ચોમાસામાં ખાઈ લો લાલ-પીળી ખારેક

09 July, 2025 03:49 PM IST  |  Mumbai | Kajal Rampariya

ખારેક ખાવાથી આ સીઝનમાં નબળી પડી રહેલી રોગપ્રતિકારક શક્તિ ફરીથી મજબૂત થાય એટલું જ નહીં; હેલ્થ માટે આ સીઝનલ ફળ જબરદસ્ત ગુણકારી છે

ખારેક

ઉનાળાની ઋતુમાં લીલી, પીળી અને મીઠી કેરીનો આસ્વાદ માણી લીધા બાદ ચોમાસાના આગમન સાથે જ ફ્રૂટ્સની લારીઓમાં લાલ અને પીળા રંગની ખારેક જોવા મળે છે. વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો ગણાતી ખારેકની સીઝન ચોમાસાની ઋતુ પૂરતી જ હોય છે. આ સીઝનમાં વરસાદને લીધે જાતજાતના રોગ અને ઇન્ફેક્શન થવાના ચાન્સ વધુ હોય છે અને ખારેકના ગુણધર્મો આ બધા જ રિસ્કથી બચાવે છે. તેથી ચોમાસામાં હેલ્ધી રહેવું હોય અને શરીરને બહારનાં ઇન્ફેક્શન્સથી બચાવવું હોય તો ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રૉન્ગ બનાવવા માટે ખારેક ખાવી બહુ જરૂરી છે. આમ તો ખારેક ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વધુ જોવા મળે છે. ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં બન્ને રંગની ખારેક મબલક પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તેથી જ એ દેશ-વિદેશમાં કચ્છી ખારેક તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતીઓ માટે ખારેક નવું ફળ નથી, પણ એ ટેસ્ટમાં ગળપણની સાથે થોડું અલગ હોય છે તેથી ઘણા લોકોને ખારેક ખાવી પસંદ નથી હોતી. જેમને ટેસ્ટ ઓછો પસંદ હોય તેમણે ટેસ્ટ ડેવલપ કરીને ચોમાસાની સીઝનમાં ખારેક તો ચોક્કસ ખાવી જોઈએ. લોકપ્રિય ફળોની યાદીમાં ખારેકનું નામ ભલે ટોચ પર ન હોય, પણ પોષક તત્ત્વોની બાબતમાં ખારેક કોઈથી પાછી પડે એમ નથી ત્યારે આ ઋતુમાં ખારેક ખાવી શા માટે જરૂરી છે અને કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ એ વિશે એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરી ચૂકેલાં અને હાલ અંધેરીમાં પોતાના ખાનગી ક્લિનિકનું સંચાલન કરી રહેલાં ડાયટિશ્યન કોમલ મહેતા પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ...

રંગની સાથે પોષણમાં ડિફરન્સ

આમ તો લાલ અને પીળા રંગની ખારેક વચ્ચે પોષણના મામલે ૧૯-૨૦નો તફાવત છે. લાલ ખારેકમાં આયર્નનું પ્રમાણ વધુ હોવાથી એનીમિયાની સમસ્યા ધરાવતા લોકો માટે આ ફળ દવાની જેમ કામ કરશે ત્યારે પીળી ખારેકમાં ફ્રક્ટોઝ અને ગ્લુકોઝ જેવી નૅચરલ શુગરનું પ્રમાણ વધારે હોવાથી એ તાત્કાલિક ઊર્જા આપે છે. લાલ ખારેકમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી પાચનશક્તિ સારી થાય છે ત્યારે પીળી ખારેકમાં વિટામિન Cનું પ્રમાણ થોડું વધુ હોવાથી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. બન્ને રંગની ખારેકમાંથી આ બધા જ ગુણો હોય છે. બસ, એનું પ્રમાણ ઓછું-વધારે હોય છે, પણ મુંબઈના લોકો સૌથી વધુ લાલ રંગની ખારેક ખાવાનું પસંદ કરે છે. એમાંથી મળતાં મિનરલ્સ હાડકાંને મજબૂત કરે છે.

એનર્જી-બૂસ્ટર

જે પણ ફ્રૂટ સીઝનલ છે એના ફાયદાઓ હોય જ છે, તેથી જે સીઝનમાં જે ફ્રૂટ આવે એને ખાઈ લેવું જોઈએ. ખારેકમાં કૅલરીનું પ્રમાણ ઓછું હોવાથી એમાંથી ફૅટ મળતી નથી. ઉપવાસ હોય કે વધુપડતી શારીરિક પ્રવૃત્તિ કરતા હોય એવા લોકો માટે ખારેકનું સેવન બળ પૂરું પાડશે અને તેથી જ એને શક્તિવર્ધક કહેવાય છે. વર્કઆઉટ કર્યા બાદ જો બે ખારેક ખાઈ લેવામાં આવે તો એ બૉડીને ઇન્સ્ટન્ટ એનર્જી આપશે અને મસલ્સને બિલ્ડ કરવામાં મદદ કરશે. એના ફાયદા પગથી લઈને માથા સુધી થતા હોવાથી એને તાકાતની આખેઆખી ફૅક્ટરી કહેવામાં આવી છે. આ રીતે ખારેકને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે ખાવામાં આવે તો એ ફાયદાઓ જ આપશે.

કોમલ મહેતા, ડાયટિશ્યન

આયર્નનો ભંડાર

ખારેકમાંથી આયર્ન પણ ભરપૂર પ્રમાણમાં મળતું હોવાથી મહિલાઓ માટે ખારેક વરદાન સાબિત થઈ શકે છે. જેના શરીરમાં લોહીની ઊણપ હોય, હીમોગ્લોબિન ઓછું હોય અને એનીમિયા હોય એવી સ્ત્રીઓએ ખારેક તો ખાવી જ જોઈએ. આ ઉપરાંત એ પિરિયડ્સને રેગ્યુલેટ કરવામાં પણ મદદ કરે છે. જે યુવતીઓના પિરિયડ્સ અનિયમિત હોય અથવા ઓછા આવતા હોય તો ખારેક ખાવાથી એ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. એની તાસીર ગરમ હોવાથી જે સમયે માસિક સ્રાવ થતો હોય એ દરમિયાન ન ખાવી જોઈએ પણ એની પહેલાં અને પછી ખાવાથી ફાયદો થશે. ગર્ભસ્થ સ્ત્રીઓને શરૂઆતના સમયમાં ખારેક ખાવાની સલાહ અપાતી નથી. એની તાસીર ગરમ હોવાથી મિસકૅરેજ થવાના ચાન્સ વધી જાય છે. ત્રણ મહિના બાદ પણ જો ખાવી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બાળક આવ્યા બાદ સ્તનપાન કરાવતી મહિલાઓમાં આયર્નની અછત જોવા મળે છે જે મિલ્ક-પ્રોડક્શન પર પણ અસર કરે છે. તેથી ખારેકનું સેવન આયર્નના લેવલને વધારે છે જે મિલ્ક-પ્રોડક્શન વધારવાનું કામ કરે છે. આયર્ન ઉપરાંત ખારેકમાંથી પોટૅશિયમ, ફૉસ્ફરસ, મૅગ્નેશિયમ અને કૅલ્શિયમ જેવાં મિનરલ્સ મળી આવે છે જે હાડકાંની હેલ્થ ઉપરાંત નર્વસ સિસ્ટમને સુધારવાનું કામ કરે છે.

કબજિયાત નિવારક

ખારેકમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી એ પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. ગૅસ, ઍસિડિટી અને અપચાની સમસ્યામાં ખારેકનું સેવન કારગત નીવડે છે એટલું જ નહીં, વર્ષો જૂની કબજિયાતની સમસ્યાને પણ એ જડમૂળથી કાઢી નાખે છે. પણ હા, એનું અતિસેવન પાચનતંત્રના કાર્યને બગાડી નાખે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે.

કૉલેસ્ટરોલને કન્ટ્રોલ કરે

ખારેકમાં રહેલા પોટૅશિયમ અને મૅગ્નેશિયમ જેવાં મિનરલ્સ હૃદયરોગ અથવા એ સંબંધિત સમસ્યાઓથી બચાવ કરે છે. એનું સેવન બૅડ કૉલેસ્ટરોલને ઓછું કરવાની સાથે બ્લડશુગર લેવલ અને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને એમાંથી ફૅટ મળતી ન હોવાથી એ વેઇટ-મૅનેજમેન્ટમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.

વિટામિન્સનો પાવર

ખારેકમાંથી જેમ બહોળા પ્રમાણમાં આયર્ન અને ફાઇબર મળે છે એ રીતે વિટામિન C પણ મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં બહુ જ મદદગાર સાબિત થાય છે. ચોમાસામાં છાશવારે થતા ઇન્ફેક્શન, શરદી અને ઉધરસ જેવા રોગથી એ બચાવે છે. આ ઉપરાંત એમાંથી વિટામિન A અને E પણ મળે છે જે આંખ, સ્કિન અને વાળ માટે ઉપયોગી છે. B કૉમ્પ્લેક્સ વિટામિન મગજનાં ફંક્શન્સને સ્મૂધ બનાવવામાં, મેમરી શાર્પ કરવામાં અને ફોકસને વધારવામાં મદદરૂપ થાય છે. ખારેકમાંથી શરીરને જેટલું પોષણ મળે છે એટલું તો ભાગ્યે જ કોઈ શાકાહારી ખોરાકમાં મળતું હશે.

કઈ રીતે ખાવી?

ખારેક ખાવી હોય એના અડધા કલાક પહેલાં એને પાણીમાં રાખી મૂકવી, કારણ કે ખારેકની તાસીર ગરમ હોય છે. જો એને પાણીમાં રાખીને ખાવામાં આવે તો એ શરીરને નુકસાન પહોંચાડતી નથી. આખા દિવસ દરમિયાન બેથી ત્રણ ખારેક પૂરતી છે. જો એને સૂકા મેવા એટલે કે ડ્રાયફ્રૂટ્સ સાથે ખાવામાં આવે તો એ વધુ ફાયદો આપે છે. એ બ્લડશુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે. ખારેકના ગુણોને બૉડી જલદી ઍબ્સૉર્બ કરે છે. તેથી જો ખાલી ખારેક ન ભાવતી હોય તો ડ્રાયફ્રૂટ્સ સાથે ખાવી સર્વશ્રેષ્ઠ કહેવાશે. આમ ખાવાથી શુગર સ્પાઇક થવાના ચાન્સ ઝીરો થઈ જશે. ખારેકના અતિસેવનને લીધે સ્થૂળતા, વજન વધવું, લૂઝ મોશન અને પાચનતંત્ર પર દબાણ જેવી સમસ્યા થશે. આમ તો એનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ ઓછો એટલે કે એમાં શર્કરાનું પ્રમાણ ઓછું હોવાથી આ ફળને ડાયાબેટિક-ફ્રેન્ડ્લી પણ કહેવાય છે. આમ તો તેઓ એક ખારેક ખાઈ શકે છે, પણ તેમની હેલ્થ-કન્ડિશનના હિસાબે ડૉક્ટરની સલાહ મુજબ એનું સેવન કરવું હિતાવહ ગણાશે. ફ્રેશ ખારેક ઉપરાંત સૂકી ખારેક બારે માસ માર્કેટમાં મળે છે. એને આખી રાત પાણીમાં પલાળીને સવારે એનું પાણી નરણા કોઠે એટલે કે ખાલી પેટે પીવામાં આવે તો એ ડાઇજેસ્ટિવ સિસ્ટમને સારી રાખવામાં કારગત સાબિત થાય છે. જે લોકોમાં આયર્ન ઓછું હોય તેમના માટે આ પ્રયોગ રામબાણ ઇલાજ સાબિત થશે. ખારેકને દૂધમાં પલાળીને પીવાથી પણ પોષણ મળે છે. થાક અને કમજોરીને દૂર કરવામાં એ દવાની જેમ કામ કરે છે. માર્કેટમાં ખારેકનો પાઉડર પણ મળે છે. અત્યારે ઘરે-ઘરે બેકરી પ્રોડક્ટ્સ બનાવવાનું ચલણ વધ્યું છે એમાં સાકરને બદલે ખારેકના પાઉડરનો ઉપયોગ કરવામાં આવશે તો એ વાનગી હેલ્ધી બની જશે.

ખારેક સાથે સંકળાયેલાં રોચક તથ્યો

food news mumbai food indian food life and style health tips columnists gujarati mid day monsoon news mumbai