનું છે. એક ને એક ખોરાક ખાઈએ ત્યારે એના પોષણનો લાભ ઘટતો જાય છે. આમ પણ ૨૫ વર્ષની ઉંમર પછી વ્યક્તિનું શરીર ઘસાતું ચાલે છે જેમાં વિકાસ કરતાં ઘસારાનું પ્રમાણ વધુ હોય છે જેમાં માઇક્રોન્યુટ્રિઅન્ટ્સની શરીરને વધુ જરૂર પડે છે. જ્યારે વ્યક્તિ અલગ-અલગ પ્રકારનાં શાકભાજી, ધાન્ય અને કઠોળ કે દાળ ખાય તો એમાંથી એ માઇક્રોન્યુટ્રિઅન્ટ્સની જરૂરિયાત સંતોષાય છે. જ્યારે એ સંતોષાતી નથી ત્યારે શરીરમાં પોષણની ઊણપ સર્જાય છે અને આ ઊણપ બીમારીઓને નોતરે છે. આમ ખોરાક બદલતો રહેવો જરૂરી છે. 
 
- ધ્વનિ શાહ
( ધ્વનિ શાહ અનુભવી ન્યુટ્રિશનિસ્ટ છે. )
street food Gujarati food mumbai food indian food health tips life and style